પાટણના બાલિસણામાં સ્મશાનમાં નવી સગડી દાન આપનાર દાતાની પહેલી અંતિમવિધિ થઈ

PC: Dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ 13 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. જે રીતે રાજ્યની હોસ્પિટલની બહાર દર્દીને બેડ મેળવવા માટે વેઇટિંગ કરવું પડી રહ્યું છે તે જ રીતે રાજ્યના સ્મશાન ગૃહની બહાર પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લોકોને વેટિંગમાં ઊભા રહેવું પડી રહ્યુ છે. રાજ્યના કેટલાક શહેરો અને ગામડાઓમાં તો ચોવીસ કલાક સુધી સ્મશાનો શરૂ રાખવામાં આવે છે. આ ઉપરાંત સ્મશાન ઘટતા સરકારને નવા સ્મશાનો ઉભા કરવાની પણ ફરજ પડી છે. ત્યારે પાટણના એક ગામમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં યોગાનું યોગ કે, જે વૃદ્ધે સ્મશાનગૃહમાં સગડીનું દાન આપ્યું હતું તે સગડીમાં સૌપ્રથમ દાતાની જ અંતિમવિધિ થઈ હતી.

રિપોર્ટ અનુસાર પાટણ તાલુકાના બાલીસણા ગામમાં યુવાનોએ એકઠા થઈને જુના સ્મશાનને ફરીથી શરૂ કરવાનો વિચાર કર્યો હતો. આ યુવાનોએ જુના સ્મશાનની સાફ-સફાઈ કરીને તેને ફરીથી શરૂ કર્યું હતું અને સ્મશાનમાં સગડી માટે દાન એકઠું કરવામાં આવ્યુ હતું. જેમાં ગામના સ્મશાન ગૃહમાં સગડી માટેનું દાન જલોત્રા માધ્યમિક શાળાના આચાર્ય હરજીવન પટેલ દ્વારા આપવામાં આવ્યુ હતું. આ સગડી હરજીવન પટેલના દિકરા કમલેશ પટેલ અને રાકેશ પટેલ દ્વારા અમદાવાદ ખાતે આવેલી તેમની ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી.

15 દિવસ પહેલા આ સગડી બાલીસણા ગામના જુના સ્મશાન ખાતે લાવવામાં આવી હતી અને શનિવારના રોજ આ સગડી સ્મશાનમાં ફીટ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. સ્મશાનની અંદર સગડી ફિટ થયા બાદ એકાએક હરજીવન પટેલની તબિયત ખરાબ થવા લાગી હતી અને રવિવારે સવારે તેમનું નિધન થયું હતું. એટલે હરજીવન પટેલે જુના સ્મશાનમાં જે સગડીનું દાન કર્યું હતું એ જ સગડી પર સૌપ્રથમ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બાલીસણાની આસપાસના ગામડાઓમાં સિદ્ધપુરમાં મુક્તિધામમાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોની અંતિમવિધિ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. તેના કારણે લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસણાપાંચ ગામોના યુવાનો એકઠા થઈને બાલીસણા ગામમાં જુના સ્મશાનને શરૂ કરવાનો વિચાર કર્યો હતો. બાલીસણા ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર નજીક સ્મશાનની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ જુના સ્મશાનમાં સગડીનું દાન કરનારા હરજીવન પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp