આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને આ રાજકીય પાર્ટી સાથે જોડાશે વિજય સુવાળા

PC: facebook.com/vijaysuvadaofficial20

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ વિજય સુવાળા આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. એવી માહિતી મળી રહી છે કે, વિજય સુવાળાને કમલમમાંથી તેડું આવ્યું છે અને તેઓ કમલમમાં ભારતીય જનતાનો પાર્ટીનો ખેસ ધારણ કરશે. તો બીજી તરફ વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી સમય ન આપી શકવાના રાજીનામું આપવાની વાત કરતા જ આમ આદમી પાર્ટીના નેતાઓ દોડતા થઇ ગયા હતા.

વિજળ સુવાળાએ રાજીનામું આપવાની મીડિયા સામે જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં ઈશુદાન ગઢવી વિજય સુવાળાના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે 45 મિનીટ જેટલો સમય બેઠક થઇ હતી. ત્યારબાદ ઈશુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વિજય સુવાળા તેમના નાના ભાઈ સમાન છે તેઓ તેમની વાત જરૂરથી માનશે. આ ઉપરાંત વિજય સુવાળાએ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હવે હું રાજીનામું આપવા બાબતે એક વખત વિચારીશ અને પાર્ટીના આગેવાનો સાથે બેઠક થયા બાદ આ બાબતે આગળનો નિર્ણય કરીશ. તો બીજી તરફ એક વાત એવી પણ સામે આવી રહી છે કે, વિજય સુવાળા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓથી નારાજ હતા અને તેના કારણે આમ આદમી પાર્ટીના મોટા ભાગના કાર્યક્રમોમાંથી તેમની ગેરહાજરી જોવા મળતી હતી. પણ આ વાત માત્ર રાજકીય લોબીમાં ચર્ચાઈ રહી છે. વિજય સુવાળાએ આ બાબતે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી.

આમ આદમી પાર્ટી છોડવાનું કારણ જુઓ શું આપેલું વિજય સુવાળાએ...

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળાએ પાર્ટીમાંથી રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. વિજય સુવાળાએ તેમના એક ઈન્ટરવ્યુમાં તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવું તેને જણાવ્યું છે. 

વિજય સુવાળાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ઈશુદાન મારા ખાસ મિત્ર હતા અને એક લોકસેવાનું કાર્ય અમારી સાત પેઢીથી અમે કરતા આવીએ છીએ. એટલે લોકોની સેવા કરવાનું માધ્યમ મને મળતું હતું એટલે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. ચાર મહિનામાં આમ આદમી પાર્ટીએ મને કોઈ માઠું નથી લગાવ્યું. આજે મારા સંબંધો ત્યાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. કોઈ સાથે વિખવાદ નથી થયો, કોઈ ભેદભાવ નથી થયો. મને જે જોઈતું હતું તેના કરતા વધારે આમ આદમી પાર્ટીએ આપ્યું છે.

તેણે કહ્યું હતું કે, સતત મેં પણ પૂરી ઈમાનદારીથી ચાર મહિનાનો સમય આપ્યો છે. અંગત કારણોસર એવું બનતું કે માર ગરબા અને ડાયરાના કાર્યક્રમ ઘણા શરૂ હતા. નવરાત્રીથી લઇને કમૂરતા પહેલા સતત 38થી 39 કાર્યક્રમ મારા હતા. એટલે એવું થતું હતું કે, કાર્યક્રમમાં સમય આપું તો પાર્ટીનો કાર્યક્રમ છૂટી જાય અને પાર્ટીમાં સમય આપું તો કાર્યક્રમ છૂટી જાય. એટલે કંઇક અંશે મારાથી પાર્ટીને નુકસાન થાય અને પછી કોઈક દિવસ મર્યાદાઓ તૂટી જાય  અને કોઈ કહે કે તમે તો કાર્યક્રમમાં આવતા નથી. એટલે મેં એવો નિર્ણય કર્યો કે હું સામેથી રાજીખૂશીથી પાર્ટીમાંથી રાજીનામું આપી દઉ.

તેણે એવું પણ જણાવ્યું હતું કે, રાજકારણ તો ભવિષ્યની વાત છે. જીવનમાં ઉતાર ચઢાવ તો અવતા રહેવાના. હું રાજકારણ કરવા નહીં પણ રાજકારણને બદલવા આવ્યો હતો. પણ હવે આ બધી ભવિષ્યની વાત છે. ઘણા બધા લોકો મને કહેતા કે તમે લોકપ્રિય કલાકાર છો અને ભૂવાજી છો એટલે તમારે રાજકારણમાં ન જોડાવું જોઈએ. હું પણ મનોબળથી થોડો મજબૂત વ્યક્તિ છું. એટલે હું તેમને કહેતો કે રાજકારણમાં જોડાવાનું કારણ હતું એક ટીમ વર્ક થાય એટલે હું જોડાયો હતો. એટલે કે લોકસેવા કરવી તે એકલા વ્યક્તિથી થઇ શકતું નથી. તેની એક લીમીટ હોય અને લીમીટ બહાર જઈને સેવા કરવી હોય તો તેના માટે ટીમ વર્ક જરૂરી છે. આમ આદમી પાર્ટીમાં મને ટીમ વર્ક મળી રહેતું હતું એટલા માટે મેં આ પાર્ટી પસંદ કરી હતી.

વિજળ સુવાળાએ વધુમાં જણાવ્યું કે, ગાંધીનગરમાં ચૂંટણી હતી ત્યારે રાત દિવસ મેં સતત મહેનત કરી. જન સંવેદના મુલાકાત હતી તે સમયે પણ છેક કચ્છથી લઇને સુરત સુધીની મેં યાત્રા કરી હતી. લોકોને ઘરે-ઘરે જઈને લોકોને શ્રદ્ધાંજલિ આપી. મેં ડાયરા અને સભાઓ કરીને લોકોને એકઠા કર્યા એટલે લોકોને સમજાયું કે કલાકારનું મહત્ત્વ શું છે. એટલે બધી પાર્ટીઓ કલાકારોને બોલાવવા લાગી છે. એટલે કલાકારોએ મારો આભાર માનવો જોઈએ કે મેં આમ આદમી પાર્ટીમાં જોડાઈને સભાઓ ન કરી હોત અને પબ્લિક ભેગી ન કરી હોય તો કલાકારનું મહત્ત્વ શું છે તે સરકાર ભૂલી ગઈ હતી.

વિજય સુવાળાએ અંતે જણાવ્યું હતું કે, રાજકારણ ભવિષ્યમાં નક્કી થશે પણ લોકસેવા તો કરવી જ છે. બીજી એક મહત્ત્વની વાત છે કે, હું કલાકાર તરીકે પણ શ્રેષ્ઠ છું. હું ખૂબ મહેનત કરું છું. લોકસેવા માટે પણ આ મહેનત કરતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp