SMAT બરોડા vs સિક્કિમ:T20માં બન્યો 349 રનનો ઐતિહાસિક સ્કોર,એક ઇનિંગમાં 37 સિક્સર

PC: latestly.com

T20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર હવે બરોડા ક્રિકેટ ટીમના નામે નોંધાયો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં આજે રમાયેલી મેચમાં બરોડાએ 20 ઓવરમાં પાંચ વિકેટે 349 રન બનાવ્યા હતા, જેમાં ભાનુ પુનિયાએ અણનમ 134 રન બનાવ્યા હતા. આ મેચમાં બરોડાની ઇનિંગ દરમિયાન કુલ 37 સિક્સર ફટકારવામાં આવી હતી. આ રીતે બરોડાએ T20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો, જેણે આ વર્ષે 23 ઓક્ટોબરે ગામ્બિયા સામે 344 રન બનાવ્યા હતા. આ સાથે આ જ મેચમાં ઝિમ્બાબ્વેના નામે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ નોંધાયો હતો. ઝિમ્બાબ્વે તરફથી એક ઇનિંગમાં કુલ 27 સિક્સર ફટકારવામાં આવી હતી. બરોડાની ટીમે આ મેચમાં કુલ 37 સિક્સર ફટકારી હતી, જેમાંથી 15 સિક્સ ભાનુ પૂનિયાના બેટમાંથી આવ્યા હતા.

કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપવાળી બરોડા ટીમ તરફથી આ મેચમાં હાર્દિક પંડ્યા રમી રહ્યો નથી. આ મેચમાં બરોડાના ચાર ખેલાડીઓએ 50+ રન બનાવ્યા હતા. શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહે સાથે મળીને સારી શરૂઆત કરી હતી અને સાથે મળીને 5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 90 રન બનાવ્યા હતા. અભિમન્યુ 17 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શાશ્વત 43 રન બનાવીને આઉટ થયો હતો. ભાનુ અને શિવાલિક શર્માએ મળીને એવું રમતનું તોફાન લાવ્યા કે, બસ બધા જોતા જ રહી ગયા. શિવાલિક 17 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો અને વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન બનાવ્યા હતા. ભાનુએ 51 બોલમાં અણનમ 134 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે.

જો કે, ભાનુ T20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો. જો ભાનુએ વધુ ચાર સિક્સર ફટકારી હોત તો, આ વર્લ્ડ રેકોર્ડ પણ તૂટી ગયો હોતે. T20 ક્રિકેટના ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે. રંગપુર રાઇડર્સ તરફથી રમતા ગેલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ઢાકા ડાયનામાઇટ્સની સામે 146 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 18 સિક્સર ફટકારી હતી. આ મેચમાં બરોડાએ ચોગ્ગા અને છગ્ગાથી જ કુલ 294 રન બનાવ્યા હતા, જે એક ઇનિંગમાં બાઉન્ડ્રી વડે બનાવેલા સૌથી વધુ રન છે. આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ પણ ઝિમ્બાબ્વેના નામે નોંધાયેલો હતો, જેમાં મેચમાં કુલ 344 રન સાથે બાઉન્ડ્રીથી બનાવેલા રન 282 હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp