પુત્રની બંને કિડની જન્મથી સંકોચાયેલી હતી, પિતાએ પોતાની 1 કિડની આપી નવજીવન આપ્યું

PC: Youtube.com

દીકરા પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો પિતા દીકરાની તમામ મુશ્કેલીને દૂર કરવાના પ્રયાસ કરતા હોય છે. તેવામાં દીકરા પ્રત્યે પિતાના પ્રેમનો અનોખો કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા એક નિવૃત પોલીસકર્મીએ પિતાનો ધર્મ નિભાવી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પિતાએ દીકરાને એવી ભેટ આપી કે દીકરો આજીવન પિતાની આ ભેટને ભૂલી શકશે નહીં. નિવૃત પોલીસ કર્મીની પત્નીના અવસાન બાદ દીકરાની કિડની ફેલ થઇ ગઈ હતી. તેથી પિતાએ પુત્રને કિડની આપી નવુજીવન આપ્યું હતું. દીકરાને કિડની આપ્યા બાદ પોલીસકર્મીએ સંઘર્ષ કરી દોડમાં 2 વાર પહેલો નંબર મેળવીને PSI તરીકે પ્રમોશન પણ મેળવ્યું.  રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગરના પોલીસ વિભાગમાં જગદીશ રામી PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. PSI જગદીશ રામીને સંતાનમાં એક દીકરો છે અને તેનું નામ રજનીકાંત રામી છે. હાલ રજનીકાંત પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. પોલીસ પરીક્ષાની તૈયારી કરવા દરમિયાન રજનીકાંતે વધારે મહેનત કરી હોવાના કારણે તેની તબિયત ખરાબ થઇ ગઇ હતી. 

તેથી રજનીકાંતની સારવાર શરૂ કરવામાં આવી હતી. ટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રજનીકાંતને જાણવા મળ્યું હતું કે, તેની બંને કિડની જન્મથી જ સંકોચાયેલી છે. કિડનીની સમસ્યા હોવાનું જાણવા મળતા રજનીકાંતના પોલીસ બનવાના સ્વપ્ન પર પાણી ફળી વળ્યું હતું. દીકરાને કિડનીની બીમારી હોવાથી પિતાએ માનતાઓ કરી અને દીકરાની સારવાર શરૂ કરાવી. PSI જગદીશ રામીની પત્નીનું નિધન 27-9-2010ના રોજ થયું હતું ત્યારબાદ દીકરાની જવાબદારી જગદીશ રામી પર આવી ચૂકી હતી. એક તરફ જગદીશ રામી દીકરાનો ઉછેર કરતા હતા અને બીજી તરફ DySPના રાઇટર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2016માં જગદીશ રામીના દીકરાની કિડની કામ કરતી બંધ થઇ હતી. ત્યારબાદ ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે, રજનીકાંતની કિડની ખૂબ ખરાબ હાલતમાં છે. તો બીજી તરફ સિમ્સના ડૉક્ટરોએ તો રિપોર્ટ જોઇને સારવારની ના પાડી દીધી હતી અને રજનીકાંતની કિડની બદલવી પડશે તેવું નિદાન થયું હતું. 

ત્યારબાદ રજનીકાંતને કિડની મળે એટલા માટે પિતા જગદીશ રામીએ ડોનરની તપાસ કરી. જગદીશ રામીને જાણવા મળ્યું હતું કે, પોતાની કિડની દીકરા સાથે મેચ થાય છે. તેથી જગદીશ રામીએ પોતાની કિડની રાજનીકાંતને આપીને તેને નવુજીવન આપ્યું હતું. ત્યારબાદ PSI બનવાનુ઼ં સ્વપ્ન પૂરું કરવા જગદીશ રામીએ દોડવાનું શરૂ કર્યું. જગદીશ રામીએ કિડની આપ્યા બાદ 2016માં મોડ 2 અને મોડ 3ના પ્રમોશનની પરીક્ષા આપી હતી. જગદીશ રામીને ડૉક્ટરોએ દોડવાની ના પાડી હોવા છતા તેમણે 1 કિડની હોવા છતા દોડી 6 મિનિટ 45 સેકન્ડમાં પૂરી કરવાની 800 મીટર દોડ તેમને 4 મિનિટ 2 સેકન્ડમાં પૂરી કરીને પહેલો નંબર મેળવી ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. ત્યારબાદ 3 માસ બાદ મોડ 3ની પરીક્ષા આપી 50ના ગ્રુપમાં પ્રથમ ક્રમાંક મેળવીને પરીક્ષા આપી હતી અને PSIનું પ્રમોશન મેળવ્યું હતું. ત્યારબાદ જૂનાગઢ પોસ્ટિંગ મેળવ્યું અને 2 વર્ષ નોકરી કરી નિવૃત્તિ લાભ લઇ DSPના રીડર તરીકે ફરજ બજાવીને 31-12-2020ના રોજ રિટાયર્ડ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp