ઉત્તર ગુજરાતમાં લગ્ન પ્રસંગે કમલેશ બારોટનો ડાયરો, મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

PC: news.18.com

એક બાજુ રાજ્યમાં કોરોના રૂપી દૈત્યનો કહેર વધી રહ્યો છે. રાજ્યના ઘણા બધા ગામડાંઓમાં લોકડાઉન લાગું કરવામાં આવી રહ્યું છે. પણ મહિસાગરના લુણાવાડામાં ધામધૂમથી રાકેશ સોલંકીનો લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. જેમાં જાણીતા કલાકાર કમલેશ બારોટનો ડાયરો રાખવામાં આવ્યો હતો. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લાંબા સમય સુધી લોકોની ભીડ જોવા મળી હતી.

આ ભીડમાં ન હતું કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે ન કોઈએ માસ્ક પહેરેલા હતા. આવી પરિસ્થિતિમાં કોરોના વિસ્ફોટ થશે તો જવાબદાર કોણ? કમલેશ બારોટના આ ડાયરામાં 2500 જેટલા લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમ જ્યાં હતો ત્યાંથી SP ઓફિસ માત્ર 200 મીટર દૂર છે. પણ ચિત્ર એવું હતું કે, ન તો તંત્રને ભીડથી વાંધો હતો કે ન તો પોલીસને. મોટી સંખ્યામાં લોકોએ કમલેશ બારોટના ડાયરામાં ભાગ લીધો અને મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું. એક બાજુ લુણાવાડામાં 15 દિવસ સુધી માર્કેટ બંધ કરાવવામાં આવી હતી.જેની સામે વેપારીઓ રોષે ભરાયા હતા. બસ સ્ટેશન પાછળ આવેલા બજાર, બાવળા માર્કેટ, માંડવી બજાર, પરા બજાર, સુપર માર્કેટ સહિતના ગીચ વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. જેથી ભારે ભીડ જામે છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં એ માટે આ બજાર બંધ કરાવવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ ચર્ચાય છે કે, આ ડાયરામાંથી કોરોના નહીં ફેલાઈ? એક પણ વ્યક્તિ સંક્રમીત સાબિત થઈ તો કોરોનાનો રાફડો ફાટશે એ નક્કી છે. થોજા દિવસ પહેલા નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જોગાભાઈ પાડવીએ એમની દીકરીના લગ્ન પ્રસંગે મોટી જનમેદની ભેગી કરી હતી. જેમાં ડી.જે. પણ વગાડવામાં આવ્યું હતું. તાપી જિલ્લા આરોગ્ય કેન્દ્ર વિભાગ તરફથી તકેદારીના ભાગ રૂપે ત્રણ ટીમને વેલદા ગામે રવાના કરવામાં આવી હતી. આયોજક જોગાભાઈ તથા કોહિનુર બેન્ડના દીલીપ કોટવાળીયા સામે તમજ આશિષ વસાવા સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા.

આ પહેલા સુરત જિલ્લાના માગરોળ તાલુકાના વેરકુઈ ગામે પણ હોળી ફળિયામાં લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા સુધી વાયરલ થયો હતો. ભાજપ કાર્યકર્તા ઈન્દ્રેશભાઈ મલેકની દીકરીના લગ્ન પ્રસંગે કોરોના વાયરસની ચોક્કસ ગાઈડલાઈન્સનો ભંગ થયો હતો. લોકોએ આ પ્રસંગે મોટી સંખ્યામાં એકઠા થવાની સાથોસાથ ગરબા કર્યા હતા અને ડાન્સ પણ કર્યા હતા. આ કેસમાં પોલીસે એક્શન લીધા હતા. જેમાં એક PSI અને જમાદારને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp