મોટર વ્હીકલ એક્ટ વિશે જાણો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું?

PC: fbcdn.net

ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થતા કોંગ્રેસ હવે મેદાનમાં આવી છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમને લઇને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

પરેશ ધનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 2018માં 1,84,48,371 ટુ-વ્હીલર નોંધાયેલા છે. 8,48,000 ઓટો રીક્ષા નોંધાયેલી છે. 30,11,000 મોટરકાર નોંધાયેલી છે. 12 લાખ કરતા વધારે માલ વાહન નોંધાયેલા છે. 7,73,000 કરતા વધુ ખેડૂતોના આધુનિક ગાડા સમાન ટ્રેકટરોની નોંધણી કરવામાં આવી છે. આમ ગુજરાતમાં કુલ 2,42,80,371 જેટલા નોંધયેલા વાહનોમાં વિવિધ તબક્કે રોડટેક્સ, ટોલટેક્સ, પરમીટટેક્સ, ઈન્સ્યોરન્સ, GST ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ ઉપર 24% જેટલો વેટનો બોજો ગુજરાતના લોકો સહન કરી રહ્યા છે. 2018ની સ્થિતિએ ગુજરાતમાં એક વર્ષની અંદર 598.80 લાખ લીટર પેટ્રોલનો ઉપયોગ થયો, 886.32 લાખ લીટર ડીઝલનો ઉપયોગ થયો, 276.36 લાખ કિલો CNG ગેસનો ઉપયોગ વાહનોની અંદર થયો છે.

આમા વધારાના ટેક્સના અંદાજિત 26,352.48 કરોડ કરતા વધુ કરની વસુલાત સામાન્ય માણસના ખિસ્સા પર સતત બોજો વધારી રહી છે. આ સ્થિતિની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગુજરાતના સામાન્ય માણસના ખિસ્સામાંથી મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ 1,163 કરોડ જેટલા દંડની વસુલાત કરવામાં આવી છે. આ બધી સ્થિતિની વચ્ચે સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી છે, મોંઘવારીનો માર છે, આર્થિક મંદીથી ધંધો-રોજગાર ભાંગીને ભુક્કો થઇ ગયા છે. એમાં પણ પડ્યા પર પાટું મારવાની ભાજપ સરકારની આદત હોય તેમ મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ વિવિધ જોગવાઈ તળે 300%થી 900% જેટલા વધારાની જોગવાઈ કરીને સરકારને મળેલા સ્પષ્ટ બહુમતનો ક્યાંકને ક્યાંક દૂર ઉપયોગ થઈ રહ્યો હોય તેવું લોકોને લાગી રહ્યું છે.

સામાન્ય માણસ હવે સરકારને સવાલ પૂછતો થયો છે કે, ક્યાંક ગોકુળિયા ગામને પ્રદુષણ મુક્તના પ્રવાસથી ગાડી છોડાવીને ગાડું પકડાવવા તરફ આગળ નથી વધી રહી. આજે પેટ્રોલની પીડા, પાર્કિંગનો પ્રશ્ન, હેલમેટની હોળી અને ટોલટેક્સનો ત્રાસ, PUCની પરવાનગી, નબળા રોડની રમખાણ, સિગ્નલ અને સીટ બેલ્ટની સમસ્યા, ગતિ મર્યાદાની મોકાણ વચ્ચે સામાન્ય માણસને વાહન ફેરવવું મુશ્કેલ બન્યું છે અને ફરી પાછો ગાડાથી પ્રવાસ કરવો પડે તેવી મુશ્કેલીનો સામનો દરેક ગુજરાતી કરી રહ્યો છે. આ સ્થિતિમાં સરકારને અમે વિરોધપક્ષ તરીકે અમે વિનંતી કરવા માંગીએ છીએ.

ગુજરાતમાં 26માંથી 26 સાંસદની બહુમતી સાથે સ્પષ્ટ બહુમતીવાળું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સત્તા અને સંગઠન પક્ષમાં બે ગુજરાતી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના લોકોને આ ટ્રાફિકના નિયમ અંગે દરરોજના દનૈયા રૂપે જંગી દંડનો વધારો કરવામાં આવ્યો છે. તે સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવે. સમગ્ર રાજ્યમાં ટોલટેક્સ બંધ કરવામાં આવે. દરેક શહેરમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થા ન થાય તે માટે વાહન ટોઈંગના નામે દંડ વસુલવામાં આવે તેને બંધ કરવામાં આવે. હેલમેટની ઉપાધીમાંથી રાજ્યની પ્રજાને મુક્તિ આપવામાં આવે. શહેરી વિસ્તારોમાં વાહનની ગતિ મર્યાદા બાંધવામાં આવે, જૂના વાહનોને PUCની પીડામાંથી મુક્તિ આપવામાં આવે અને હવે નવા વાહનો જે બને તે પ્રદુષણ મુક્ત ટેકનોલોજીવાળા બનાવવામાં આવે. પેટ્રોલને વેટમાંથી મુક્તિ આપવામાં આવે, નબળા રોડ રસ્તા મુદ્દે જવાબદાર અધિકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp