ખોટું અનુમાન કરી કોવિડ-19નો ક્લેઇમ કંપનીએ નકાર્યો પછી 49.88 લાખ ચુકવી આપ્યા

PC: dailyexcelsior.com

સુરત. સુરતના પોલીસ કર્મીના Covid-19 બિમારીના થયેલ અવસાન અંગેના લાફઈ ઇન્સ્યુરન્સ પોલીસીના કલેઈમને વીમો ગેર રજુઆતથી મેળવેલ હોવાનું જણાવી કલેઈમ નકારનાર વીમા કંપનીએ ગ્રાહક કમિશન સમક્ષની કાનુની કાર્યવાહી દરમ્યાન પોલીસ કર્મીના વારસદારોને જીવનવીમા પોલીસી અન્વયેના ચૂકવણી પાત્ર રકમ રૂા. 49.88 લાખનો કલેઈમ ચૂકવી આપ્યો છે. જીલ્લા કમિશન કક્ષાએ કોઈ એક કેસમાં પક્ષકારને ચૂકવાયેલ આ સૌથી મોટી રકમનો કલેઈમ છે.

કેસની વિગત મુજબ અરૂણાબેન મોહનભાઈ બારિયા તેમજ તેમના બે પુત્રો મહિપતસિંહ બારિયા(ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં લાફઈ ઇન્સ્યુરન્સ કંપની લિ. (સામાવાળા) વિરુધ્ધ દાખલ કરાયેલી ફરિયાદની વિગતો એવી હતી કે, ફરિયાદીનં. (૧) અરૂણાબેનના પતિ મોહનભાઇ કેવલસિંહ બારિયા ગુજરાત પોલીસમાં સુરતમાં નોકરી કરતા હતા. મોહનભાઈએ સામાવાળા મેક્ષ લાફઈ ઇન્સ્યુરન્સ કંપનીનો રૂા. 50 લાખનો જીવનવીમો લેવા તા. 31/03/2021ના રોજ પ્રપોઝલ ફોર્મ ભરીને વીમા કંપનીના એજન્ટ મારફર વીમા કંપની સમક્ષ રજુ કરેલ હતું.

ત્યારબાદ, વીમા કંપની તેમના એપ્રુવડ પેનલ ડોક્ટર મારફત મોહનભાઈની તબબી તપાસ કરાવીને તેમની શારિરીક તંદુરસ્તી અંગે પોતાના તબીબીનો રીપોર્ટ મેળવ્યા પછી મોહનભાઈને જીવનવીમા પોલીસી તા. 13/૦4/2021ના રોજ ઇસ્યુ કરેલ હતી. જેમાં જીવનવીમો તા. 12/04/2021થી શરૂ થતો જણાવ્યું હતું. વીમાનો પીરીયડ 20 વર્ષનો હતો. અને શરતો મુજબ 14 વર્ષ સુધી વાર્ષિક રૂા. 12,737/- લેખેનું પ્રિમિયમ વીમા કંપનીને ચુકવવાનું હતું. મોહનભાઈએ એકમાત્ર પ્રથમ પ્રિમિયમ ચુકવેલ હતું. વીમા અંગેનુ પ્રપોઝલ ફોર્મ ભર્યા પછી અને વીમો અમલમાં આવે તે જ તારીખે એટલે કે 12/૦4/2021ના અરસામાં મોહનભાઈની તબીયત અચાનક બગડી જતા તેમને ગોધરા ખાતેની હોસ્પિટલમાં તા. 13/૦4/2021ના રોજ એડમીટ કરાયા હતા જયાં મોહનભાઈને Covid-19 Positiveનું નિદાન થયું હતું. અને પ્રાથમિક સારવાર આપી તેમને તા. 15/૦4/2021ના રોજ હોસ્પિટલમાંથી વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન તા. 22/૦4/2021ના રોજ મોહનભાઈનું Covid-19 ને કારણે અવસાન થયું હતું. જેથી ફરિયાદીઓએ ફરિયાદવાળી જીવન વીમા પોલીસી અન્વયે મેક્ષ લાફઈ ઇન્સ્યુરન્સ કંપની સમક્ષ કલેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ વીમો લેતી વખતે મોહનભાઈને કોવિડ-૧૯ થયો હતો અને મોહનભાઈએ કોવિડ-૧૯ની હકીકત છુપાવીને એટલે કે ગેરરજુઆતો કરીને વીમો લીધો હોવાનું જણાવી કલેઇમ નામંજુર કર્યો હતો. જેથી ફરિયાદીઓએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદીઓ તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ/ પ્રાચી અર્પિત દેસાઈ/ ઇશાન શ્રેયસ દેસાઇએ ગ્રાહક કમિશન સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોહનભાઈ બારિયાએ ફરિયાદવાળો જીવનવીમો મેળવવા માટેનું પ્રપોઝલ ફોર્મ તા. 31/૦3/2021ના રોજ ભર્યું હતું. પરંતુ, તે સમયે તેમને કોવિડ-19ની કે કોઇ બિમારી ન હતી. સામાવાળા વીમા કંપનીના પેનલ ડોકટરે પણ મોહનભાઇની તબીબી તપાસ કરી હતી. અને મોહનભાઈની તંદુરસ્તી અંગે ડોકટરનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ વીમા કંપનીએ મોહનભાઈને જીવનવીમો આપવાનું પસંદ કરેલ હતું. પરંતુ યોગાનુ યોગે વીમા કંપનીએ જે દિવસે જીવનવીમા પોલીસી ઇસ્યુ કરી તે જ દિવસે મોહનભાઈને કોવિડ-19ની બિમારી થઈ હતી. પરંતુ પ્રપોઝલ ફોર્મ અગાઉ તા. 31/૦3/2021ના રોજ ભરેલ હતું. ત્યારે મોહનભાઈને કોવિડ થયેલ ન હતો. એટલે કે જીવનવીમાના પ્રપોઝલ ફોર્મમાં કોવિડ-19 વિષે જણાવવાનો પ્રશ્ન જ ઉભો થતો ન હતો. અને સમગ્ર ઘટના ક્રમ જોતા મોહનભાઈએ કોઈ ગેર રજુઆત વીમા કંપની સાથે કરેલ ન હતો.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (પ્રમુખ પી.પી. મેખિયા) ની કોર્ટમાં કેસમાં આખરી સુનાવણી થાય તે પહેલા વીમા કંપનીએ ફરિયાદીને ફરિયાદવાળા વીમાના કલેઈમ પેટે રૂા. 49,88,050/- નો ચેક એડવોકેટ મારફ્ત ફરિયાદીઓને મોકલાવ્યો હતો. જે ફરિયાદીઓએ સ્વીકારતા વિવાદનું સુખદ નિરાકરણ આવી ગયું હતું.
સુરત જિલ્લા ગ્રાહક કમિશન કક્ષાએ કોઈ એક કેસમાં રૂા. 49.88 લાખનો ચૂકવાયેલ ક્લેઇમ આજદિન સૂધીનો સૌથી મોટી રકમનો કલેઇમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp