હાર્દિકે કહ્યું-સરકાર અમારા ધારાસભ્યોને કામ માટે આદેશ આપે

PC: Youtube.com

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ દ્વારા પણ લોકોને મદદરૂપ થવા માટે અને દર્દીઓને માહિતી આપવા માટે એક હેલ્પ લાઈન નંબરની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કોંગ્રેસ દ્વારા ઇન્જેક્શનનું મફત વેચાણ કરવાની અને સરકાર દ્વારા એક શ્વેતપત્ર જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું છે કે, કોંગ્રેસના 65 ધારાસભ્યને જે પણ આદેશ કરવામાં આવશે તેઓ તે કામ લોકોની મદદ કરવા માટે કરશે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત હું આપને વિનંતી કરું છું કે, કોરોનાની મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. તો અમને પણ કામ બતાવો જેથી અમે જનતાના હિતમાં સરકારની મદદ કરી શકીએ આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષો સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ. સરકાર અમને અને અમારા ધારાસભ્યોને પણ આદેશ આપશે તે સાથે મળીને લોકોનું કામ અમે કરીશું લોકો ખૂબ તકલીફમાં છે. અભિમાન છોડો જનતાનું વિચારો.

તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવે અને જેમાં અમદાવાદના પાલડી ખાતે આવેલ રાજીવ ગાંધી ભવનના ચોથા માળે 50 બેડ ઉભા કરવા માટે કોંગ્રેસ તૈયાર છે.

આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશકુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના સંક્રમણના વિસ્ફોટની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક અને ભયજનક છે, દર્દી અને તેમના સ્વજનો તબીબી સુવિધા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓની ભારે અછત છે. તેવા સંજોગોમાં પ્રજાની પડખે રહેવા અને તેના નીતિ અને વલણને અનુરૂપ કોંગ્રેસ પક્ષ પ્રજાને શક્ય હોય તેટલી સહાય કરવા માટે તત્પર છે અને આ સંદર્ભે અમદાવાદના પાલડી ખાતે આવેલ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે 50 બેડનું એક કોવિડ સેન્ટર ઉભું કરવા અમે માગીએ છીએ. આ માટે તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, તેમજ અન્ય સુવિધા અમે ઉપલબ્ધ કરાવીશું તો અમને કોવિડ કેર સેન્ટર ઊભું કરવાની પરવાનગી સત્વરે આપી આભારી કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp