રશિયા બેક ફૂટ પર, રક્ષા મંત્રીએ એક વિસ્તારમાંથી સૈનિકોની વાપસીની કરી જાહેરાત

PC: newscientist.com

રશિયાએ યુક્રેનના ખેરસાન વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પાછા લેવાની જાહેરાત કરી છે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુએ બુધવારે ખેરસાન શહેરની નિપ્રો નદી વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પાછળ હટવાનો આદેશ આપ્યો છે.

ખેરસાન શહેર પર યુદ્ધ દરમિયાન રશિયાએ કબજો કરી લીધો હતો, જેને પાછું મેળવવા માટે યુક્રેને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુએ કહ્યું કે, તેમણે ખેરસાન શહેર પર રક્ષાત્મક પગલાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, અમે પોતાના સૈનિકોના જીવ બચાવીશું અને સૈનિકોને નદીના પશ્ચિમ કિનારા પર તૈનાત કરવા વ્યર્થ હશે. તેમણે જણાવ્યું કે, આ સૈનિકોને કોઇ બીજા મોરચા પર તૈનાત કરી શકાય છે. હવે રશિયાના આ આદેશના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

એક તરફ ખેરસોન વિસ્તારમાંથી સેનાની વાપસી સાથે જ યુક્રેનમાં કોઇ પણ એવો વિસ્તાર નહીં રહે, જ્યાં તેની પાસે નિર્ણાયક લીડ રહે, તો બીજી તરફ કેટલાક એક્સપર્ટ્સ તેને યુક્રેનની એક મોટી જીત પણ માને છે અને યુદ્ધ સમાપ્ત થવાના સંકેત.

આ અગાઉ ખેરસાન શહેર જતા મુખ્ય માર્ગ પર બનેલો પુલ ઉડાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ પુલ કોણે ઉડાવ્યો તે અત્યાર સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. આ દરમિયાન રશિયા તરફથી નિમણૂક થયેલા વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી કિરિલ સ્ટ્રેમોસોવનું કાર દુર્ઘટનમાં મોત થઇ ગયું હતું.

દુર્ઘટનાની વધુ જાણકારી આપવામાં આવી નથી. ખેરસાન શહેરના પૂર્વમાં ડેનિપ્રો નદીની સહાયક નદી પર બનેલા ડારીવ્કા બ્રિજ નષ્ટ થવાની તસવીરો સામે આવી છે, પરંતુ તેને યુક્રેની સેનાએ ઉડાવ્યો કે પછી રશિયન સેનાએ એ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી.

યુક્રેનના કેટલાક લોકોએ કહ્યું કે, રશિયન સેનાએ આ પુલ ઉડાવીને યુક્રેની સેનાને આગળ વધતા રોકી દીધી છે. જ્યારે યુક્રેની સેના પર નજર રાખનારા વિશ્લેષક આલેહ જદાનોવના જણાવ્યા મુજબ, આ કાર્ય કોઇ ગેર સૈન્ય પરંતુ લડાકુ ટીમનું હોય શકે છે, જેણે રશિયન સેનાને ઘેરવા માટે પુલ ઉડાવ્યો હોય.

જાણકારી મળી છે કે, પુલની બંને તરફ રશિયન સૈનિક ઉપસ્થિત છે. પુલ ઉડાવી દેવાથી આગળના સૈનિક ખેરસાન શહેરમાં ઉપસ્થિત રશિયન સૈનિકોથી અલગ પડી ગયા છે. ખેરસાન યુદ્ધ ક્ષેત્રના સમાચારોની પુષ્ટિ હાલમાં કોઇ પણ પક્ષ કરી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp