હવે સ્વામીનારાયણ સાધુએ મા ખોડિયારને લઇને કર્યો લવારો, સૌરાષ્ટ્રવાસીઓ નારાજ

PC: aajkaaldaily.com

સાળંગપુર ભીંતચિત્રોમાં હનુમાનદાદાનો વિવાદ એ પછી હજુ થોડા દિવસો પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ સ્વામીએ જાહેર કરેલો બકવાસ વીડિયો અને હવે વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે ભારે વિવાદનો વંટોળ ઉભો થયો છે. સૌરાષ્ટ્રના લાખો લોકો આ સ્વામીના નિવેદનથી નારાજ થયા છે.

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી બ્રહ્મસ્વરૂપ સ્વામી એક વીડિયોમાં ખોડિયાર માતાને સ્વામીનારાયણના સંત્સંગી ગણાવી રહ્યા છે. સ્વામી પોતાના લહેકામાં એવું બોલી રહ્યા છે કે લો, તમારા કુળદેવીને અમે સંત્સંગી કરી દીધા.

બ્રહ્મસ્વરૂપ સ્વામી વીડિયોમાં કહી રહ્યા છે કે,સ્વામમીનારાયણ મહારાજ રંગોત્સવ કરીને જોબનપગી ખેતરમાં ન્હાવા ગયા, ત્યારે મહારાજે પુછ્યું કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યુ કે, આ અમારા કુળદેવી છે. ત્યારે મહારાજે પોતાના ભીના વસ્ત્રો નીચવીને પાણી માતાજી પર છાંટીને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

બ્રહ્મસ્વરૂપના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.કારણકે ગુજરાતભરના લોકોની ખોડિયાર માતામાં આસ્થા છે. સ્વામીનારાયણ બાવાઓ એક પછી એક લવારા કરી રહ્યા છે.

બ્રહ્મસ્વરૂપનો વીડિયો વાયરલ થવાને કારણે મોરબીના માલધારી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રબારી સમાજના રમેશ રબારીએ કહ્યુ હતું કે, ખોડિયાર માતા અમારા માલધારી સમાજના કુળદેવી છે. અમે સ્વામીનારાયણ સંપ્રદાય વિશે કશું બોલતા નથી તો સ્વામી આવો બફાટ કેમ કરે છે. સ્વામીએ માફી માંગવી જોઇએ. અમે રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવીશું.

તો માટેલ ધામના ચેતન બાપુએ કહ્યું કે સ્વામીની ટીપ્પણીથી માતાના લાખો ભક્તોની લાગણી દુભાઇ છે. બ્રહ્મસ્વરૂપે તાત્કાલિક માફી માંગતો વીડિયો અપલોડ કરવો જોઇએ એવી અમારી માંગ છે. મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપનામાં આવશે, જો સ્વામી માફી નહીં માંગશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોમાં હનુમાનદાદાના અપમાન પછી ભારે હોબાળો મચ્યો અને વિવાદીત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. આ મામલો તો શાંત પડી ગયો, પરંતુ સ્વામીનારાયણ બાવાઓનો વિવાદનો સિલસિલો ચાલુ રહ્યો છે.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વિવાદીત નિવેદન તો આપી દીધું પછી એવો હોબાળો મચ્યો કે સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ ગાયબ થઇ ગયા છે. જાણવા મળેલી વિગત મુજબ સ્વામીના રૂમની બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે સમાચાર સિવાયની વાત કરનાર ભક્તોને જ પ્રવેશ મળશે.

તો ખોડલધામના આગેવાનોએ કહ્યું હતું કે આ બાબતે તેઓ બુધવારે બેઠક કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp