રાજકોટમાં દેશનું સૌથી વિશાળ વૃદ્ધાશ્રમ, તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો

PC: images.bhaskarassets.com

રાજકોટમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે. આ વૃદ્ધાશ્રમમાં કોઇપણ પ્રકારના નાતજાતના કે ઊંચ-નીચના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વૃદ્ધોને વિનામૂલ્યે આશરો આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા હવે 30 એક જમીનમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે 700 રૂમના લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમા એકસાથે 2100 વડીલોને આશ્રય આપવામાં આવશે. આ અનોખા વૃદ્ધાશ્રમનું રવિવારે પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. હાલ, આ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડીલો આશ્રય લઈ રહ્યા છે, જેમાંથી 180 જેટલા વડીલ પથારીવશ છે.

આ નવા બનનારા વૃદ્ધાશ્રમ વિશે માહિતી આપતા સંચાલક વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, આ નવા નિર્માણ થઈ રહેલા વૃદ્ધાશ્રમમાં કુલ 7 ટાવરમાં 700 રૂમ હશે, જેમા વડીલોને આશ્રય આપવાની સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. આ નવા નિર્માણાધીન વૃદ્ધાશ્રમ કદાચ દેશમાં સૌથી મોટું વૃદ્ધાશ્રમ હશે જ્યાં એકસાથે 2100 વડીલોને આશરો આપી શકાશે. જોકે, આ વૃદ્ધાશ્રમમાં એવા જ વડીલોને આશરો આપવામાં આવશે જેઓ નિરાધાર છે, જેમને કોઈ સંતાન નથી અને લાચાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અહીં આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે હેતુથી અમે એમ કહીએ છીએ કે અમને માવતર જોઈએ છે.

વધુ માહિતી આપતા સંચાલકે જણાવ્યું હતું કે, તેમા દરેક માળે અગાસી હશે જેમા વડીલો વોકિંગ કરી શકશે તેમજ પથારીવશ વડીલની સારવાર માટે કેર ટેકરની ટીમ 24 કલાક 365 દિવસ હાજર રહેશે. દરેક માળે વડીલો વ્હીલચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે. દરેક રૂમમાં હવા-ઉજાશ અને ગ્રીનરીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. એટલું જ નહીં, જૈન સમાજના વડીલો માટે એક આખો અલગ ટાવર બનાવવામાં આવશે, જ્યાં તેમને જૈન ભોજન મળી રહેશે. જો તમારી આસપાસ પણ કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ વૃદ્ધ હોય તો સદભાવના વૃદ્ધાશ્રમના નંબર 80002 88888 પર સંપર્ક કરી સંસ્થાને જણાવવું.

સદભાવના વૃદ્ધાશ્રમનું લક્ષ્ય ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું પણ છે. અત્યારસુધીમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં 20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે. એટલું જ નહીં, સદભાવન સંસ્થા દ્વારા બળદો માટે પણ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમા તરછોડાયેલા અંદાજે 700 જેટલા બળદો આશ્રિત છે. સંસ્થાનું લક્ષ્ય 10000 બળદોને આશરો આપવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp