મયંક યાદવે તોડી નાખ્યો પોતાનો જ રેકોર્ડ, IPLમાં રચ્યો ઇતિહાસ

PC: BCCI

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ફરીથી ગતિનો કેર વર્તાવ્યો છે. તેણે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી અને લખનૌ સુપર જાયન્ટ્સે 28 રનથી જીત હાંસલ કરી. મયંક યાદવે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ હાંસલ કરી. તે સતત બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ IPL ડેબ્યૂ કરતા પણ 3 વિકેટ લીધી હતી અને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી.

21 વર્ષીય મયંક યાદવ સતત બીજી મેચમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બોલિંગ કરતો નજરે પડ્યો. તેણે હાલની સીઝનમાં સૌથી ફાસ્ટ બૉલ નાખવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ 156.7 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી બૉલ ફેક્યો. મયંક યાદવે પંજાબ કિંગ્સ સામે 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બૉલ ફેક્યો હતો. સાથે જ તેણે ઇતિહાસ રચી નાખ્યો છે. તે IPLમાં સૌથી વધુ 155 પ્લસ કિલોમીટર પ્રતિકલાકની ડિલિવરી નાખનારો બોલર બની ગયો છે.

તેણે ત્રીજી વખત આ કમાલ કર્યું છે. ઉમરાન મલિક અને એનરિક નોર્ત્જેએ 2-2 વખત એટલી ગતિથી બૉલ ફેક્યા છે. મયંક યાદવે વધુ એક કારનામું કર્યું છે. તેણે પહેલી 2 IPL મેચોમાં 3 વિકેટ લેનારા સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે એમ કરનારો છઠ્ઠો બોલર છે. આ અગાઉ આ લિસ્ટમાં લસિથ મલિંગા, અમિત સિંહ, મયંક માર્કંડે, કે. કપૂર અને જોફ્રા આર્ચર જેવા બોલર છે. ઉલ્લેખનીય છે કે, મયંક યાદવે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન અને રજત પાટીદારને આઉટ કર્યા. મેક્સવેલનું ખાતું પણ ન ખૂલ્યું. કેમરન ગ્રીન 9 રન બનાવીને બોલ્ડ થયો, જ્યારે રજત પાટીદારે 29 રન જોડ્યા.

મયંક યાદવ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ ખૂબ ખુશ નજરે પડ્યો. તેણે કહ્યું કે, હકીકતમાં સારું લાગી રહ્યું છે. 2 મેચમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. મને એ વાતની વધારે ખુશી છે કે અમે બંને મેચ જીતી. મારું લક્ષ્ય દેશ માટે રમવાનું છે. મને લાગે છે કે આ તો બસ શરૂઆત છે. મેં કેમરૂન ગ્રીનની વિકેટને સૌથી વધુ એન્જોઇ કરી. ફાસ્ટ બોલિંગ માટે ઘણી વસ્તુ મહત્ત્વની છે, જેમાં ડાઈટ, ઊંઘ, ટ્રેનિંગ સામેલ છે. હું પોતાની ડાઈટ અને રિકવરીનો ખ્યાલ રાખી રહ્યો છું અને આઈસ બાથ પણ લઈ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp