મારી પાસે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો બધી દીકરીઓના લગ્ન કરાવતેઃ મહેશ સવાણી

PC: Youtube.com

ફાધર્સ ડે નિમિતે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે એક બે નહીં પરંતુ, 4874 દીકરીઓના પિતા છે. આ વાત પર કદાચ કોઈને તો પહેલા વિશ્વાસ નહીં થાય પણ 4874 દીકરીઓના પિતા સુરતમાં રહે છે અને તેમનું નામ છે મહેશ સવાણી. મહેશ સવાણીએ પિતાની છત્રછાયા ગુમાવી 4874 દીકરીઓના લગ્ન કરાવીને તેમને સાસરે વળાવી છે. જે રીતે સગા પિતા પોતાની લાડલી દીકરીનું ધ્યાન રાખે તેમ મહેશ સવાણી તમામ દીકરીઓનું ધ્યાન રાખે છે. મહેશ સવાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મારે વધુમાં વધુ દીકરીઓને પરણાવવી છે. મારી પાસે અંબાણી અને અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવતે. તો બીજી તરફ દીકરીઓ મહેશ સવાણીને વર્લ્ડના બેસ્ટ પપ્પા કહીને બોલાવે છે.

એવુ પણ કહેવાય છે કે, મહેશ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું જ સ્વરૂપ છે. મહેશ સવાણી જ્યારે પણ પોતાના ઘરની બહાર જાય ત્યારે તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને જ ઘર બહાર નીકળે છે. જ્યારે મહેશ સવાણીના દીકરા મોહિતના લગ્નમાં પણ મહેશ સવાણીએ મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા.

પુત્રવધૂના ચરણસ્પર્શ કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, મેં મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. હું દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળું છું. હું એમને જ ભગવાન માનું છું. એ જ જગત જનની છે. એ મારો વંશ પણ આગળ વધારવાની છે. એટલે એ બંને મારી દીકરીઓ જ છે. આ બંને દીકરીઓ જ મારી સ્કૂલ સંભાળે છે અને મારા દીકરાઓ બિઝનેસમાં છે.

મહેશ સવાણીએ તેમના પિતાની એક વાત યાદ કરતા જણાવ્યું હતું કે, મારા પિતા એક જ વસ્તુ કહેતા કે પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવ છો તેના કરતાં કઈ જગ્યાએ વાપરો છો એ મહત્ત્વનું છે. એટલે અમારા પરિવારમાં આ સંસ્કારો માં-બાપમાંથી મળ્યા છે. અમે ભણતાં હતાં ત્યારથી મારા પિતા સામાજિક કામમાં રહેતા હતા. મારો પરિવાર મારા સપોર્ટમાં હોય છે. મારા પિતાએ જ આજથી 30 વર્ષ પહેલા મારા લગ્ન સમૂહમાં જ કર્યા હતા. અમે ચાર ભાઈ-બહેન છીએ અને તેમના લગ્ન પણ સમૂહમાં થયા છે. એટલા માટે જ મે મારા દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહમાં કર્યા હતા.

દીકરાના લગ્ન બાબતે મહેશ સવાણીએ જણાવ્યું હતું, મેં મારા દીકરાના લગ્ન સમૂહમાં કર્યા ત્યારે એવું પ્લાનિંગ કર્યું હતું કે એક પ્રોગ્રામ આપણે VVIP મહેમાનો માટે કરીએ. તે સમયે મને મારા દીકરાએ સામેથી કહ્યું હતું કે, આપણે કોઈ પ્રોગ્રામ અલગથી કરીએ તો દીકરીઓને ખરાબ લાગે એટલા માટે આપણે આ પ્રોગ્રામ ન કરવો જોઈએ. એટલે લગ્નમાં અલગથી પ્રોગ્રામ ન કરવાનો નિર્ણય મારા દીકરાનો હતો. મહેશ સવાણીએ એવુ પણ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં અમે ત્રણ ભાઈઓ છીએ અને ત્રણેય ભાઈઓના છ દીકરા દીકરી છે. આ દીકરા દીકરીઓમાંથી કોઈ પણ નથી કહેતું કે, અમારે ધામધૂમથી કે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે.

આટલું જ નહીં મહેશ સવાણીએ HIV પીડિત અને નિરાધાર દીકરીઓ માટે પોતાનું લક્ઝુરિયસ ફાર્મ ખુલ્લું મૂકી દીધુ. તેમણે ફાર્મ હાઉસમાં 71 HIV ગ્રસ્ત દીકરીઓને રહેવાની સુવિધા કરી. આ ઉપરાંત મહેશ સવાણીએ એવું પણ જણાવ્યું હતું કે, કોઈ પણ દીકરી વિધવા થાય તો તે દીકરીને દર મહિને 7500 રૂપિયા મળવાના ચાલુ થઇ જાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, મારી દીકરી પિયરમાં હોય કે સાસરે હોય ત્યારે દીકરીને કોઈ એવું ન કહી શકે કે તે મફતનું ખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp