શું ગુજરાતના આ 3 ગામોમાં અંતરીક્ષમાંથી પડ્યો 'એલિયન'નો સામાન?

PC: aajtak.in

અંતરીક્ષમાંથી ધરતી ઉપર અનેકવાર ઉલ્કા પડવાના કિસ્સાઓ સામે આવ્યાં છે તો બીજી તરફ અન્ય ગ્રહમાંથી એલિયન પણ ધરતી ઉપર જોવા મળ્યા હોવાના દાવા થતા રહે છે. તેવામાં ગુજરાતના આણંદ જિલ્લાના ત્રણ ગામોમાં અંતરીક્ષમાંથી ગોળા જેવી વસ્તુ પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે સાથોસાથ લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે.

આણંદ જિલ્લો હાલ ચર્ચામાં આવ્યો છે. જેની પાછળનું કારણ છે કે આકાશમાંથી અચાનક પડેલી ગોળા જેવી વસ્તુ. આણંદ જિલ્લાના ત્રણ ગામમાં એવી વસ્તુ પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ છે. સોશિયલ મીડિયામાં આ ગોળા જેવી વસ્તુને લઈને અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને એલિયનના સામાન તરીકે ઓળખાવે છે. હાલમાં જિલ્લા વહીવટીતંત્રએ આ ઘટનાને લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના નિષ્ણાતોને આ અંગેની તપાસ સોંપી દીધી છે. 

આણંદ જીલ્લાના ભાલેજ, ખંભોલાજ અને રામપુરા ગામમાં ગુરુવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુઓ પડી જે દેખાવમાં ગોળા જેવી હતી. આ ત્રણેય ગામ એક-બીજાથી 15 કિલોમીટરના અંતરે છે. સૌથી પહેલા ભાલેજમાં કાળા ધાતુના ગોળા જેવી વસ્તુ આકાશમાંથી પડી. ત્યારબાદ ખંભોલાજ અને રામપુરમાં પણ આવી ઘટના બની. રિપોર્ટ પ્રમાણે ગોળાનું વજન અંદાજે પાંચ કિલો હતું. ન્યુઝ પેપરના રિપોર્ટ પ્રમાણે આણંદ જિલ્લા SP અજીત રજીયાને જણાવ્યું કે, ધાતુનો ગોળો કોઈ ઉપગ્રહનો સામાન હોઈ શકે છે. પહેલો ગોળો ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે પડ્યો. પછી થોડા સમય બાદ અન્ય બે જગ્યાએથી પણ આવા સમાચાર મળ્યા.

આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઇ. તપાસ બાદ આકાશમાંથી પડેલા આ ગોળા અંગેની સાચી હકીકત જાણવા મળશે. આવી જ રીતે ગયા મહિને પણ ગુજરાતમાં એક રાત્રે આકાશમાંથી એક ચમકતા ગોળા જેવી વસ્તુ દેખાઈ હતી. આગના ગોળા જેવી દેખાતી તે વસ્તુ ખુબ જ ઝડપથી ધરતી બાજુ આવતી નજર આવી હતી. જેને લઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી. ત્યારે પણ એવું લાગતું હતું કે આ અંતરીક્ષનો મુદ્દો હોઈ શકે છે. તો વળી 2 એપ્રિલ 2022ની સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આકાશમાંથી આગના ગોળા પડ્યા હતા. ત્યારે પણ એવો અંદાજ લગાવાયો હતો કે, કોઈ રોકેટનો ભાગ હોઈ શકે છે. સોશિયલ મીડિયામાં આવી ઘટનાઓને લઈને અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp