રોહિત-દ્રવિડે પ્લેઈંગ XIને લઈને 5 સમસ્યાઓ ઉકેલવી પડશે, પસંદગીમાં જોરદાર સ્પર્ધા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. એવા અહેવાલો છે કે, રાજકોટની પીચ સ્પિનરો માટે મદદરૂપ થશે અને થોડી ધીમી પણ હશે, આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ બંનેને પ્લેઈંગ ઈલેવનને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભારત માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી વધુ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે આવા પાંચ કોયડા ઉકેલ્યા વિના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પ્લેઈંગ ઈલેવન અંગે અંતિમ નિર્ણય લઈ શકશે નહીં. ચાલો જાણીએ કે, રોહિત અને દ્રવિડને એકસાથે કયા પાંચ પ્રશ્નોના જવાબ શોધવા પડશે.
રજત પાટીદાર કે સરફરાઝ ખાન?, K.S. ભરત કે ધ્રુવ જુરેલ?, ચાર સ્પિનરો કે બે પેસરનું સંયોજન?, મોહમ્મદ સિરાજ કે મુકેશ કુમાર?, શું રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ છે?
વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને બીજી ટેસ્ટમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી હતી. પાટીદારે 32 અને 9 રનની ઇનિંગ રમી હતી. સરફરાઝ ખાનને બીજી ટેસ્ટ પહેલા ટેસ્ટ ટીમમાં આમંત્રણ મળ્યું હતું. જ્યારે રવિન્દ્ર જાડેજા અને KL રાહુલ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. KL રાહુલ ત્રીજી ટેસ્ટમાં પુનરાગમન કરી શકે છે, પરંતુ શ્રેયસ ઐયરની ઈજા પછી તે લગભગ નિશ્ચિત છે કે સરફરાઝ અથવા રજતમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. સરફરાઝના ફર્સ્ટ ક્લાસ રેકોર્ડને ધ્યાનમાં લેતાં તેને આ સિરીઝમાં તક ન આપવી એ અયોગ્ય હશે અને એક મેચમાં તેના પ્રદર્શનના આધારે રજતને બાકાત રાખવો પણ અયોગ્ય ગણાશે. આવી સ્થિતિમાં રોહિત અને દ્રવિડે બેસીને વિચારવું પડશે કે, રાજકોટ ટેસ્ટમાં આ બેમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા જોઈએ.
K.S. ભરતને વિકેટકીપર તરીકે ઘણી તકો મળી છે અને તે તેમાં કશું જ કમાલ દેખાડી શક્યો નથી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે આકરો નિર્ણય લઈ શકાય છે. હવે જોવાનું એ રહેશે કે રોહિત અને દ્રવિડ સાથે મળીને શું નિર્ણય લે છે, શું આ સિરીઝની બાકીની ત્રણ મેચોમાં K.S. ભરતને તક આપીને કોઈ નિર્ણય પર પહોંચવામાં આવે કે, ધ્રુવ જુરેલને અજમાવી લેવો જોઈએ.
રાજકોટની પીચને લઈને જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે, તેને જોતા ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ચાર સ્પિનરોના સમાવેશને લઈને અલગ નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં, સંયોજન ચાર સ્પિનરો સાથે એક ઝડપી બોલરનું હશે. અથવા તો બે પેસર અને ત્રણ સ્પિનરો સાથે, આ કોમ્બીનેશન પર પણ રોહિત અને દ્રવિડ બંનેએ ખુબ વિચારીને નક્કી કરવું પડશે.
મોહમ્મદ સિરાજે પ્રથમ ટેસ્ટ મેચમાં અને મુકેશ કુમારે બીજી ટેસ્ટ મેચમાં પોતાની બોલિંગથી નિરાશ કર્યા હતા. સિરાજને બીજી ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. હવે તે ટીમમાં પરત ફર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, મુકેશને બીજી તક મળે છે કે, પછી સિરાજ એકદમ ફ્રેશ થઈને મેદાનમાં પાછો ફરશે.
છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું રવિન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ છે અને ત્રીજી ટેસ્ટ રમી શકશે. જ્યારે BCCI સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમની જાહેરાત કરી ત્યારે રવિન્દ્ર જાડેજાનું નામ તેમાં હતું, પરંતુ એવું પણ કહેવામાં આવ્યું કે તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp