સુરત ટ્રાફિક પોલીસને ભેટ અપાયેલું ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન શું ધૂળ ખાય છે?

PC: khabarchhe.com

સુરત ટ્રાફિક પોલીસને આપવામાં આવેલું ઓક્સિજન કોન્સટ્રેટર (પોર્ટેબલ ઓક્સિજન મશીન) સર્વિસને કારણે ‘ફાલતુ’ જેવું થઈ પડ્યું છે. હાલના કોવિડકાળમાં તે ઉપયોગી થઈ પડે એમ છે પરંતુ સપ્લાયર કંપની તેનું મેઈન્ટેન્સ કરતી નથી અને ટ્રાફિક પોલીસ પણ તેના પ્રત્યે બેદરકાર છે ત્યારે તેને ભેટમાં આપનારા શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ શાહે કંપની સામે ફોજદારી નોંધવા પોલીસ કમિશનરે રાવ કરી છે. આ ટ્ર્સ્ટ ટ્રાફિક પોલીસના  25 પોઈન્ટ પર ઓક્સિજન કોન્સટ્રેટર ભેટ આપવાનું હતું. જેથી, પ્રદૂષણ વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ઈમરજન્સી વખતે અથવા જરૂરિયાત વેળા તેનો ઉપયોગ કરી પ્રાણવાયુ મેળવી શકે.

પોલીસ કમિશનરને કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, અમેરિકા સ્થિત કંપનીનું અને નીડેક્સ મેડકીલ ઈન્ડિયા, કોલકત્તાનું ઓક્સિજન કોન્સ્ટ્રેશન મશીન અમદાવાદ ખાતે સ્વાગત બાયોમેડિકલના બિપીનભાઈ પરમાર પાસેથી ખરીદી સુરત ટ્રાફિક પોલીસને વર્ષ 2018માં ભેટ આપ્યું હતું. ચેકથી પેમેન્ટ કરી દીધું હોવા છતા તેઓએ બિલ, ગેરેન્ટી કાર્ડ વગેરે અત્યારસુધી મોકલ્યું નથી. જ્યારે આજે કોરોનાની મહામારીમાં આ જીવનરક્ષક ઓક્સિજન કોન્સટ્રેટર મશીન દ્વારા અચાનક ઓકિસજન લેવલ ઘટવાના સમયે પોલીસ કર્મીનું જીવન બચાવી શકાય છે, પરંતુ ઉપરોક્ત કંપનીને અનેક મેલ કર્યા, ફોન કોલ, વોટ્સએપ મેસેજ કર્યા પણ આજદીન સુધી તે તેનું મેઈન્ટેનન્સ પણ કરતી નથી અને રોજ નવા બહાના આગળ ધરે છે. જેથી, આજના મહામારીના સમયમાં આ મશીન ઉપયોગમાં લઈ શકાય તે માટે બેદરકારી દાખવનારા કંપની સામે ફોજદારી દાખલ કરવામાં આવે.

સેમ્પલમાં એક મશીન આપ્યુ હતું, 25 આપવાની યોજના હતી

શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ શાહે અમને જણાવ્યું કે વર્ષ 2018માં રોડ પર ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને ઓક્સિજન મળી રહે તે માટે એક ઓક્સિજન કોન્સટ્રેટર ટ્રાફિક એસીપી ઝેડ.એ. શેખ સાહેબને ભેટ આપવામાં આવ્યું હતુ. જે તે સમયે તેની કિંમત રૂ. 60 હજાર હતી પણ સેવાકીય હેતુ માટે અમને ડિસ્કાઉન્ટ આપી 41 હજારમાં કંપની દ્વારા અપાયું હતું. અમારી યોજના આવા 25 ટ્રાફિક પોઈન્ટ પર આ મશીન આપવાની હતી પરંતુ કંપનીએ બિલ, ગેરંટી સહિતના પેપર નહી મોકલતા અમે અટક્યા હતા. જોકે, હાલના કોવિડકાળના કપરા સમયમાં એક એક ઓક્સિજન બોટલની જરૂરિયાત હોવાથી અમે આ મશીન સર્વિસ થઈ જાય તે માટે અનેકવાર કંપનીનો કોન્ટેક્ટ કર્યો પણ તેઓ બહાના બતાવીને તે સર્વિસ કરી જતા નથી. માટે પોલીસ કમિશનરને રાવ કરી છે.

પોલીસે મશીન પડતુ નાંખ્યુ, ટ્રસ્ટ કરી રહ્યું છે ચિંતા

જોવા જઈએ તો શ્રી જીનાજ્ઞા સેવા ટ્રસ્ટે પોર્ટેબલ ઓક્સિજન મશીન ભેટ આપીને પોતાની સેવાકીય ફરજ નિભાવી દીધી છે પરંતુ ત્યારબાદ મશીન ચાલતુ રહે અને ટ્રાફિક પોલીસકર્મીઓને તેનો લાભ લેતા રહે તે જોવાની જવાબદારી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની છે પરંતુ તેઓ મશીન સંદર્ભ કોઈ પણ ફોલોઅપ લેતા નથી. કોરોનાકાળ દરમિયાન પણ આ મશીન એક ખૂણાંમાં પડી રહ્યું છે. અગર તે સર્વિસ કરી ઉપયોગમાં લેવાય તો ઈમરજન્સી વેળા ઘરેથી કે ડ્યુટી પરથી હોસ્પિટલ સુધી દર્દીને લઈ જવા સુધી તેનો ઉપયોગ થઈ શકે એમ છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp