આ રાજ્યમાં કોંગ્રેસ-BJP ગઠબંધન થતા થતા રહી ગયું, પ્રદેશ પ્રમુખે અટકાવવું પડ્યું

PC: prabhatkhabar.com

ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ, આ બંને પક્ષો દેશની રાજનીતિના બે ધ્રુવ છે. બંને પક્ષો ક્યાંક સાથે આવશે, ક્યારેક પણ સાથે આવશે, તે કલ્પના બહારનું માનવામાં આવે છે, પરંતુ એક રાજ્યમાં આવું થતા થતા રહી ગયું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષને સત્તા સંભાળતી રોકવા માટે BJP અને કોંગ્રેસ વચ્ચે જોડાણ લગભગ ફાઈનલ થઈ ગયું હતું. જો કે, આ જોડાણની શક્યતા તેના ફાઇનલ તબક્કામાં પહોંચે તે પહેલા જ BJP હાઈકમાન્ડે દરમિયાનગીરી કરી અને રાજ્યનું નેતૃત્વ સક્રિય થઈ ગયું. રાજ્ય પ્રભારીએ જિલ્લા એકમને પત્ર લખીને જોડાણની કવાયત બંધ કરવા જણાવ્યું હતું. અમે વાત કરી રહ્યા છીએ પંજાબ રાજ્યની.

મળતી માહિતી મુજબ, પંજાબના લુધિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરની ચૂંટણીમાં રાજ્યની સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ 95માંથી 43 વોર્ડમાં જીત મેળવી છે. આમ આદમી પાર્ટીને પોતાના મેયરને ચૂંટવા માટે જરૂરી 48 કાઉન્સિલરોની જાદુઈ સંખ્યા કરતાં પાંચ ઓછા પડી રહ્યા હતા. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPના 19 અને કોંગ્રેસના 30 કાઉન્સિલરો ચૂંટણી જીત્યા છે. જો બંને પક્ષોની સંખ્યા ઉમેરીએ, તો તે 49 સુધી પહોંચે છે, જે મેયર બનવા માટે જરૂરી 48 કરતા એક વધુ છે. આમ આદમી પાર્ટીને કોર્પોરેશનની સત્તાથી દૂર રાખવાની વ્યૂહરચના સાથે, બંને કટ્ટર હરીફ પક્ષોના જિલ્લા એકમોએ જોડાણની શક્યતાઓ તપાસવાનું શરૂ કર્યું.

બંને પક્ષો વચ્ચે જિલ્લા કક્ષાએ સમજૂતી પણ થઈ હતી. BJPના જિલ્લા એકમે કોંગ્રેસ સાથે ગઠબંધન અંગેનો પ્રસ્તાવ રાજ્યના નેતૃત્વ અને હાઈકમાન્ડને મંજૂરી માટે મોકલ્યો હતો. આ ચોંકાવનારો પ્રસ્તાવ પંજાબ BJP અધ્યક્ષે ફગાવી દીધો હતો. આ નિર્ણયથી હવે આમ આદમી પાર્ટી કોર્પોરેશનની સત્તા પોતાના કબજામાં લઈ મેયર બનાવશે તે નિશ્ચિત છે. એવું કહેવાય છે કે, પંજાબ BJPની સાથે રાષ્ટ્રીય નેતૃત્વએ પણ વૈચારિક મતભેદોનો ઉલ્લેખ કરીને ગઠબંધનના પ્રસ્તાવ પર બ્રેક લગાવી દીધી હતી.

પંજાબ BJPના પ્રભારી વિજય રૂપાણીએ ઔપચારિક રીતે પાર્ટીના લુધિયાણા જિલ્લા એકમને પત્ર લખીને કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવા જણાવ્યું છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કવાયત અંગે લુધિયાણા BJPના અધ્યક્ષ રાજેશ ધીમાને કહ્યું કે, તે હાઈકમાન્ડની મંજૂરી પર નિર્ભર છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ, જેઓ તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં લુધિયાણા લોકસભા બેઠક પરથી BJPના ઉમેદવાર હતા, તેમણે પણ કોંગ્રેસ મુક્ત BJP પાર્ટીના વિઝનનો ઉલ્લેખ કરીને, સૌથી જૂની પાર્ટી સાથે જોડાણની શક્યતાને નકારી કાઢી હતી.

BJP સાથે ગઠબંધનના પ્રયાસો તૂટ્યા પછી કોંગ્રેસના લુધિયાણા જિલ્લા અધ્યક્ષ સંજય તલવારનું નિવેદન પણ આવ્યું છે. ગઠબંધનના પ્રયાસોની નિષ્ફળતા અંગે નિરાશા વ્યક્ત કરતાં સંજય તલવારે જણાવ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્ય શહેરનો વિકાસ હતો. તેમણે એમ પણ કહ્યું કે, અમે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છીએ અને કોર્પોરેશન હાઉસમાં આમ આદમી પાર્ટીની દરેક કાર્યવાહી પર ચાંપતી નજર રાખીશું. BJP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આ કવાયત ભલે ચોંકાવનારી લાગે છે, પરંતુ આ પહેલા પણ  લુધિયાણામાં આવું બની ચૂક્યું છે. લુધિયાણાએ વર્ષ 1991માં BJP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પણ જોયું હતું. ત્યારપછી BJPએ કોંગ્રેસની મદદથી ચૌધરી સત્યપ્રકાશને મેયર બનાવવામાં સફળતા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp