પાણી વગર ટળવળતા ખેડૂતો આકરાં પાણીએ, આત્મવિલોપન કરવાનો પ્રયાસ, જુઓ વીડિયો

રાજ્યમાં એકબાજુ દુષ્કાળના ડાકલાં વાગી રહ્યાં છે ત્યાં રાજ્ય સરકાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણના કાર્યક્રમ માટે વ્યસ્ત છે તો બીજી બાજુ ખેડૂતો અને માલધારીઓ સિંચાઈના તેમ જ પીવાના પાણીથી ત્રસ્ત થઈ છે. રાજ્યના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યાં છે અને તે માટે રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે તો કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયો જ નથી. ત્યારે ખેડૂતો પાણી માટે પોકાર કરી રહ્યાં છે. આવો જ એક પોકાર સુરેન્દ્રનગરના ચૂડાના કૂંડલા ગામે જોવા મળ્યો.

આ અંગે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર ચૂડાના કુંડલા ગામે ગ્રામજનો છેલ્લાં કેટલાંક દિવસતી પાણીની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યાં છે. આંદોલન કરવા છતાં પણ પાણી ન મળતાં ગ્રામજનો આજે વિફર્યાં હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો. આંદોલન ચાલતું હોવાથી પોલીસ પણ હાજર હતી. દરમિયાનમાં આંદોલન કરી રહેલાં પૈકી એક યુવાને પોતાના ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સમયસૂચકતાને કારણે તેને અટકાવી દઈને તેની અટકાયત કરી હતી.

આ અંગે ગામના એક અગ્રણીએ Khabarchhe.com સાથે ફોન પર વાતચીતમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલમાં પાણી માટે ખેડૂતો પોકાર કરી રહ્યાં છે. પરંતુ, ખેડૂત વિરોધી ભાજપની સરકારના બહેરાં કાને આ વાત અથડાતી નથી. તેમણે ઉમેર્યું કે, ઘણાં સમયથી ખેડૂતો દ્વારા નર્મદાના પાણી થકી ગામનું તળાવ ભરવાની માંગણી કરાઈ રહી છે. અને આ મામલે અનેકવાર જે તે કક્ષાએ રજૂઆત પણ કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં ન છૂટકે આજે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી છે. અને તે દરમિયાનમાં ગામના એક યુવાને પોતાને જીવતો સળગાવી દેવા સુધીનું પગલું ભર્યું છે. ત્યારે હવે સરકારે પણ સ્થિતિની ગંભીરતાને જોઈને યોગ્ય નિર્ણય સત્વરે કરવો જોઈએ. નહિ તો આગામી દિવસોમાં ભારે ઉગ્ર આંદોલન કરતાં પણ ગ્રામજનો અને ખેડૂતો ખચકાશે નહિ એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

આ યુવાને કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેની અટકાયત કરી છે. દરમિયાનમાં જિલ્લાના પોલીસ વડાં અને વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડતાં થઈ ગયાં હતાં અને સ્થળ પર પહોંચીને સત્વરે આ મામલે યોગ્ય નિર્ણય કરવાની બાંહેધરી આપી હતી. હવે જોવું  એ રહ્યું કે, ખરેખર ખેડૂતો અને કુંડલાના ગ્રામજનોને આપવામાં આવેલી બાંહેધરી પાળવામાં આવે છે કે હંમેશની માફક ફરી આવું ઉગ્ર આંદોલન કરવા મજબૂર કરે છે તે તો સમય જ કહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp