સુરતના 2 પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરીને 7 લોકોને નવજીવન આપ્યું
ટેક્ષટાઈલ અને ડાયમંડ સિટીથી ઓળખાતું સુરત શહેર હવે દેશમાં 'ઓર્ગન ડોનર સિટી' તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. અંગદાનની અવારનવાર બનતી ઘટનાઓ માનવતાની અનેરી સુવાસ ફેલાવે છે. આવી જ અંગદાનની વધુ એક ઘટના સુરતમાં બની, જેમાં દેઢિયા અને ગોંડલીયા પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરીને દિવંગતોને અમરત્વ આપ્યું છે. આ સાથે સુરતમાંથી હ્રદયદાનની 36મી ઘટના બની છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં એક જ દિવસે એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થયાં હોય એવી આ બીજી ઘટના છે.
પ્રથમ બનાવમાં, વલસાડની અમરધામ સોસાયટી, શીલાપાર્ક કોમ્પ્લેક્ષ, તીથલ રોડ ખાતે રહેતા અને ડિલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રસિકભાઈ) ખીમજીભાઈ દેઢિયાને તા.14 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે એકાએક બ્લડપ્રેશર વધી ગયું હતું. તીવ્ર બેચેની બાદ લકવાની અસર જણાઈ હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જણાયું હતું. જેથી ડોક્ટરની સલાહ મુજબ પરિવારજનો તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલ લઈ આવ્યાં. જ્યાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિકે ઠાકોરે સારવાર શરૂ કરી. ડૉ.ભૌમિકે ક્રેનિઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો પણ વધુ સારવાર શક્ય ન હોવાથી બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
બીજી ઘટનામાં મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણીયા ગામના વતની અને હાલ સુરતના કતારગામની હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતાં 40 વર્ષીય જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા ગત તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજે 8:00 કલાકે જમીને ઘરે પરિવાર સાથે બેઠા હતા, ત્યારે બ્લડપ્રેશર વધી જવાને કારણે અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર હેઠળ દાખલ કર્યા. જ્યાં સારવાર દરમિયાન સિટી સ્કેનમાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. પણ વધુ નિદાનમાં જમનભાઈને પણ બ્રેઈનડેડ જાહેર કરાયા હતાં.
એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના નિશ્ચિત મૃત્યુને બંને પરિવારે ભારે હ્રદયે સ્વીકાર્યુ અને ડોનેટ લાઈફ અને કિરણ હોસ્પિટલે અંગદાનનું મહત્ત્વ સમજાવતાં તેમોએ અંગદાનનો નિર્ણય કર્યો. સ્વજનના અંગોથી અન્યોને નવજીવન આપી શકાશે તેવા ઉમદા વિચારને તેમણે સ્વીકાર્યો. જેથી કુલ 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું જેનાથી 7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું.
વાગડ વિશા ઓસવાળ સમાજના દેઢિયા પરિવાર તેમજ લેઉવા પટેલ સમાજના ગોંડલીયા પરિવારે અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવીને 7 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યાં છે.
સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂત યુવકમાં કરવામાં આવ્યું હતું. આ યુવક 2019થી હૃદયની બિમારીથી પીડાતો હતો, અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઈ ગયું હતું.
દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું સફળ પ્રત્યારોપણ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સાબરકાંઠાના ભિલોડાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં વડોદરાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવાયા હતાં.
ગુજરાતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા એક જ દિવસે એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ બીજી ઘટના છે, જેના થકી કુલ 19 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. ગુજરાતમાંથી હૃદયદાનની આ 47મી અને સુરતની હૃદયદાન 36મી ઘટના છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઈન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સ્વ.વિરેન્દ્રભાઈ અને સ્વ.જમનભાઈ મૃત્યુ પામીને પણ કુલ 7 વ્યક્તિઓમાં સદેહે જીવંત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp