મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર આવતા વિદેશી રોકાણકારો ખુશ, ડિસેમ્બરની શરૂમાં બજાર ઉપર

PC: facebook.com/devendra.fadnavis

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા CM બન્યા છે. મહાયુતિ ગઠબંધનની સરકાર બનવાનો રસ્તો સાફ થયા પછી વિદેશી રોકાણકારોએ પણ પોતાની રણનીતિ બદલી છે. જે રોકાણકારો ઓક્ટોબર અને નવેમ્બરમાં વેચી વેચીને ભાગી રહ્યા હતા, તેમણે બજારમાં ઘટાડાની અસર ફક્ત ડિસેમ્બરના પ્રથમ ચાર ટ્રેડિંગ સેશનમાં જ ભરી દીધી હતી. આ નવી ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. અઠવાડિયાના આ પાંચ દિવસના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂતી નોંધાવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં 1.1 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ડિસેમ્બરમાં ભારતીય શેરબજારમાં પાછા ફરતા જોવા મળી રહ્યા છે. માત્ર ડિસેમ્બરના પ્રથમ ચાર ટ્રેડિંગ દિવસોમાં FIIએ રૂ. 23,500 કરોડથી વધુના શેર ખરીદ્યા છે. ખાસ વાત એ છે કે, આ રકમ નવેમ્બરમાં તેમના કુલ વેચાણ કરતા પણ વધુ છે.

NSDLના ડેટા અનુસાર, FIIએ ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ. 14,964 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે કે, માત્ર 5 ડિસેમ્બરે જ FIIsએ રૂ. 8,539 કરોડના શેરની ખરીદી કરી હતી, જેની સાથે કુલ ખરીદી રૂ. 23,503 કરોડ સીધી પહોંચી ગઈ છે.

નિષ્ણાતો માને છે કે, તાજેતરની ખરીદીનું મુખ્ય કારણ શેરના ભાવમાં ઘટાડા પછી આકર્ષક મૂલ્યાંકન છે. આ સાથે, એવી અપેક્ષા હતી કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. નિષ્ણાતો માની રહ્યા હતા કે, જો વ્યાજ દર ઘટશે તો આગામી 6-8 ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વધુ વધી શકે છે. જો કે આજની નીતિએ રેપો રેટમાં ઘટાડો કર્યો નથી, પરંતુ તેણે કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરીને બેંકોના હાથમાં વધુ મૂડી આપવાનું કામ કર્યું છે.

આ સિવાય સરકાર દ્વારા બજેટની ફાળવણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વઢારેલો ખર્ચ પણ FII દ્વારા રોકાણનું મુખ્ય કારણ છે. આ પ્રયાસો નાણાકીય વર્ષના બીજા ભાગમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે તેવી શક્યતા છે. જ્યારે, વૈશ્વિક સ્તરે અમેરિકાની નવી નીતિઓ (ખાસ કરીને તેનો ભારત તરફનો ઝુકાવ)એ પણ રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

DR ચોક્સી ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર, દેવન ચોક્સી કહે છે, 'મને વિશ્વાસ છે કે ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે અને તે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી શેરના ભાવ વાજબી રહેશે ત્યાં સુધી FII રોકાણ કરવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. તાજેતરમાં, FIIએ મોટા અને બ્લુ-ચિપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને મિડકેપ અને સ્મોલકેપ શેરોથી દૂર થઇ ગયા છે.'

ઓક્ટોબરમાં, FIIએ રૂ. 87,590 કરોડના શેરનું વેચાણ કર્યું હતું અને નવેમ્બરમાં વધારાના રૂ. 22,602 કરોડનું વેચાણ કર્યું હતું. જો કે, નવેમ્બરના બીજા ભાગમાં આ વેચાણ બંધ થવાનું શરૂ થયું અને FII આ મહિને ચોખ્ખા ખરીદદાર બન્યા. જોકે આ આંકડો માત્ર 808 કરોડ રૂપિયા હતો.

NSDLના ડેટા અનુસાર, FIIએ સૌથી વધુ રોકાણ નાણાકીય સેવાઓ (રૂ. 9,597 કરોડ), IT (રૂ. 2,429 કરોડ), અને FMCG (રૂ. 2,184 કરોડ) જેવા ક્ષેત્રોમાં કર્યું છે. આ સિવાય રિયલ એસ્ટેટ (રૂ. 1,367 કરોડ), કેપિટલ ગુડ્સ (રૂ. 681 કરોડ), કન્ઝ્યુમર ગુડ્સ (રૂ. 471 કરોડ), અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (રૂ. 426 કરોડ) જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ થયું છે.

ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વેચવાલી પાછળ ઘણા કારણો હતા. મુખ્યત્વે, સપ્ટેમ્બરના અંતમાં ચીનમાં ઉત્તેજના-સંચાલિત તેજીને કારણે ભંડોળ ત્યાં સ્થાનાંતરિત થયું. આ સિવાય ભારતમાં બીજા ક્વાર્ટરના નબળા કોર્પોરેટ પરિણામોએ રોકાણકારોને નિરાશ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી, 'અમેરિકા ફર્સ્ટ' નીતિઓ અને ટેક્સ કાપની અપેક્ષાઓએ રોકાણકારોનું ધ્યાન US તરફ ખેંચ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp