કાલે રજા- સુરતમાં દૂધની થેલીઓ પર માલધારીઓએ આવું લખી વિરોધ કર્યો

PC: divyabhaskar.com

છેલ્લા કેટલાંક દિવસોથી માલધારી સમાજ રાજ્ય સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતી જોવા મળી છે. ગઈકાલે સુરત શહેરના અમરોલી, છાપરાભાઠા અને વેડ રોડ વિસ્તારના માલધારીઓએ આ મુદ્દા પર આગળના પગલાં લેવા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંપૂર્ણ સમાજે એકસાથે લડાઈ લડવા માટેનું આહવાન કર્યું હતું. ડેરીને પોતાનું દૂધ વેચાણ ન કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે દૂધની થેલીઓ પર કાલે રજા લખીને ગ્રાહકોને આપવામાં આવી હતી.

માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરોના મુદ્દે અને તબેલામાંથી ઢોરને પકડીને લઈ જવાને લીધે સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના વિરોધમાં માલધારી સમાજના ધર્મગુરુથી લઈને અનેક લોકો જોડાયા છે. માલધારી સમાજ આવતીકાલે એટલે કે 21 તારીખના રોજ દૂધનું વેચાણ નહીં કરે અને સાથે ડેરીઓમાં પણ દૂધ નહીં ભરે તેવું નક્કી કરવામાં આવ્યું છે. સુરત કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા તબેલા પર તવાઈ બોલાવ્યા પછી આ આંદોલન વધારે ઉગ્ર બન્યું છે.

માલધારીઓએ કહ્યું હતું કે રખડતા ઢોરોને પકડી લો તો ચાલે પરંતુ અમારા તબેલામાં બાંધેલા ઢોરોને શા માટે પકડી જાવ છો. આ મુદ્દાને લઈને રાજ્યભરમાં માલધારી સમાજે પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય તેમણે સરકાર સમક્ષ વિવિધ માગણીઓ પણ કરી છે અને ટૂંક સમયમાં તેના અમલની પણ જાહેરાત થાય તેવી માગણી કરી છે. માલધારી સમાજની માગણીઓમાં માલધારીઓને પોતાની જમીન લેવાનો અધિકાર આપવામાં આવે, પશુપાલકોને દૂધમાં સબસીડી આપવામાં આવે, દરેક ગામ, શહેરના વાડાઓ સહિત નવી માલધારી વસાહતો બનાવી આપવામાં આવે.

માલધારી સમાજને વર્ષ 1965ના પરિપત્ર પ્રમાણે ખેડૂત તરીકેનો હક આપવો, ઢોર નિયંત્રણ કાયદો રદ્દ કરવો, ગૌચરપર થયેલા દબાણો દૂર કરવા, માલધારીઓના વાડાને નિયમિત બનાવી દેવા, પાંજરાપોળ અને ગૌશાળાઓને પૂરતી સહાય કરવી, રખડતા ઢોર માટે સરકારે નવી પાંજરાપોળ બનાવવી જોઈએ, ગૌપાલક નિગમ દ્વારા માલધારી સમાજને પૂરતુ ધિરાણ આપવું જોઈએ. જેમાંથી ગઈકાલે સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp