CSK સામે હાર બાદ ઈરફાન પઠાણે પંડ્યાના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

PC: twitter.com

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર બાદ ફરીએકવાર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા છે. ફેન્સ તો હાર્દિક પંડ્યાની ટીકા કરી જ રહ્યા છે, પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઈરફાન પઠાણે કહ્યું હતું કે, હાર્દિક શરૂઆતથી જ એક કેપ્ટનના રૂપમાં સારો નથી રહ્યો. CSK સામે મેચમાં આકાશ મઢવાલને છેલ્લી ઓવર ફેકવાની હતી અને તે બોલિંગ માર્ક સુધી પણ પહોંચી ગયો હતો. પરંતુ હાર્દિકે તેના હાથમાંથી બોલ લઈ લીધો અને પોતે જ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ધોનીએ પંડ્યાને એ ઓવરમાં ચાર બોલમાં 20 રન ફટકારી દીધા અને એ જ મુંબઈની હારનું અંતર હતું.

ઈરફાન પઠાણે કહ્યું કે, જ્યારે શ્રેયસ ગોપાલે રચિન રવિન્દ્રને આઉટ કર્યો તો હાર્દિકે તેની પાસે વધુ એક ઓવર કરાવવી જોઈતી હતી. પરંતુ હાર્દિકે પોતાને જ તક આપી દીધી અને 15 રન પડ્યા. હાર્દિકે એ સમજવું પડશે કે અન્ય બોલર પણ છે, જે તેના માટે કામ કરી શકે છે. પણ તે બીજા બોલરો પર ભરોસો નથી કરો, તો એક કેપ્ટન તરીકે તેના સફળ થવાનો કોઈ રસ્તો નથી. પંડ્યા ડેથ ઓવર સ્પેશિલિસ્ટ નથી અને તેણે ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાથી બચવું જોઈએ.

IPL 2024ની હાઈ વોલ્ટેજ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. રોહિત શર્માની અણનમ સદી છતાં મુંબઈને મેચમાં 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઘણી હદ સુધી છેલ્લી ઓવરના ચાર બોલ મુંબઈ ઈન્ડિયન્સ અને કેપ્ટન હાર્દિક પંડ્યા માટે ભારે પડ્યા હતા. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ અંગે હાર્દિક પંડ્યાને ખુબ સંભળાવ્યું હતું.

હકીકતમાં, હાર્દિક પંડ્યાએ ફેંકેલી ચેન્નાઈની ઈનિંગની છેલ્લી ઓવરમાં કુલ 26 રન આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ હાર્દિકની ઓવરના છેલ્લા ચાર બોલ પર 20 રન બનાવ્યા હતા. જેમાં સતત ત્રણ સિક્સરનો પણ સમાવેશ થાય છે. હાર્દિકના પ્રદર્શન અંગે સુનીલ ગાવસ્કરે એક મીડિયા ચેનલના કાર્યક્રમમાં કહ્યું, 'સંભવતઃ મેં ઘણા લાંબા સમયથી સૌથી ખરાબ પ્રકારની બોલિંગ જોઈ છે. તેની બોલિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે, તે પોતાના હીરોને ભેટી પડ્યો છે. હાર્દિકે બરાબર એવા જ બોલ ફેંક્યા હતા જેના પર ધોની સિક્સર ફટકારી જ દેશે. એક સિક્સર તો બરાબર, પરંતુ પછીના બોલ પર તમે લેન્થ બોલ ફેંકી રહ્યા છો, તેમ છતાં તમને ખબર છે કે, બેટ્સમેન લેન્થ બોલની જ રાહ જોઈ રહ્યો છે. ધોનીએ બોલને ફટકારવાનો પ્રયાસ કરશે તે જાણતા હોવા છતાં, ત્યાર પછીનો બોલ પગ પર ફુલ ટોસ ફેંકવામાં આવ્યો હતો.'

ગાવસ્કરે વધુમાં કહ્યું, 'હાર્દિકની બોલિંગ અને કેપ્ટન્સી એકદમ સામાન્ય કક્ષાની હતી. રુતુરાજ ગાયકવાડે શિવમ દુબે સાથે આટલી સારી બેટિંગ કરી, તેમ છતાં હું માનું છું કે CSKનો સ્કોર 185-190 સુધી મર્યાદિત હોવો જોઈતો હતો.

હાર્દિકે 20મી ઓવરની શરૂઆત વાઈડથી કરી હતી. જ્યારે આગામી બોલ પર ડેરીલ મિશેલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી હાર્દિકે બીજી વાઈડ બોલિંગ કરી. હાર્દિકે ઓવરની બીજી લીગલ ડિલિવરી પર મિશેલને આઉટ કર્યો હતો. ત્યારપછી ચાહકોના ફેવરિટ માહીની એન્ટ્રી થઈ. માહીએ તેની ઇનિંગ્સના પ્રથમ બોલ અને ઓવરના ત્રીજા બોલ પર લોંગ ઓફ તરફ સિક્સર ફટકારી હતી. જ્યારે આગામી બોલને બાઉન્ડ્રીની બહાર લોંગ તરફ મોકલવામાં આવ્યો હતો.

હાર્દિકે પાંચમા બોલ પર યોર્કર અજમાવ્યો, પરંતુ બોલ ફુલ ટોસ તરીકે પડ્યો, તે પણ લેગ સ્ટમ્પ તરફ. ધોનીએ તેને સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર મોકલીને સિક્સરની હેટ્રિક ફટકારી હતી. છેલ્લા બોલ પર બે રન આવ્યા. એટલે કે ઓવરમાં કુલ 26 રન. ચેન્નાઈના દાવમાં હાર્દિકે ત્રણ ઓવર ફેંકી હતી. જેમાં તેણે 43 રન આપ્યા હતા અને બે વિકેટ મેળવી હતી.

મેચનો સંક્ષિપ્ત સ્કોર બતાવીએ તો CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા. રૂતુરાજ ગાયકવાડે 69 અને શિવમ દુબેએ 66 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp