પાટીદાર આંદોલનની સંગ્રામભૂમિ મહેસાણામાં ભાજપની પ્રતિષ્ઠા શા માટે દાવ પર છે?

PC: khabarchhe.com

પાટીદાર અનામત આંદોલનને જન્મ આપનારી ભૂમિ એટલે મહેસાણા ભાજપની પ્રતિષ્ઠા દાવ પર છે. ગુજરાતમાં દુધનું સૌથી વધુ ઉત્પાદન કરતી સહકારી મંડળી દુધ સાગર ડેરી મહેસાણામાં આવેલી છે. આશરે 6.11 લાખ સહકારી મંડળીનાં મેમ્બર છે અને મોટાભાગનાં કડવા પાટીદાર છે. મહેસાણાની કુલ વસ્તીનાં 25.6 ટકા લોકો પાટીદાર સમાજનાં છે. આ ઉપરાંત ઓબીસી વસ્તી છે. 1990થી ભાજપનાં ઉમેદવારો વિજયી થતાં આવેલા છે. આ વખતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસનાં પૂર્વ સાંસદ જીવા પટેલ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. 2004માં જીવા પટેલે લોકસભાની ચૂંટણી જીતી હતી.

એશિયામાં સૌથી વધુ જીરું અને પીળા ફૂલોની ખેતી અહીં થાય છે અને મહેસાણાથી 27 કિમી દુર આવેલા ઉંઝા માર્કેટ યાર્ડમાં ઠલવાય છે. પાટીદાર સમાજનાં સર્વોચ્ચ ધાર્મિક સંસ્થાન ઉમિયા માતાનું મંદિર પણ અહીં આવેલું છે. ગુજરાતનાં અંદાજે આઠ લાખ પાટીદારોનું ઉમિયાધામ પ્રતિનિધિત્વ કરે છે.

2015માં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત વિરમગામથી કરી હતી અને ભાજપને હરાવવા હાર્દિક દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અનામત આંદોલનનાં કારણે જ આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિદાય થવું પડ્યું હતું. આંદોલન પૂર્વે કોંગ્રેસની દશા ખરાબ હતી અને આંદોલન બાદ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 44માંથી 29 બેઠક પર જીત હાંસલ કરી હતી. 

રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસનાં ઉમેદવાર જીવા પટેલે 2004માં નીતિન પટેલને લોકસભાની ચૂંટણીમાં પરાજય આપ્યો હતો અને 14,511 વોટથી જીત મેળવી હતી. 2004માં નીતિન પટેલની હાર માટેના કારણોમાં વિસનગર સહકારી બેન્કની નાદારી અને ખેડુત આંદોલન મુખ્યત્વે જવાબદાર રહ્યા હતા.

બે અઠવાડિયા પહેલા નિતીન પટેલે કહ્યું હતું કે જીવા પટેલે તેમને ભાજપમા જોડાવા માટે કહ્યું હતું. આ વિવાદ સામે આવતા ભારે હોબાળો થયો હતો. જીવા પટેલે નિતીન પટેલની વાતને ફગાવી દીધી હતી અને ભાજપમાં જવાની વાત માત્ર ગપગોળો હોવાનું કહ્યું હતું.

મહેસાણા ભાજપનાં કાર્યકરો દ્વારા જીવા પટેલ સામે બહારનાં ઉમેદવાર એટલે કે આયાતી ઉમેદવાર હોવાનો પ્રચાર કરવામાં આવે છે. કારણ કે જીવા પટેલ સુરતથી મહેસાણા ચૂંટણી લડવા ગયા છે.પરંતુ જીવા પટેલનું કાર્યક્ષેત્ર સુરત કરતાં મહેસાણા વધારે છે અને તેઓ મહેસાણામાં જ વધુ સમય રહે છે એવું કોંગ્રેસનાં લોકો કહે છે.

આ વિધાનસભામાં 52,182 વોટ પાટીદાર સમાજનાં છે. જ્યારે ઠાકોર સમાજનાં 39,995 વોટ છે. મહેસાણા વિધાનસભામાં પાટીદાર સિવાયનાં 19.6 ટકા વોટ મહત્વના છે. 7,880 વોટ ચૌધરી અને અંજાણા પાટીદારનાં છે. જ્યારે 7,800 વોટ રબારી સમાજનાં અે 25,600 જેટલા વોટ દલિત અને 13,206 વોટ મુસ્લિમ સમાજનાં છે.

નાયબ મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં ભૂર્ગભજળમાં ફ્લોરાઈડનું વધતું પ્રમાણ, ઓએનજીસીની પાઈપ લાઈનમાંથી છાશવારે ગેસ લિકેજ, ખુલ્લી ગટરો અને પ્રદુષણની માત્રામાં વધારા જેવી મુખ્ય સમસ્યા છે. ખેડુતોની વાત માનીએ તો મહેસાણામાં જીરાં, પીળા ફૂલો, ચોખા, મગફળી, એરંડા અને અનાજ જેવી ખેત પેદાશોનાં ભાવ મળતા નથી તે પણ મહત્વનો મુદ્દો છે. સરકારે આશ્વાસન આપ્યું છે પરંતુ તેનો ક્યારે ઉકેલ લવાશે તે કહેવું મુશ્કેલ છે. ખેડુતોએ પ્રદર્શનો કર્યા છે. દુધ સાગર ડેરી દ્વારા દુધ અને તેની બનાવટો માટે 610 રૂપિયા પ્રતિ કિલો આપે છે. આ ભાવ અપૂરતો હોવાનું ખેડુતો કહી રહ્યા છે.

યુવાનોની વાત કરીએ તો ખેત પેદાશો અને ડેરી ઉદ્યોગ દ્વારા પુરતું રોજગાર મળી રહ્યું નથી. 2015થી કેટલાય યુવાનો રોજગારની શોધ કરી રહ્યા હોવાનું મહેસાણાનાં યુવાનો કહી રહ્યા છે. સોશિયોલોજિસ્ટ અચ્યુત યાજ્ઞિકે મીડિયાને કહ્યું કે વિસનગર અને મહેસાણાનાં અંજાણા પાટીદારો-ચૌધરી સમાજને ઓબીસી પ્રમાણે અનામતનો લાભ મળે છે પરંતુ કડવા કે લેઉવા પાટીદારોને અનામતનો ઓબીસી કેટગરી પ્રમાણે લાભ મળતો નથી, અનામત આંદોલનનું આ પણ એક પ્રમુખ કારણ બન્યું છે.

કોંગ્રેસનાં ઉમેદવાર જીવા પટેલ કહે છે કે ભાજપ સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે મહેસાણાને અન્યાય કર્યો છે. પાટણ અને વડનગરમાં મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજો બનાવવામાં આવી છે પરંતુ મહેસાણામાં એક પણ મેડિકલ કે એન્જિનિયરીંગ કોલેજ નથી.

નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા ભાજપનાં ઉમેદવાર નિતીન પટેલે કહ્યું કે સરકારે મહેસાણામાં નર્સિંગ કોલેજનું નિર્માણ કર્યું છે અને જનરલ હોસ્પિટલને આધુનિક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. 15.5 કરોડનાં ખર્ચે રાધનપુરથી પાંચોટ વચ્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે. આ ઉપરાંત અવસર પ્લાઝાથી સાઈક્રિષ્ન હોસ્પિટલ સુધીનાં રસ્તાને સિક્સ લેન કરવામાં આવી રહ્યો છે. મહેસાણા-હિંમતનગરનાં રોડને ટુ-લેનમાં રૂપાંતરિત કરવાનું કામ 352 કરોડનાં ખર્ચે ચાલી રહ્યું છે. આ રોડનો ગ્રીન કોરીડોરમાં સમાવેશ કરાયો છે. વિરમગામ રેલવે લાઈન પર ઓવરબ્રિજને મંજુરી આપી દેવામાાં આવી છે. પાણી પુરવઠામાં નર્મદાનાં પાણીનાં કારણે વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં આક્ષેપોમાં કોઈ વજુદ નથી.

મહેસાણાનાં ચૂંટણી જંગમાં બે ધુરંધરો વચ્ચેનો આવા પ્રકારનો જંગ કોને તારે છે કે ડૂબાડે છે એ જોવાનું રહે છે. હાલ તો બન્ને નેતાઓએ આક્રમક પ્રચાર અને અપાર શક્તિ પ્રદર્શન કર્યું છે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp