ચારે તરફ થઈ રહી છે ગૂગલ Willow ચીપની ચર્ચા, જાણો શું છે આ
ગૂગલની નવી પ્રોડક્ટ વિલોની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એલોન મસ્ક પણ આ અંગે ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, ગૂગલે એવું તે શું બનાવ્યું છે કે જેના કારણે દરેક લોકો આટલા ઉત્સાહિત છે? અમે વાત કરી રહ્યા છીએ Google Willow ચિપ વિશે, જેને કંપનીએ આ અઠવાડિયે જ રજૂ કરી છે.
આ એક ક્વોન્ટમ ચિપ છે, જે થોડી મિનિટોમાં સૌથી મુશ્કેલ કાર્યો પણ કરી શકે છે. આ ચિપના કારણે, સમાંતર બ્રહ્માંડ અને મલ્ટિવર્સ જેવા ખ્યાલોની પણ ચર્ચા થવા લાગી છે. એવું માનવામાં આવે છે કે, ભવિષ્યમાં આ ચિપ ઘણું બધું બદલી શકે છે.
ગૂગલ વિલો કંપનીની ક્વોન્ટમ ચિપ છે, જેને નેક્સ્ટ જનરેશન ચિપ પણ કહેવામાં આવી રહી છે. આ ચિપ સેંટ બાર્બરા સ્થિત કંપનીની ક્વોન્ટમ લેબમાં તૈયાર કરવામાં આવી છે. આ ચિપ સૌથી મુશ્કેલ ગાણિતિક સમસ્યાઓને પણ થોડી મિનિટોમાં ઉકેલી શકે છે. આવા કાર્યો જેને ઉકેલવામાં આજના સુપર કોમ્પ્યુટરને બ્રહ્માંડની ઉંમર કરતાં પણ વધુ સમય લાગશે, તે આ ચિપ દ્વારા માત્ર 5 મિનિટમાં ઉકેલી શકાય છે.
આ ચિપનો પરિચય આપતા, Google CEO સુંદર પિચાઈએ લખ્યું, 'આ વિલો છે, અમારી નવી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ. અમે આ ચિપમાં વધુ ક્યુબિટ્સનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ભૂલો ઘટાડી શકાય છે. આ ક્વોન્ટમ ક્ષેત્રમાં 30 વર્ષ જૂની એક સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.'
આ ચિપનો ઉપયોગ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં થશે. ગૂગલે કહ્યું, 'વિલો એ કામ કરી શકે છે જે આજના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર 10 સેપ્ટિલિયન (10ની પાછળ 25 શૂન્ય મૂકીને જે સંખ્યા આવે તે) વર્ષમાં કરી શકે છે તે માત્ર 5 મિનિટમાં કરશે.' 10 સેપ્ટિલિયન એ એટલી મોટી સંખ્યા છે કે જેના કારણે બ્રહ્માંડની ઉંમર પણ નાની લાગે છે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો પર કામ કરે છે, જે પરંપરાગત કમ્પ્યુટર્સની ક્ષમતાઓથી આગળની સમસ્યાઓને હલ કરી શકે છે. સરળ ભાષામાં કહીએ તો, પરંપરાગત કમ્પ્યુટર્સ બિટ્સ પર કામ કરે છે. આમાં, માહિતી ફક્ત 0 અથવા 1ના સ્વરૂપમાં પ્રક્રિયા કરવામાં આવે છે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ક્યુબિટ્સનો ઉપયોગ થાય છે. તે 0 અથવા 1 અથવા બંને એકસાથે સમાવી શકે છે. આ પ્રક્રિયાને સુપરપોઝિશન કહેવામાં આવે છે. આ ક્યુબિટ્સને કારણે, ક્વોન્ટમ કોમ્પ્યુટર એકસાથે ઘણી ગણતરીઓ કરી શકે છે, જેના કારણે મુશ્કેલ અને જટિલ સમસ્યાઓ પણ સરળતાથી ઉકેલી શકાય છે.
ગૂગલે વિલો દ્વારા જે કર્યું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, તેનો સૌથી મોટો પડકાર વાસ્તવિક જીવનમાં તેના ફાયદા જોવાનો છે. ગૂગલનું માનવું છે કે, આ ચિપ AI, દવાઓ, એનર્જી સિસ્ટમ્સ અને ફ્યુઝન એનર્જી રિસર્ચમાં ઘણી મદદ કરશે.
એવું માનવામાં આવે છે કે, આ ચિપ AIના ક્ષેત્રમાં ઘણી મદદગાર સાબિત થશે. એક AI મોડેલને તાલીમ આપવા માટે, આપણે તેને ઘણો ડેટા આપવો પડતો હોય છે. ક્વોન્ટમ કોમ્પ્યુટર આ બાબતમાં મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ ડેટાની ઝડપથી ગણતરી કરી શકે છે.
હકીકતમાં, ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં એક મોટો પડકાર એ ભૂલ છે. અહીં ક્યુબિટ્સ એકબીજાને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં, જો કોઈપણ ક્યુબિટમાં કોઈ સમસ્યા આવી ગઈ હોય તો, સમગ્ર ગણતરી ખોટી થઈ જશે. બીજી બાજુ, જેટલી વધારે ક્યુબિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ભૂલનું જોખમ તેટલું જ વધારે હોય છે.
ગૂગલે કહ્યું છે કે, તેઓએ આ ચિપમાં 105 ક્યુબિટ્સનો ઉપયોગ કર્યો છે. આ ક્યુબિટ્સ સાથે, વિલો બે બેન્ચમાર્ક, ક્વોન્ટમ એરર કરેક્શન અને રેન્ડમ સર્કિટ સેમ્પલિંગમાં શ્રેષ્ઠ-ઇન-ક્લાસ પ્રદર્શન આપી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp