ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદમાં કહ્યું, ગુજરાતના પાગલો તમે કેમ છો? ખતરનાક છો

PC: divyabhaskar.co.in

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 10 દિવસના કાર્યક્રમ માટે ગુજરાત આવી ચૂક્યા છે. ગુરુવારે ચાર્ટડ પ્લેનમાં બાબા બાગેશ્વર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એ પછી વટવા રામકથામાં પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ શરૂઆતના પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાતના પાગલો તમે કેમ છો?  આવતીકાલ 26 મે અને 27 મેના દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ સુરતમાં આયોજિત કરવામાં આવ્યો છે અને મોડી સાંજે તેઓ સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર બાબાના સ્વાગત માટે તેમના ધર્મના માતા કિરણ પટેલ અને લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ પહોંચ્યા હતા. અમદાવાદમાં બાગેશ્વર બાબાને જોવા જાણે ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ગુજરાતના 10 દિવસના કાર્યક્રમ માટે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમા વટવા રામકથા મેદાનાં પહોંચ્યા ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ખાસ આસન તૈયાર કરવામાં આવ્યું છે. બાબાએ કહ્યું કે, ગુજરાતના માણસો ખતરનાક હોય છે, હોંશિયાર હોય છે, તેમને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ હોય છે. તેમણે કહ્યું કે, મેં ગુજરાતની ધરતી પર પહેલીવાર પગ મુક્યો છે. હવે 10 દિવસ ગુજરાતમા જ છું.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વટવા રામકથામાં આગળ કહ્યું કે, ભારતમાં હિંદુ રાષ્ટ્ર અને ભગવાન કૃષ્ણને સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. મથુરાની શ્રીકૃષ્ણની ભૂમિ પર કૃષ્ણને સ્થાપિત કરવાના છે. તેમણે કહ્યું કે સનાતન હિંદુ માટે જાગવાનો સમય છે અને મારું કામ માત્ર તમને જગાડવાનું છે. જે નહીં જાગે તે કાયર ગણાશે. હવે નહી જાગીએ તો મોડું થઇ જશે અને આવનારી પેઢીમાં રામકથા નહીં થશે.સનાતન ધર્મ માટે જે લોકો લડી રહ્યા છે તેમને સાથ આપો. તેમણે કહ્યુ કે તમામ સનાતની હિંદુઓએ એક થવાનો સમય છે, જે લોકો સંતોને હેરાન કરશે તેમની ઠાઠડી બાંધીશું.

અમદાવાદમાં બાબા બાગેશ્વરની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી, મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

આવતીકાલે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ પર આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં બાબા સાંજે 5 વાગ્યાથી રામકથા કહેશે.

ગુજરાતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમ પહેલા ભારે હોબાળો થયો હતો લોકોએ પડકારો ફેંક્યા હતા, પરંતુ તેની કોઇ અસર જોવા મળી નથી, ભાજપ નેતાઓ અને લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમને કેન્દ્ર સરકારે ‘Y’ કેટેગરીની સુરક્ષા પુરી પાડી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp