26th January selfie contest
BazarBit

કરૂણાઃ લોકડાઉનમાં ગંભીર બીમારીઓના 1000 દર્દીઓને રૂ. 20 લાખની દવા ફ્રી વહેંચી

PC: youtube.com

(રાજા શેખ).સામાન્ય દિવસોમાં ડોક્ટરી સેવાને વગોવતી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ એવા ઘણાં ડોક્ટર્સ પણ છે જે ‘માનવતા’ની ઘૂણીને ઝગમગાવતી રાખે છે. હાલ કોવિડ-19 જેવી મહામારીમાં પણ આવા જ ડોક્ટરોને કોરોના વોરિયર્સ તરીકે પણ સંબોધિત કરાય રહ્યાં છે.

સુરતમાં 20 ડોક્ટરોનું એક એવું ગ્રુપ પણ છે કે જેણે લોકડાઉનમાં ઘરમાં બંધ ગંભીર બિમારીવાળા દર્દીઓને પણ સેવા પહોંચાડી હોય. સુરતના જૈન ડોક્ટર્સ ફેડરેશને ઝોટા હેલ્થકેરની સંપૂર્ણ આર્થિક મદદથી આવા જૈન દર્દીઓને વિનામુલ્યે 20 લાખ રૂપિયાની દવા પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.

-જૈન સમાજના 1000 દર્દીઓને પહોંચાડાય 20 દિવસની દવા

જૈન ડોક્ટર્સ ફેડરેશન, સુરતના પ્રમુખ ડો. વિનેશ શાહ અને ઝોટા હેલ્થકેર કે જે મેડીસીન મેન્યુફેક્ચરિંગ કંપની છે તેના સીઈઓ સીઈઓ કેતનભાઈ ઝોટા અને નિરલભાઈ ઝોટાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ઘણાં દર્દીઓ દવા લેવા નથી પહોંચી શકતા. ઘણા લોકો એકલા પણ રહેતા હોય છે. ખાસ કરીને વૃદ્ધોને પણ સમસ્યા થાય છે.

જ્યારે જૈન સમાજમાં પણ અમારી સમક્ષ આવા દાખલા સામે આવ્યા તો અમે નક્કી કર્યું કે, આવા લોકો સુધી મેડીસીન પહોંચાડાય. ખાસ કરીને ગંભીર રોગ હાઈપર ટેન્શન, કેન્સર, ડાયાબિટિસ, અસ્થમા, થાઈરોઈડ જેવી લાંબી બિમારીઓમાં અમે દવા આપવાનું નક્કી કર્યું અને એક અલાયદો વોટ્સએપ નંબર જારી કર્યો. જેમાં દર્દીએ પોતાનું નામ, નંબર, સરનામુ અને દવાની ચિઠ્ઠી (પ્રિસક્રિપ્સન) મોકલવાનું રહેતું.

તેની એક ડોક્ટરની ટીમ ચકાસણી કરતી અને ડોઝ પ્રમાણે 20 દિવસના લોકડાઉનનું પેકેટ પ્રત્યેક દવા પર કેટલો ક્યારે ડોઝ લેવાનો તે લખીને તૈયાર કરાવતું. ત્યારબાદ તેને જે તે દર્દીના ઘરે પહોંચાડી દેવાતું. અત્યારસુધી અમે 1000 જેટલા જૈન દર્દીઓને રૂ. 20 લાખ સુધીની દવાઓ પહોંચાડી ચુક્યા છે અને જરૂર પડશે તો આગળ પણ તે પહોંચાડીશું. ડો.વિનેશ કહે છે કે, લાંબી અને ગંભીર બિમારીની દવા મોંઘી આવતી હોય છે જેથી, અમે ઝોટાએ મદદ કરી અને તમામ દવાનો ખર્ચ તેમણે ઉપાડી લીધો.

 -કોઈ ફોટો નહીં, પૈસાદારને પણ પહોંચી દવા

ડો. વિનેશ કહે છે કે, અમે જૈન સમુદાયમાં જ આ રીતની વિના મુલ્યે દવા આપવાની સ્કીમ મુકી હતી અને  ઝોટા હેલ્થકેર દ્વારા  ઉપલબ્ધ સ્ટોક પ્રમાણે દવા ની કીટ તૈયાર કરી તેની હોમ ડિલીવરી કરવામાં આવી  અને આ સમગ્ર પ્રક્રિયા કોઈના પણ સંપર્ક મા આવ્યા વગર  ફક્ત મેસેજ થી પૂર્ણ કરી દવા ની હોમ ડિલીવરી 24 થી 48 કલાક ની અંદર કરવામાં આવી.

સૌથી અગત્યનું જૈન ડોક્ટર્સ ફેડરેશન કે ઝોટા હેલ્થકેર ના કોઈપણ હોદ્દેદારો એ દવા લેનાર વ્યક્તિ સાથે જાતસંપર્ક કે ફોટોગ્રાફી કરી ઓળખ છતી કરી ન હતી. ડો. વિનેશ કહે છે કે, જ્યારે દવા આપવા ગયા ત્યારે ઘણાંએ અમારા વોલિન્ટિયરને દવાના પૂરેપૂરા રૂપિયા આપવાની કોશિશ કરી. આ તેવા લોકો હતા કે જેઓ બજારમાં દવા લેવા જઈ શકતા ન હતા અથવા તેમની આસપાસના મેડીકલમાં આ દવા મળતી ન હતી. કેટલાક ઘરમાં એકલા હતા. જેથી, દવા એવું નથી કે માત્ર આર્થિક રીતે જરૂરિયાતમંદોને પહોંચાડાય હોય, તમામને વિના મુલ્યે તેનો લાભ અપાયો અને આગળ પણ તે આપતા રહીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp