અગરકરનો દાવોઃ આ ખેલાડી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ટ્રમ્પ કાર્ડ બનશે
ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પહેલી બે વનડે માટે લોકેશ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો છેલ્લી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવને પણ પહેલી બે વનડે માટે ટીમમાં જગ્યા મળી નથી. પહેલી બે વનડેમાં કુલદીપ યાદવ, રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રેસ સાથે વાત કરતા સમયે ચીફ સિલેક્ટર અગરકરે એક એવા ખેલાડીનું નામ લીધું, જે ભારત માટે વર્લ્ડ કપમાં ટ્રમ્પ કાર્ડ બની શકે છે. અગરકરનું માનવું છે કે, આ વખતના વિશ્વ કપમાં કુલદીપ યાદવ ભારત માટે અગત્યની ભૂમિકા ભજવી શકે છે. અજીત અગરકર આગળ કહે છે કે, મેં IPLમાં તેની સાથે ખાસ્સો સમય પસાર કર્યો છે. તેની પાસે ખાસ સ્કીલ છે. દરેક ખેલાડી પર વિશ્વાસ દેખાડવાની જરૂરત છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે આવું કર્યું છે અને પરિણામ સામે છે. તે અમારા માટે એક ટ્રમ્પ કાર્ડ છે. મોટા ભાગની ટીમો તેને એક પડકાર તરીકે જોઇ રહી છે. અમે બધા આગળ આવનારા સમય માટે ઉત્સાહિત છીએ.
જણાવીએ કે, એશિયા કપમાં કુલદીપ યાદવે સારી બોલિંગ કરી છે. પ્રભાવશાળી બોલિંગને કારણે અગરકર તેના ગુણગાન કરી રહ્યો છે. એશિયા કપ 2023માં કુલદીપના નામે 5 મેચમાં 9 વિકેટ છે. હાલના સમયમાં કુલદીપ સારું પ્રદર્શન કરી રહ્યો છે. એ જ કારણ છે કે, કુલદીપ આ સમયે ભારતીય ટીમનો ફર્સ્ટ ચોઇસ સ્પિનર બની ગયો છે. 2 વર્ષ પહેલા સુધી કુલદીપની કારકીર્દિ અધ્ધર લટકી ગઇ હતી. પણ IPL દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ થયા પછીથી કુલદીપે પોતાની બોલિંગમાં સુધાર કર્યો અને પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી. પોતાની બોલિંગમાં સતત ફેરફાર કરી કુલદીપ હવે ભારતીય ટીમનો અગત્યનો ખેલાડી બની ગયો છે.
જ્યારે કુલદીપ IPL દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ બન્યો હતો ત્યારે અગરકર ટીમના સહાયક કોચ હતા. અગરકરે કુલદીપ સાથે મળીને તેની બોલિંગ પર કામ કર્યું, જેનો ફાયદો આજે ભારતીય ટીમને મળી રહ્યો છે.
આ ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. પહેલી મેચ 30 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમાશે. ત્યાર પછી 2 ઓક્ટોબરના રોજ આયરલેન્ડની સાથે ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ મેચ રમશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp