26th January selfie contest

KK, લોકો તમને સુપર CM કહે છે, ગુજરાતને બચાવવા તમે સારથી બનો તે સમય આવી ગયો છે

PC: theindianwire.com

(પ્રશાંત દયાળ) સત્તાઓ આવતી જતી રહે છે, રાજનેતાઓ ચુંટણીઓ હારે છે અને જીતે છે, સરકાર જે કઈ કામ કરે છે તેનું શ્રેય કાયમ ચુંટાયેલા નેતાઓને જ મળે છે. આ બાબત આપણી લોકશાહી પધ્ધતિમાં યોગ્ય  પણ છે, પરંતુ એક આદર્શ વ્યવસ્થા ઉભી કરવા માટે નાના મોટા હજારો અધિકારીઓ રાત દિવસ કામ કરતા હોય છે, જેમની રાજનેતા તો  ઠીક પણ ચુંટાયેલી નેતાઓ પણ નોંધ લેતા નથી. દેશ અને રાજયના લાખો નાના મોટા અધિકારીઓ સરકારી પદ મેળવવા માટે રાત દિવસ મહેનત કરી હોય છે. દુનિયાભરનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ સરકારી પદ મેળવ્યા પછી અહેસાસ થાય છે કે આપણે જે રાજનેતાના હાથ નીચે કામ કરવાનું છે. તેણે સ્કુલ કોલેજમાં ઠીક પણ મંત્રી થયા પછી પોતાનો વિભાગનો પણ પુરતો અભ્યાસ કર્યો નથી અને કરતા નથી. આમ છતાં યુપીએસસી પાસ કરી આવનાર સનદી અધિકારી જયારે આદર્શ વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કદમ ઉપાડે છે ત્યારે રાજનેતા પોતાના નફા નુકશાનના આધારે સનદી અધિકારીના નિર્ણયને ચકાસે છે અને બ્રેક મારે છે.

નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન ભલે થયા  પણ જયાંથી  તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી તેવા ગુજરાતને પોતાના નેતાઓના સંપુર્ણ હવાલે સોંપી દેવા માગતા ન્હોતા,જેના કારણે સનદી અધિકારી કે કૈલાશનાથનને એક અલગ દરજ્જા સાથે ગુજરાતમાં રહેવાની સુચના આપી હતી. નરેન્દ્ર  મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી બીજા મુખ્યમંત્રી છે, ગુજરાતના સનદી અધિકારીઓ કે કૈલાશનાથનને કેકે સરના ટુંકા નામે ઓળખે છે, સામાન્ય માણસ સંભવ છે કે  કૈલાશનાથનની કામની પધ્ધતિ અને જવાબદારીઓથી અજાણ હશે પરંતુ તેઓ ક્રાઈસીસ મેનેજમેન્ટમાં માહિર છે, પછી તે ક્રાઈસીસ રાજયની હોય તે ભાજપનું ડેમેજ કંટ્રોલ કરવાની હોય, આ પ્રકારની વિશેષ કામગીરીમાં તેઓ પ્રવીણ છે. સનદી અધિકારીઓ માને છે કે નરેન્દ્ર મોદીની આંખ ફરે અને કૈલાશનાથન ઈચ્છા અને આદેશ એક સાથે સમજી જાય છે. જો કે કૈલાશનાથન પોતાને વર્ષોથી માધ્યમોથી દુર રાખવામાં સફળ રહ્યા છે, અને મોટા પ્રાજેકટ અને ઓપરેશન તેમણે પાર પાડયા પણ તેમના જમણા હાથના કામની ખબર ડાબા હાથને કયારેય થઈ નથી.

ગુજરાત એક નાજુક  તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે.આ સમયમાંથી આપણે બહુ જલદી પોતાને સાચવી લેવાની જરૂર છે. હજી બાજી હાથમાંથી ગઈ નથી. વિજય રૂપાણી અને નિતીન પટેલના ઈરાદા અને પ્રયત્ન અંગે કોઈ શંકા નથી. છેલ્લાં એક વર્ષથી તેઓ સતત કામ કરી રહ્યા છે, છતાં કયાંકને કયાં ચૂક થઈ રહી છે. ઈરાદાઓ સારા હોવા છતાં તે બાબત પરિણામમાં પરિવર્તીત થઈ રહી નથી, જેના કારણે કોરાનાની સાથે માણસના શ્વાસની સાથે વિશ્વાસ પણ તુટી રહ્યો છે. મારી ચિંતા કરવા માટે સરકાર છે,તે અહેસાસ ખલાસ થઈ રહ્યો છે.

હવે સરકાર કઈ જ કરી શકે તેમ નથી મારે જ કરવુ પડશે તેવી ચિંતામાં કોરાનાગ્રસ્ત વ્યકિતનો પરિવાર અનુભવી રહ્યો છે,જેના કારણે કોરાનાકાળમાં તેને ઘરમાં જ રહેવાની જરૂર છે, પરંતુ તે પોતાના સ્વજનને બચાવવા માટે પાગલની જેમ અહિયાથી ત્યાં દોડી  રહ્યો છે,જેના કારણે તેઓ પોતે પણ સંક્મણથી કેવી રીતે બચશે તેવો પ્રશ્ન છે. સામાન્ય માણસ તો ઠીક ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ પોતાના સુરતની ચિંતા થઈ. તેમને અંદાજ આવ્યો કે સરકાર સુરતને મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી એટલે તેમણે જાતે રેમડેસીવીર ઈન્જેંકશની વ્યવસ્થા કરી.એક જ રાજયમાં બે સમાંતર સરકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સી આર પાટીલ આ સ્થિતિમાં વિજય રૂપાણી સરકારનો દોષ શોધવાને બદલે સુરત માટે એક અલગ વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે તે સારો અને પ્રસંશનીય પ્રયાસ છે, પરંતુ આપણી પાસે દરેક શહેર અને જિલ્લામાં સી આર પાટીલ નથી. સી આર પાટીલે પણ કહ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની જવાબદારી માત્ર સુરત નહીં આખુ રાજય છે.

સી આર પાટીલ ઈજેંકશનનો જથ્થો કયાંથી અને કેવી રીતે લાવ્યા તે પ્રશ્ન અહિયાથી પણ એક પ્રદેશ પ્રમુખને જયારે લાગે કે પોતાની સરકારના  ભરોસે બેસી રહેવુ યોગ્ય નથી આ નાજુક સ્થિતિ છે. આ સ્થિતિમાં કૈલાશનાથને રાજયની બાગડોર સંભાળી લેવાની જરૂર છે. કારણ ગુજરાતને  બચાવવુ જરૂરી છે. કૈલાશનાથનના નિર્ણય આકરા હશે, અધિકારીઓ અને કયાંક પ્રજાને પણ પસંદ પડશે નહીં, પણ તેઓ ક્રાઈસીસ મેનેજમેન્ટ જાણે છે. લોકડાઉન જરૂરી છે કે નહીં તેનો નિર્ણય પ્રજાની લાગણી અને માગણીના આધારે નક્કી થાય નહીં. આગ સાથે રમતા સંતાનને બચાવવા કયારેક રૂમમાં પુરી દેવો પડે. ત્યારે સંતાન નારાજ થાય પણ પિતાઓ સંતાનના રાજીપા અને નારાજગી કરતા આવશ્યક શુ છે તેના આધારે નિર્ણય કરવાનો હોય છે.કૈલાશનાથન તમે પણ ગુજરાતનાને પ્રેમ કરો છો,છેલ્લાં ચાર દાયકાથી તમારા શ્વાસમાં ગુજરાતની હવા છે, કોણ શુ કહેશે તેનો વિચાર કરવા  કરતા ગુજરાતને બચાવવુ વધારે જરૂરી છે કારણ તમારા નિર્ણયમાં હાર જીતની ચિંતા નહીં હોય.

રાજય તરીકે પ્રજાના એક એક શ્વાસની ચિંતા કરવાની જવાબદારી રાજયની હોય છે. પરંતુ પ્રજાની ચિંતા કરવાની જવાબદારી રાજયની હાઈકોર્ટ ઉપાડે તેના કરતા દારૂણ સ્થિતિ શુ હોય. હાઈકોર્ટ જયારે ઠપકો આપે ત્યારે જેમ કોઈ બાળકને ચોકલેટ આપી રાજી કરે તેમ હાઈકોર્ટને બતાડવા માટે પ્રતિકાત્મક આદેશ જાહેર કરવામાં આવે તેવો ભાસ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતીઓને કોરાના કરતા મૃત્યુનો વધારે ભાસ થઈ રહ્યો છે, બહુ જ ડરામણી સ્થિતિ છે.

સંતાનોને ઘરના વડીલોની અને વડીલોને સંતાન ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. કૈલાશનાથ તમારી પાસે રાજયના સમજદાર અને શકિતશાળી અધિકારીઓને ફૌજ છે. તમારા અધિકારીઓને આદેશ આપો કે બદલી થશે અને રાજનેતા નારાજ થશે તેવો ડર કાઢી નાખો આપણે રાજનેતા માટે નહીં લોકો માટે છીએ. લોકોને બચાવવા પડશે. કારણ કે  ક્બ્રસ્તાન અને સ્મશાનમાં કોઈ મંત્રી અને સંત્રી હોતા નથી.  અહિયા કોઈ રાજનેતાને ઉતારી પાડવાનો પણ પ્રશ્ન નથી પરંતુ દેશ અને અનેક  રાજયમાં અનેક  સનદી અધિકારીઓએ અગાઉ પણ આવા નિર્ણય કર્યા છે,જેના કારણે દેશ અને અનેક રાજયો સનદી અધિકારીનું સુઝબુઝને કારણે અનેક વિપદામાંથી બહાર આવ્યા છે. એટલે હવે ખુદ વિજય રૂપાણીએ કૈલાશનાથનને કહેવુ જોઈએ તમારા તમામ નિર્ણયમાં અમે તમારી સાથે છીએ. કોરાનાની  આ લડાઈના તમે સારથી બનો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp