મહેસાણામાં 10 વર્ષથી અભેરાઈએ પડી રહેલી ટીપી ફાઈલો હવે કેમ કાઢવામાં આવી?

PC: googlemap.com

મહેસાણા લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે કારણકે વિધાનસભાની ચૂંટણી વેળાએ સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને શહેરી વિસ્તારોમાંથી જ મત મળ્યા હતા. શહેરી વિસ્તારોમાં જ સૌથી વધુ ધારાસભ્યો ચૂંટાયા છે અને ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને જાકારો આપ્યો છે. તેથી ભાજપએ નક્કી કર્યું છે કે, શહેરી વિસ્તારો સતત વધારવા. જેના ભાગરૂપે નવા નવ મહાનગરો બનાવવાની કવાયત હાથ ધરી છે, જેમાં મહેસાણા એક છે.

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ અને રાધનપુર રોડ વચ્ચે 1995મા ટીપી સ્કીમો 1 અને 2 બની હતી, પરંતુ ત્યારબાદ 2008થી બનાવવામાં આવેલી 3, 4 અને 5 ટીપી સ્કીમોમાં દસ વર્ષથી કંઈ કરાયું ન હતું. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ તેને અભેરાઈ પર ચડાવી દીધી હતી પરંતુ હવે આ ત્રણ ટીપી સ્કીમો જે તૈયાર હતી, 2008થી તે હવે અમલી બનાવીને મહેસાણાને મોટું બનાવાશે. બીજા કેટલાંક વિસ્તારો પણ આમાં ઉમેરવામાં આવશે. નવી ટીપી સ્કીમો પણ લાગુ કરાશે. મહેસાણા ગંજ બજાર, સોભાસણ રોડ, ગાંધીનગર લિંક રોડ, સાંઈબાબા મંદિર સુધીની આ ટીપી સ્કીમો હવે અમલી બનાવાશે.

એક ટી.પી. સ્કીમ લગભગ સો હેક્ટરની હોય છે. તેથી આ ત્રણ સો હેક્ટર જેટલી જમીન પર નવા શહેરનું આયોજન કરાશે. ટાઉન પ્લાનિંગ સ્કીમોને અમલી બનાવી તેને શહેરમાં આવરી લેવાશે. કેટલાંક ગામોને મહેસાણામાં ઉમેરવા માટેની રાજ્ય સરકારે જે કવાયત હાથ ધરી છે તેમાં ઝડપ લાવવામાં આવી રહી છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલી બનતા હવે 24 મીટર સુધીના નવા રોડ બનશે. જો કે નવી ટીપી સ્કીમ લાગુ કરવા માટેના ખૂલ્લા મેદાનો હવે રહ્યાં નથી. ટીપી સ્કીમો કાગળ ઉપર જ મોટાભાગની રહેશે. તેનો અમલ થઈ શકશે, પરંતુ મોટાભાગના ખૂલ્લા પ્લોટમાં બાંધકામો થઈ ગયા છે તેથી આ સ્કીમ અમલી બનશે કે કેમ એ પણ મોટો સવાલ છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે, ત્યારથી છેલ્લા 22 વર્ષથી 10 કિ.મી.નું મહેસાણા શહેર હતું તે હવે ૩૦ કિ.મી.માં ફેલાઈ ગયું છે. દર વર્ષે એક ગામ મહેસાણા ઓગળી જાય છે. નવી ટીપીના કારણે તથા નવા ગામો ઉમેરવાથી મહેસાણા 50 કિ.મી. સુધી પહોંચી જાય એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp