F1 રેસરે ડિઝાઇન કરી ઇલેક્ટ્રિક બાઇક, જાણો સ્પેશિયલ એડિશન બાઇકની ખાસિયત અને કિંમત

PC: autoevolution.com

ફિનલેન્ડની પ્રમુખ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ નિર્માતા કંપની Verge Motorcyclesએ એક ખૂબ જ સ્ટાઇલિશ બાઇક લોન્ચ કરી છે. કંપનીએ તેને બજારમાં લિમિટેડ રન Mika Hakkinen સિગ્નેચર એડિશન તરીકે રજૂ કરી છે. આ એક લિમિટેડ એડિશન મોટરસાઇકલ છે, જેના માત્ર 100 યૂનિટ્સનું જ વેચાણ કરવામાં આવશે. સ્ટાઇલિશ લુક, એડવાન્સ ફીચર્સ અને પાવરફુલ મોટરથી લેસ આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 80000 યૂરો (આશરે 71.48 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. તેની કિંમત પરથી જ તમને તેની ખૂબીઓનો અંદાજો આવી ગયો હશે.

Verge એ ફિનલેન્ડના બેવાર ફોર્મ્યૂલા વન વિજેતા મિકા હક્કિનન સાથે હાથ મિલાવ્યા છે. મિકાએ આ બ્રાન્ડમાં નિવેશ કરવાની સાથોસાથ આ લિમિટેડ એડિશન બાઇકની ડિઝાઈનમાં પણ મદદ કરી છે. આ બાઇક પર મિકાની સિગ્નેચર પણ જોવા મળે છે, જે રેસિંગના ફેન્સ માટે કોઈ ખૂબ જ કિંમતી ઓટોગ્રાફથી કમ નથી. તો તમે પણ તેની ખૂબીઓ વિશે જાણી લો.

આ બાઈક Vergeની TS Pro મોટરસાઇકલ પર બેઝ્ડ છે અને મિકા હક્કિનેન એડિશનમાં ડાર્ક ગ્રે અને સિલ્વર ડ્યૂઅલ-ટોન ફિનિશ આપવામાં આવ્યું છે. આ પેઇન્ટ સ્કીમ એ મેકલેરન ફોર્મ્યૂલા 1 રેસકાર્સની યાદ અપાવે છે જેને મિકાએ 1998 અને 1999માં જીતી હતી. આ બાઇકનો લુક એવો છે કે તમે જોતા જ રહી જશો.

તેના સસ્પેન્શનને બ્લેક પેઇન્ટ ફિનિશ આપવામાં આવ્યું છે અને કાર્બન ફાઇબર ડિટેલ્સને એ રીતે કંડારવામાં આવી છે જે મોટર સ્પોર્ટના ઇતિહાસને દર્શાવે છે. સીટમાં બે અલગ-અલગ પ્રકારના ચામડાં એટલે કે લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મિકા હક્કિનન એડિશનને એક પાતળી ફિલ્મ સિરેમિક કોટિંગથી પણ કરવામાં આવી છે, જે બાઇકની બોડીને કોઈપણ પ્રકારના સ્ક્રેચથી બચાવે છે.

આ બાઇક Verge TS Pro મોટરસાઇકલ પર બેઝ્ડ છે આથી તેને મિકનિઝ્મમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. મિકા હક્કિનન સિગ્નેચર એડિશનની મોટર 20.2kWh લિથિયમ-આયર્ન બેટરી પેકથી લેસ છે જે ઇલેક્ટ્રિક મોટરસાઇકલને એકવાર ચાર્જ કરવા પર 350 કિમીની રેન્જ આપે છે. બેટરી 25kW DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને બાઇકને ફાસ્ટ ચાર્જ કરવામાં 35 મિનિટનો સમય લે છે.

આ ઇલેક્ટ્રિક બાઇકની મોટર 136.78bhpનો પાવર અને 1000Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક માત્ર 3.5 સેકન્ડમાં જ 60 માઇલ એટલે કે આશરે 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. 250 કિલો વજન ધરાવતી આ બાઇકની સ્પીડને ધ્યાનમાં રાખતા કંપનીએ તેમા બ્રેમ્બો 4.32 ચાર-પિસ્ટન કોલિપર્સની સાથે સામે તરફ 230 મિમી ગેલ્ફર ડિસ્ક બ્રેક્સ આપી છે, જે હાઇ સ્પીડમાં પણ સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે. તેમજ, બાઇકના પાછળના વ્હીલમાં ચાર પિસ્ટન રિયર કોલિપર્સની સાથે સિંગલ 380 મિમી ગેલ્ફર ડિસ્ક આપી છે.

બાઇકના સ્પેસિફિકેશન્સ

બેટરીઃ 20.2kWh લિથિયમ-આયર્ન

રેન્જઃ 350 કિલોમીટર

ટોપ સ્પીડઃ 200 કિમી/કલાક

પિક-અપઃ 3.5 સેકન્ડમાં 100 કિમી/કલાક

ચાર્જિંગ ટાઇમઃ 35 મિનિટ

ચાર્જરઃ 25kW DC ફાસ્ટ ચાર્જિંગ

 

Verge Mikka Hakkainen સિગ્નેચર એડિશન બાઇકમાં 120/70 R17 ફ્રન્ટ અને 240/45 R17 રિયર ટાયરની સાથે 17-ઇંચ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. બાઇકના પાછળના વ્હીલમાં તમને કોઈ સ્પોક્સ દેખાશે નહીં જે એક ખાસ બેલ્ટ ટેકનિકથી ઓપરેટ થાય છે. બાઇકની બેટરી અને મોટર સેક્શનને સંપૂર્ણરીતે કવર કરવામાં આવ્યું છે. તેના પહોળા ટાયર કોઇપણ પ્રકારની રાઇડ કંડિશનમાં સારા પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. કંપનીએ આ બાઇકનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધુ છે, જેને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુક કરી શકાય છે. જોકે, આ બુકિંગ ભારતીય બજાર માટે નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp