હાર્દિક કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતો, જાણો તેણે શું આપ્યો જવાબ

PC: deccanherald.com

ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી નેતાગીરી માટે ઝઝુમી રહી છે.કોંગ્રેસને કોઇ ઢંગનો નેતા ગુજરાતમાં મળતો નથી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ વર્ષની શરૂઆતમાં જ સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર પછી રાજીનામા આપી દીધા હતા. કોવિડ-19ની બીજી લહેરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના અચાનક અવસાનને કારણે પણ કોંગ્રેસનું સંકટ વધી ગયું છે.

આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મોંઘવારી અને પેગાસસ જેવા મુદ્દાઓ સામે આંદોલનકારી કાર્યક્રમો આપીને કાર્યકરોને એકજૂટ કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓ આવા મુદ્દા સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે. ગુજરાતમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી કાર્યક્રમને લીડ કરી રહ્યા છે, પરતું હાર્દિક પટેલ પુરી રીતે ગાયબ છે.

છેલ્લાં ઘણા સમયથી હાર્દિક પટેલના નજીકના ગણાતા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે એટલે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે કે કોંગ્રેસથી હારી થાકી ગયેલો હાર્દિક પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જો કે અંગ્રેજી અખબાર ET સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે વ્યકિતગત કારણોસર કોંગ્રેસના પ્રદર્શનોમાં ભાગ લેતો નથી. સાથે હાર્દિકે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે મારા માટે કોંગ્રેસ  છોડવાનું કોઇ કારણ નથી. હું પાર્ટી નથી છોડી રહ્યો.

જોકે, હાર્દિકે વારંવાર ખુલ્લેઆમ કહ્યું છે કે કોંગ્રેસના મોટા નેતાઓ તેને ગણકારતા નથી અને કંઇ કામ પણ આપતા નથી. તેમના પિતાના અવસાન પર પણ કોઇ નેતા તેમના ઘરે ગયા ન હતા. 

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે યુવા નેતાઓ પર ભરોસો મુકયો હતો તેઓ આટલા સમયમાં હજુ પોતાને ખાસ સાબિત કરી શકયા નથી. કોંગ્રેસે જે યુવા નેતાઓ પર મદાર મુકયો હતો તેમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનું નામ સામેલ છે. એક તરફ જયાં ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડીને બીજેપીમાં જોડાઇ ગયો છે તો જિગ્નેશ મેવાણીનું બહારથી પણ પાર્ટીની રણનીતિમાં શૂન્ય યોગદાન રહ્યું છે અને સ્વતંત્ર કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય બની રહ્યો છે. ઉપરાંત ગયા વર્ષે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક પામેલા સૌથી હાઇ પ્રોફાઇલ ગણાતા હાર્દિક પટેલે પણ અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી માટે ઉડીને આંખે વળગે એવું  કોઇ કામ કર્યું નથી.

-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp