પૈસા ન હોવાથી ગર્ભવતી પત્નીની પ્રસૂતિની ચિંતામાં સુરતમાં એક યુવકે આપઘાત કર્યો

PC: immigrationimpact.com

રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકોના ધંધા, ઉદ્યોગો બંધ રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. ઘણા લોકોને તો સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી અનાજની કીટથી પરિવારના સભ્યોનું ભરણપોષણ કરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ધંધા, ઉદ્યોગો શરૂ કરવાની અનલોકમાં છૂટ આપવામાં આવી છે પરંતુ બીજી તરફ અનલોકમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અનલોકમાં સુરતનો હીરા ઉદ્યોગ શરૂ થયો હતો પરંતુ હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા હીરાના એકમોને બંધ કરાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ 14 જૂલાઈથી હીરાના એકમો ખુલી રહ્યા છે પરંતુ હીરા ઉદ્યોગ બંધ થતાં ઘણાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની છે. ઘણાં રત્નકલાકારો આર્થિક સંકડામણમાં આવી આપઘાતનો રસ્તો અપનાવી રહ્યા છે. ત્યારે હીરાના વેપાર સાથે સંકળાયેલા વધુ એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકને પત્ની ગર્ભવતી હોવાથી પત્નીની પ્રસૂતિ કઈ રીતે કરશે તેની સતત ચિંતા સતાવી રહી હતી. ચિંતામાં યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

રિપોર્ટ સુરતના વરાછા વિસ્તારમાં રહેતો ઈર્શાદ જમાદાર નામનો યુવક હીરાના વેપાર સાથે સંકડાયેલો હતો. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ બંધ હતા. તેથી ઈર્શાદને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઘર ચલાવવામાં પણ ફાંફા પડી રહ્યા હતા તો બીજી તરફ ઈર્શાદની પત્ની ગર્ભવતી હોવાથી તે પત્નીની પ્રસૂતિ કઈ રીતે કરાવશે તેની ચિંતામાં રહેતો હતો. ઈર્શાદ એક બાળકનો પિતા હતો અને તેને આર્થિક ભીંસના કારણે પત્નીની પ્રસૂતિ કઈ રીતે કરાવવી તેની ચિંતા સતાવી રહી હતી. આ ચિંતામાં ઈર્શાદે ઘરમાં જ એક હુક સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ઈર્શાદને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલા ડૉકટરે ઈર્શાદને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ઈર્શાદના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં બેથી ત્રણ દિવસો પહેલા જ આર્થિક સંકડામણમાં આવેલા એક રત્નકલાકારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા તાપી નદીના બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રત્નકલાકાર બ્રિજની ગ્રીલ પર ચઢીને આપઘાત કરવાનો પ્રયાસ કરતો હતો, તે સમયે રાહદારીઓએ રત્નકલાકારને બચાવીને પોલીસને સોંપી દીધો હતો. જેથી રત્નકલાકારનો જીવ બચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp