Republic Day 2019: મિઝોરમના રાજ્યપાલે ખાલી મેદાનમાં આપ્યું ભાષણ, જાણો કારણ

PC: jansatta.com

70th Republic Day 2019: મિઝોરમમાં પણ આજે 70મો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મિઝોરમના રાજ્યપાલ કુમ્માનમ રાજશેખરનના ભાષણ દરમિયાન મેદાન લગભગ ખાલી પડ્યું હતું.

દેશ આજે પોતાના 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મિઝોરમમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં રાજ્યપાલ કુમ્માનમ રાજશેખરનના ભાષણ દરમિયાન મેદાન લગભગ ખાલી પડ્યું હતું. તેમના ભાષણ દરમિયાન રાજ્યના કેટલાક મંત્રીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સિવાય કોઈ પણ સામાન્ય વ્યક્તિ હાજર રહી ન હતી. જાણવા મળ્યું છે કે, મિઝોરમ સિટીજનશિપ બિલ (નાગરિકતા બિલ)માં સુધારાના વિરોધમાં લોકોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો બહિષ્કાર કર્યો છે.

જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં જ્યાં લોકતંત્રના આ પર્વની ઉજવણી ધૂમધામથી થઇ રહી છે ત્યાં મિઝોરમમાં નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં એનજીઓ કોર્ડીનેશન સમિતિએ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો બહિષ્કાર જાહેર કર્યો છે. મિઝોરમના સામાજિક સંગઠનો અને વિધાર્થી સંગઠનો આ સમિતિમાં સામેલ હોવાનું બતાવાઈ રહ્યું છે. આજે સવારે જ્યારે પ્રજાસત્તાક દિવસના અવસર પર રાજ્યપાલ સંબોધન આપી રહ્યા હતા ત્યારે આ દરમિયાન સમારંભ સ્થળ મોટા ભાગે ખાલી પડ્યું હતું.

પ્રજાસત્તાક દિવસના અવસરે ભાષણ આપતા રાજ્યપાલે કહ્યું હતું કે, "મિઝોરમના સરહદોની સુરક્ષા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સરકાર લોકોના હિત અને વિકાસ માટેની યોજનાઓ ઉપર કાર્ય કરી રહી છે. રાજ્યના લોકોની ઓળખાણ, સંસ્કૃતિ અને મુલ્યોને વધારવા માટે દરેક ગામમાં નાગરિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. સરકાર નાગરિકોમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે".

મિઝોરમ પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રજાસત્તાક દિવસની વાર્ષિક પરેડમાં આ વખતે સેનાની 6 ટુકડીઓએ ભાગ લીધો હતો. રાજ્યમાં બીજા જીલ્લાઓના વડા મથકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન કેટલીક જગ્યાઓ ઉપર લોકો વિરોધ પ્રદર્શનમાં બેનરો અને પોસ્ટરો લઇને ઉભા રહ્યા હોવાના સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp