ઓનલાઇન શિક્ષણ: સૌરાષ્ટ્રમાં ક્યાંક નેટવર્ક નથી, તો ક્યાંક વાલી પાસે સ્માર્ટફોન

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ ખોલવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવા સમયે બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી અને રાજકોટના જિલ્લાને કેટલાક ગામડાઓમાં નેટવર્કની કનેક્ટિવિટી પૂરતી ન મળતી હોવાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક ગામડાઓમાં નેટવર્ક છે પણ વાલીઓ પાસે સ્માર્ટ મોબાઈલ નથી. ત્યારે આજે અમે ઓનલાઈન શિક્ષણ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓને મોબાઈલ અને નેટવર્કના કારણે પડતી તકલીફની વાત કરીશું.

(દિનેશ ત્રાપસીયા અને તેમની દીકરી)

રાજકોટમાં આવેલા જસદણના શિવરાજપુર ગામને ડિજીટલ ગામની ઉપમા આપવામાં આવી છે. આ ગામમાં લોકોના મોબાઈલમાં ખૂબ સારું નેટવર્ક આવે છે પરંતુ ગામની અંદર રહેતા ઘણા લોકોની પાસે સ્માર્ટફોન જ નથી. સ્વભાવિક છે કે, સ્માર્ટફોન વગર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પણ ન મળે. શિવરાજપુરમાં દિનેશ ત્રાપસીયા પરિવારની સાથે રહે છે. તેઓ મજૂરી કામ કરી પ્રતિદિન 200 રૂપિયાની કમાણી કરે છે અને પરિવારના સભ્યોનું ભરણ પોષણ કરે છે. રોજના 200 રૂપિયાની આવક કરતા દિનેશ ત્રાપસીયા માટે નેટ પ્લાન લેવો મુશ્કેલ છે એટલા માટે તેમની દીકરી ઓનલાઈન અભ્યાસથી વંચિત છે.

શિવરાજપુર ગામમાં એક ખાનગી સ્કૂલ અને ચાર સરકારી શાળા આવેલી છે. આ શાળાઓમાં 700 બાળકો અભ્યાસ કરે છે પરંતુ કઠણાઈ એ છે કે, શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકોના વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ સ્માર્ટફોનની ખરીદી કરી શકતા નથી. તેથી શિક્ષકો વાલીઓને ફોન કરીને બાળકોને અભ્યાસ કઈ રીતે કરાવવો તે સમજાવે અને ત્યારબાદ વાલીઓ બાળકોને અભ્યાસ કરાવે છે.

શિવરાજપુર ગામની ધોરણ પાંચની વિદ્યાર્થીની જેનીક્ષાએ જણાવ્યું કે, હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. પણ ઓનલાઈન ભણતા હોય તે સમયે અવાજ બરવાર સંભળાતો નથી. ગણિત અને અંગ્રેજી વિષય તો બરાબર સમજાતું પણ નથી. મારા પિતા ખેતી કામ કરે છે તેમને મોબાઈલની જરૂર પડતી હોવાના કારણે તેઓ મને એક કલાક મોબાઈલ આપે છે. પિતાની આવક ઓછી છે એટલા માટે નેટ કરવું પણ પોસાતું નથી.

ધોરણ છની વિદ્યાર્થીની જાનવી વેકરીયાનું કહેવું છે કે, તેના પિતા પાસે સ્માર્ટફોન નથી, એટલે તે ભણી શક્તી નથી. બીજાના ઘરે ટીવી જોઈને અભ્યાસ કરી રહી છું. ખાલી ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવા મળે છે કારણ કે, બીજાના ઘરે વારંવાર જવું શક્ય નથી.

(આચાર્ય મિલન નિમાવત અને સરપંચ ગોવિંદ ટીંબડીયા)

આ બાબતે પ્રાથમિક શાળાના આચાર્ય મિલન નિમાવતનું કહેવું છે કે, શહેરી વિસ્તારમાં નેટવર્કનો પ્રશ્ન નથી. પણ ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કનો પ્રશ્ન છે. આ ઉપરાંત નાના માણસોની પાસે પૂરતા સાધનો પણ નથી એટલે તેમના બાળકો ઓનલાઈન અભ્યાસથી વંચિત રહે છે.

ગામના સરપંચ ગોવિંદ ટીંબડીયાનું કહેવું છે કે, લોકડાઉનના કારણે ગામડાનું શિક્ષણ બહુ કથળ્યું છે. ઘણા વાલી પાસે સ્માર્ટફોન હોતા નથી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાથી અને શિક્ષક આમને સામને થતા નથી એટલે સરખું ધ્યાન આપી શકાતું નથી. મારા ગામનું અત્યારનું શિક્ષણ જોતા એવું લાગે છે કે, આમ જ ચાલશે તો આવનારી પેઢીનું ભવિષ્ય કઈ નથી.

તો બીજી તરફ અમરેલીથી 17 કિલોમીટર દૂર આવેલા જશવંતગઢ અને ચિતલ ગામો ખેતી આધારિત ગામ છે. તે ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી પરંતુ ગામમાં ઈન્ટરનેટના અભાવે બાળકોને શિક્ષણથી અળગા રહેવાનો વારો આવ્યો છે. ગામમાં આવેલી શાળાઓમાં ધોરણ 1થી 8માં ત્રણ હજાર કરતા વધારે બાળકો અભ્યાસ કરે છે પરંતુ ઓનલાઈન શિક્ષણ માત્ર કહેવા માટે જ ચાલે છે. ગામના લોકોની સમસ્યા છે કે, ઘરમાં એક સ્માર્ટફોન હોય છે અને તેમા ઈન્ટરનેટ હોતું નથી. એટલે ગામડામાં ઓનલાઈન શિક્ષણ ફેઈલ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp