દેશમા રોજ 19.40 કરોડ લોકો ભૂખ્યા રહે છે, 2440000000 રૂપિયાના ખોરાકનો બગાડ

PC: thebetterindia.com

કેવી વક્રતા છે, એક તરફ જેની પાસે પૈસા છે, તેઓ આહારનો દિલ ખોલીને બગાડ કરે છે, તો બીજી તરફ કરોડો લોકો ભુખ્યા રહે છે. આંકડા સાથે વાત કરીએ તો દેશમાં દરરોજ 19.40 કરોડ લોકોએ ભુખ્યા સુવુ પડે છે, તો બીજી તરફ 2440000000 રૂપિયાના ખોરાકનો બગાડ થાય છે. હા, દરરોજ આપણે 244 કરોડ રૂપિયાનો ખોરાક બગાડીએ છીએ. એ ખોરાક નહીં બગડે તો સંપન્ન લોકોના રૂપિયા બચી શકે અથવા તેનું આયોજન થાય તો કોઇએ ભુખ્યા સુવું ન પડે.

આપણે સામસામા છેડે જીવતી પ્રજા છીએ. અમીર અને ગરીબો વચ્ચેની ખાઇ પહોળી થતી જાય છે. એ ફક્ત આર્થિક ખાઇની વાત નથી, તેમાં અનેક બાબતો તમારે જોવી પડે એમ છે. જુઓને આપણે ખોરાકની જ વાત કરીએ છીએ. લગ્ન કે અન્ય સમારોહમાં આપણે ખોરાકનો બગાડ કરવામાં માનનારી પ્રજા હોય એમ થાળીમાં અન્ન છાંડતા જ રહીએ છીએ. એક તરફ આપણે અન્નને દેવતા માનીએ છીએ, તો બીજી તરફ તેને એંઠુ કરીને ફેંકી દઇને અન્ન દેવતાનું અપમાન કરવામાં આપણને જરાય ખંચકાટ થતો નથી.

આપણે જરૂર પૂરતું ભોજન થાળીમાં લઇને આપણી ભુખ સંતોષી શકતા નથી. પરંતુ બીજા દિવસે ભોજન નહીં મળે એમ માનીને થાળીને ઓવરલોડ કરી મૂકીએ છીએ, સરવાળે થાળીમાં અન્નનો બગાડ થાય છે. પરંતુ તેને કારણે આપણે આર્થિક ફટકો વેઠીએ છીએ, તો બીજી તરફ કેટલાય લોકોને ભુખ્યા રહેવું પડે છે. હા, ગરીબીનો રાક્ષસ એવો છે કે કેટલાય ગરીબો આપણે એંઠું ફેંકી દીધેલું ભોજન આરોગીને પોતાના પેટની આગ ઠારે છે, તેના બદલે ભોજનનો બગાડ ન થાય એવું આયોજન કરી આર્થિક ફટકો પણ ન વેઠીએ અને બીજી તરફ ભુખ્યાનો જઠારાગ્નિ પણ ઠરે એવો કોઇ માર્ગ અપનાવવો જોઇએ.

યુનાઈટેડ નેશનની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત દર વર્ષે 244 કરોડ રુપિયાના ખોરાકનો બગાડ કરે છે, અને વર્ષે 88880 કરોડ રુપિયાનો બગાડ કરે છે. બીજી બાજુ ભારતમાં દરરોજ 19 કરોડ 40 લાખ લોકો ભૂખ્યા રહે છે.ભારતની વસતીને ખવડાવવા માટે દર વર્ષે 2250-2300 લાખ ટન ખોરાકની જરુર છે. જયારે 2015-16માં 2700 લાખ ટનનું ઉત્પાદન થયુ હતુ. વૈશ્વિક ભૂખ સૂચકાંકમાં ભારતની સ્થિતિ દ્યણી ખરાબ છે. 119 દેશમાંથી ભારતનો ક્રમ 100 છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp