PM અને CM માટે બેરોજગારી મોટો પડકાર છે

PC: freepressjournal.in

ભારતમાં અને ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એક મોટો પડકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમત્રી વિજય રૂપાણી એમ બન્ને ગુજરાતી નેતાઓ આ પડકાર સહન કરી રહ્યાં છે.

ગુજરાતમાં ભાજપે ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો ગુમાવી તેનું મુખ્ય કારણ ખેડૂતો અને યુવાનો છે. ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને યુવાનોના હાથમાં કામ નથી. આઠ આઠ વાયબ્રન્ટ સમિટ કરવા છતાં જોઇએ તેટલી રોજગારી ઉભી થઇ શકી નથી. ગુજરાતમાં મૂડીરોકાણ કરતી બહારની કંપનીઓ સ્થાનિક લેવલે 85 ટકા ભરતીનો રાજ્ય સરકારનો નિયમ ઘોળીને પી જાય છે.

2014માં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના ભાષણમાં કહ્યું હતું કે દેશમાં ભાજપની સરકાર આવશે તો દરવર્ષે એક કરોડ નવી નોકરીઓ ઉભી થશે. આ સ્થિતિ તો આવી નહીં પરંતુ ઓટોમેશનના કારણે વર્ષે બે લાખ લોકોને નોકરી છોડવાનો સમય આવી ગયો છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના બજેટમાં યુવાનો માટે નોકરીઓ અને ખેડૂતોની સમસ્યાને હલ કરવામાં નહીં આવે તો દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાઇ શકે છે. બન્ને સરકારોએ બજેટમાં યુવાનો માટેની સ્કીમોની જાહેરાત કરવાની ફરજ પડે તેમ છે.

લેબર બ્યૂરોના આંકડા મુજબ, 2015માં 1,35,000 અને 2014માં 4,21,000 જ્યારે 2013માં 4,19,000 નવી નોકરીઓ ઊભી થઇ હતી. તો લેબર બ્યૂરોનો અન્ય એક સર્વે જણાવે છે કે, બેરોજગારી દર પણ છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી ઉપરના સ્તરે છે. 2016માં 5 ટકા, 2015માં 4.9 ટકા અને 2014માં 4.7 ટકા બેરોજગારી દર હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આવેલા પરિણામોએ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની ઘટતી વોટબેન્કની તસવીર બતાવી આપી છે. એટલે ગુજરાતના મુખ્યમંત્રી પણ બેરોજગારીની સમસ્યાથી ચિંતીત થયેલા છે. તેવી જ રીતે 2019ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું બજેટ હશે, એવામાં તેમની સરકાર આ બજેટમાં એવા મુદ્દા પર ધ્યાન આપવા ઈચ્છશે, જેનો ચૂંટણીઓમાં વધુ પ્રભાવ પડે.

સૂત્રો તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આગામી બજેટમાં બેરોજગારી દૂર કરવા મોટી જાહેરાત કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર બજેટમાં રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત કરી શકે છે. આ નીતિમાં અલગ-અલગ સેક્ટરોમાં નવી અને સારી નોકરીઓ ઊભી કરવાનો રોડમેપ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp