'માણસ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પતિઓનું પ્રદર્શન, પુરૂષ કમિશન બનાવવા માંગ
ગુજરાતના સુરતમાં, બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓને મળતા અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની માંગ પણ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, ખોટા કેસો દ્વારા અત્યાચારનો ભોગ બનેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના અઠવા ગેટના સર્કલ ખાતે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હકીકતમાં, બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને પત્ની દ્વારા તેને હેરાન કરાતો હોવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે, કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોનો દુરુપયોગ થતો હોવાની ચર્ચા થઇ રહી છે.
અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા ગેટ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લે કાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલી પત્ની-પીડિત પતિઓમાં, કેટલાકે પ્લે કાર્ડ્સ પર 'પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે' લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014 થી 2022 સુધીના પુરુષોએ કરેલા આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા.
કોઈ સરકારને પુરૂષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું, તો કોઈએ લખ્યું હતું કે, બનાવટી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે. કોઈએ સેફ ફેમિલી સેવ નેશન લખીને વિરોધ કર્યો. કેટલાક પ્લેકાર્ડ પર લખેલું હતું, 'મેન નોટ ATM', આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી.
વિરોધમાં સુરતના ચિરાગ ભાટિયા પણ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે. તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. હાલના સમયમાં આવું ઘણું થઇ રહ્યું છે. ઘણી મહિલાઓ પુરૂષો પર ખોટા કેસ દાખલ કરી રહી છે. જો કોર્ટમાં સાબિત પણ થઇ જાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી.
ચિરાગે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે પુરૂષો માટે એક કમિશન બને અને પુરૂષોને ન્યાય મળે. અહીં અમે જેટલા પણ પીડિતો છીએ, અમારી તમામની પત્નીઓએ અમારા પર ખોટા કેસ કર્યા છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છીએ. જ્યાં અમારી ભૂલ નથી ત્યાં પણ અમને કોર્ટમાં તે સાબિત કરવું પડતું હોય છે. અમારી સાથે ખોટું થઇ રહ્યું છે. અમે ભરણપોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી.
ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે. આ ગેરકાયદેસર વસુલાત છે, જે લિંગ સમાનતાના નામે પુરુષો પાસેથી વસૂલવામાં આવે છે. અમારા ઘરમાં પણ માતાઓ અને બહેનોને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. અમારો પરિવાર માનસિક ત્રાસમાંથી પસાર થઇ રહ્યો, જેનું વર્ણન થઇ શકે તેમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp