ICCએ નક્કી કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઉંમર, આ છે સૌથી નાની ઉંમરના 5 ખેલાડી

PC: ICC

ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ICCએ ક્રિકેટમાં ઉંમરને લઈને મોટો બદલાવ કર્યો છે. ICCએ શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય સ્તર પર ડેબ્યૂ કરવાની ઉંમર નક્કી કરી નાખી છે. નવા નિયમ મુજબ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવા માટે ખેલાડીની ઉંમર 15 વર્ષની હોવી જરૂરી છે. જ્યારે પહેલા ઉંમરને લઈને કોઈ પણ પ્રતિબંધ નહોતો. પરંતુ હવે જ્યારે નિયમમાં બદલાવ થઈ ચૂક્યો છે તો આવો આપણે જાણીએ એ પાંચ ખેલાડીઓની બાબતે, જેમણે સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું.

હસન રઝા:

જૂના નિયમ અનુસાર પાકિસ્તાનના બેટ્સમેન હસન રઝા સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરનારો પહેલો ક્રિકેટર છે. વર્ષ 1982મા જન્મેલા હસન રઝાએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 24 ઓક્ટોબર 1996ના રોજ ડેબ્યૂ કર્યું હતું. એ સમયે તેની ઉંમર 14 વર્ષ 237 દિવસની હતી. તેણે એ સમયે 48 બોલમાં 27 રન બનાવ્યા હતા. હસન રઝાએ પોતાના કરિયરમાં 10 મેચ રમી, જેમાં તેણે 26ની સ્ટ્રાઈક રેટથી 235 રન બનાવ્યા હતા.

મુશ્તાક મોહમ્મદ:

સૌથી યુવાન ક્રિકેટરોની લિસ્ટમાં બીજા નંબર પર પણ પાકિસ્તાનનો જ ક્રિકેટર છે. પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર મુશ્તાક મોહમ્મદે 15 વર્ષ 124 દિવસની ઉંમરમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. મોહમ્મદ મુશ્તાકે પોતાના કરિયરમાં 57 મેચોની 100 ઇનિંગમાં 39ની સ્ટ્રાઈક રેટથી 3,643 રન બનાવ્યા હતા અને 79 વિકેટ પણ પોતાના નામે કરી હતી.

મોહમ્મદ શરીફ:

આ લિસ્ટમાં ત્રીજા નંબરે આવે છે બાંગ્લાદેશનો પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ શરીફ. તેણે 15 વર્ષ 128 દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. મોહમ્મદ શરીફે પોતાના કરિયરમાં 10 મેચોની 20 ઇનિંગમાં 122 રન બનાવ્યા અને 14 વિકેટ લીધી હતી.

આકીબ જાવેદ:

સૌથી ઓછી ઉંમરના મામલે ચોથા નંબરે પણ પાકિસ્તાનના ખેલાડીનું નામ આવે છે. એ ખેલાડીનું નામ છે આકીબ જાવેદ. આકીબ જાવેદે 16 વર્ષ 189 દિવસની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના કરિયરમાં 22 મેચ રમી હતી, જેમાં 101 રન બનાવ્યા અને 54 વિકેટ પણ લીધી હતી.

સચિન તેંદુલકર:

સૌથી ઓછી ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં પાંચમા નંબરે આવે છે ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકર. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન અને ઘણાં બધા રેકોર્ડ પોતાના નામે કરનારા દિગ્ગજ સચિન તેંદુલકરે 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પાકિસ્તાન વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. એ સમયે સચિને છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 25 બોલમાં 15 રન બનાવ્યા હતા. જોકે ત્યારબાદ સચિન તેંદુલકર ક્રિકેટની દુનિયામાં ચમકતા સ્ટાર બની ગયા અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે 600થી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 34 હજારથી વધારે રન બનાવ્યા છે. સચિન તેંદુલકર દુનિયાના પહેલા એવા ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીઓ ફટકારી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં 34 હજાર 347 રન બનાવ્યા છે. વનડેમાં તેમના નામે 18 હજાર 426 અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તેમણે ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદીઓ લગાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp