પત્ની સાથે થયેલા ઝઘડામાં પતિએ પત્નીના મિત્રને પતાવી દીધો

PC: cloudfront.ne

પતિ સાથે રોજે-રોજ થતા ઝઘડાના કારણેને પત્ની ત્રાહિમામ પોકારીને પિયર રહેવા માટે ચાલી ગઈ હતી. પરંતુ જે સમયે પત્નીનું જૂનું મકાન ખાલી કરવાનો સમય આવ્યો ત્યારે પત્ની તેના એક મિત્ર સાથે ઘરનો સમાન ખાલી કરવા માટે ગઈ હતી. તે સમયે પતિએ પત્ની અને સામાન લેવા આવેલા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પત્ની બચી ગઈ હતી, પરંતુ સામાન લેવા આવેલા મિત્રનું મૃત્યુ થયુ હતુ.

એક રીપોર્ટ અનુસાર સુરતના ઓલપાડના ઉમરગામ નજીક રહેતી રિયા નામની યુવતીને તેની સામેના મકાનમાં રહેતા પ્રિતેશ ડાભી નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સબંધના કારણે તે બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ આ બંનેના લગ્ન પ્રિતેશના પરિવારને મંજૂર ન હતા. જેના કારણે તેઓ ઉમરાની શિવાલીક રેસીડેન્સીમાં અલગ રહેવા ગયા હતા. પ્રિતેશ ડાભી હીરાના ધંધા સાથે સંકળાયેલો છે. પરંતુ તેણે થોડાં સમય પહેલા તે નોકરી છોડી દીધી અને તે કંઈ કામ કરતો ન હતો. ત્યારબાદ પ્રિતેશે હોટેલનો વ્યવસાય કરવા માટે રિયાના એક મિત્ર પાસે ચેન ગીરવે મુકીને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પૈસાની ચુકવણી કરવા બાબતે રિયા અને પ્રિતેશ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડાથી કંટાળીને રિયાએ એક-બે વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ જ ફરક ન પડતા તેણે એકલા રહેવાનું નક્કી કરી લીધુ હતુ અને તે પોતાની માતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

એક દિવસ રિયાના બેંકના કર્મચારીનો ફોન આવ્યો હતો કે, તે ઉમરા વિસ્તારના જે મકાનમાં રહે છે તેના માલિકે બેંકના હપ્તા ભર્યા નથી એટલે આ મકાન સીલ કરવામાં આવે છે. એટલે તેમાં જે સમાન પડ્યો છે તે વહેલી તકે લઇ જાય. આ કારણે રિયા તેના મિત્ર ગોરધન ભૂવા સાથે પોતાનો સમાન લેવા માટે ગઈ હતી. ત્યાએ પ્રિતેશ ચપ્પુ વડે રિયા પર હુમલો કર્યો હતો, પણ તે સમયે રિયાની સાસુએ પ્રિતેશનો શર્ટ ખેંચી લેતા રીયા બચી ગઈ હતી. ત્યારબાદ પ્રિતેશના ભાઈ અનિલે પણ રિયા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં રિયાના હાથના અંગુઠાના ભાગે ઈજા થવા પામી હતી. ત્યારબાદ પ્રિતેશ અને તેના ભાઈ અનિલે ચપ્પુ વડે રિયાના મિત્ર ગોરધન પર હુમલો કર્યો હતો, જેમાં ગોરધનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp