રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયામાં ઘઉંનું સંકટ, બધાની ભારત પર નજર

PC: navbharattimes.indiatimes.com

રોટલી, બ્રેડ, પાસ્તા, પિઝા, બર્ગરજેવી ઘણી ખાદ્ય વસ્તુઓ ઘઉંમાંથી બનાવવામાં આવે છે. વિશ્વના લોકોના ભોજનની થાળીમાં ઘઉં હંમેશા કોઈને કોઈ સ્વરૂપે હાજર હોય છે. પરંતુ વિશ્વના દરેક ભાગમાં ઘઉંનું ઉત્પાદન થતું નથી. તેથી ઘઉંના પુરવઠાનું સંતુલન જાળવવા તેની આયાત-નિકાસ થતી રહે છે. પરંતુ છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે ઘઉંની સપ્લાય ચેઈનને હચમચાવી નાખી છે.

યુક્રેન અને રશિયા બંને વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશો છે અને બંને યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહ્યા છે. રશિયાએ બ્લેક સીમાં યુક્રેનિયન બંદરોની ઘેરાબંધી કરી છે. તેથી, કેટલાક અઠવાડિયાથી અહીંથી યુરોપમાં ઘઉંનો પુરવઠો નથી. જેના કારણે વિશ્વ બજારમાં ઘઉંના ભાવ વધવા લાગ્યા છે. આવી જ સ્થિતિમાં ઘઉંના અન્ય મોટા ઉત્પાદક ભારતે પણ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે પહેલાથી જ પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ ઉભી થઈ છે.

રશિયા વિશ્વમાં સૌથી વધુ ઘઉંની નિકાસ કરતો દેશ છે. યુક્રેન અને રશિયા મળીને વિશ્વના ચોથા ભાગના ઘઉંની નિકાસ કરે છે અને યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના લાખો લોકોને ખવડાવે છે. સૂર્યમુખીના બીજ, જવ અને મકાઈ પણ આ બે દેશોમાંથી વિશ્વને સપ્લાય કરવામાં આવે છે.

રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ થાય તે પહેલા જ વર્ષ 2021માં ઘઉંની નિકાસ મર્યાદિત કરી દીધી હતી. રશિયાએ ઘઉંની નિકાસ ઘટાડવા માટે નિકાસ ટેક્સ નાંખેલો છે.રશિયાના આ પગલાને કારણે વિશ્વના ખાદ્ય બજારમાં પહેલાથી જ ઘઉંની અછત હતી.

કૃષિ ઉત્પાદનોના બજારો વૈશ્વિક છે, તેથી ઘઉંના પુરવઠાની અછત ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં ઉગતા ઘઉંની માંગ અને કિંમતમાં વધારો કરી શકે છે. International monetary fund (IMF)ના કહેવા મુજબ એપ્રિલ 2020થી ડિસેમ્બર 2021ની વચ્ચે ઘઉંના ભાવ 80 ટકા વધી ચૂક્યા છે.

યુક્રેનમાંથી ઘઉંની નિકાસ બંધ થવાથી યુરોપિયન યુનિયનના દેશોને ઘણું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે ઓડેશા અને મેરીયુપોલ જેવા બંદરો  Black Seaના કિનારે આવેલા છે. રશિયન બોમ્બમારાના કારણે અહીંથી નિકાસ લગભગ બંધ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી 20 મિલિયન ટન ઘઉંની નિકાસ થવાની હતી. પરંતુ આવું થયું નથી. હવે EU દરિયાઈ માર્ગ સિવાય યુક્રેનથી ઘઉંની નિકાસ માટે રેલ, રોડ અને નદી જેવા અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.

યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખનું કહેવું છે કે યુક્રેન પાસે 8 બિલિયન યુરો મૂલ્યના ઘઉં છે, પરંતુ યુદ્ધને કારણે તેની નિકાસ કરી શકાતી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ કહ્યું છે કે જો યુક્રેનના બંદરો ખોલવામાં નહીં આવે તો આફ્રિકા, યુરોપ અને એશિયાના ઘણા દેશો ખાદ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન-રશિયા યુદ્ધ બાદ ઘઉંની નિકાસ કિંમતો 22 ટકા વધી છે જ્યારે મકાઈના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.

વિશ્વભરમાં ફેલાયેલા આ ખાદ્ય સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ભારતમાંથી ઘઉં ખરીદવાનું વિચારી રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના મુખ્ય અર્થશાસ્ત્રી આરિફ હુસૈને કહ્યું કે ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2020-21માં 109.59 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું  હતું.

વિશ્વભરમાં ઘઉંની વધતી કિંમતો, સ્થાનિક બજારમાં અનાજની વધતી કિંમતો અને મોંઘવારીનો સામનો કરવા માટે ભારત સરકારે શનિવારે જ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રતિબંધ વચ્ચે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ભારતમાંથી ઘઉં ખરીદવા માટે કેવી રીતે રસ્તો કાઢે છે. તાજેતરમાં જ્યારે વડાપ્રધાન મોદી જર્મનીની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આજે ભારતનો ખેડૂત વિશ્વને ખવડાવવા માટે તૈયાર છે.


PM મોદીએ કહ્યું હતું કે જ્યારે દુનિયા ઘઉંની અછતનો સામનો કરી રહી છે. ત્યારે આપણા દેશનો મહેનતુ ખેડૂત દુનિયાને ખવડાવવા માટે આગળ આવી રહ્યો છે. જો કે, સ્થાનિક મજબૂરીઓને કારણે, ભારતે હાલમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા મહિના પહેલા જ ભારતે ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને ઘઉંની સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાર 50 હજાર ટન ઘઉં પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાન મોકલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp