ભારત પાસેથી વર્લ્ડ કપ છીનવી લેનાર હેડના મતે આ ભારતીય વિશ્વનો મહાન બોલર છે
ટ્રેવિસ હેડને એવા ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે, જેણે ભારત પાસેથી વર્લ્ડ કપ 2023ની ટ્રોફી છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને લાગે છે કે, જસપ્રીત બુમરાહ રમતના સૌથી મહાન ઝડપી બોલરોમાંથી એક તરીકે જાણીતો થશે અને તેણે કહ્યું કે, તે ગર્વથી તેના પૌત્રોને આ ભારતીય ઝડપી બોલરનો સામનો કરવામાં પડતી મુશ્કેલી અને તેના પડકાર વિશે જણાવશે. જસપ્રીત બુમરાહે પર્થમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારત આ મેચ 295 રનથી જીતવામાં સફળ રહ્યું હતું.
ટ્રેવિસ હેડે સોમવારે કહ્યું, 'જસપ્રીત બુમરાહ કદાચ આ રમત માટે સૌથી મહાન ફાસ્ટ બોલર તરીકે ઓળખાશે. અમે હમણાં એ શોધી રહ્યા છીએ કે, તે અમારા માટે કેટલો પડકારજનક બની શકે છે. તેની સામે રમવું સારું છે.' ટ્રેવિસ હેડે કહ્યું, 'જ્યારે હું ભવિષ્યમાં મારી કારકિર્દી પર નજર નાખીશ, ત્યારે હું ગર્વથી મારા પૌત્રોને કહીશ કે, મેં તેનો સામનો કર્યો હતો. તેથી તેની સામે રમવું ખરાબ નથી. મને આશા છે કે, ભવિષ્યમાં પણ તેની સામે રમવાની મને તક મળશે, પરંતુ તેનો સામનો કરવો પડકારજનક છે.'
ટ્રેવિસ હેડ એકમાત્ર ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન હતો જેણે પર્થમાં અડધી સદી ફટકારી હતી. ટોચના ક્રમના બેટ્સમેન સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ આ વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેનને ખાતરી છે કે, તેના સાથી ખેલાડીઓ ટીપ્સ માટે તેનો સંપર્ક કરશે નહીં. ટ્રેવિસ હેડે કહ્યું, 'તે નિશ્ચિત છે કે તેઓ મારી પાસેથી બેટિંગ ટિપ્સ નહીં લે. દરેક ખેલાડીની રમવાની પોતાની એક રીત હોય છે.' બંને ટીમો હવે એડીલેડમાં એ જ સ્થળે ગુલાબી બોલની ટેસ્ટ રમશે જ્યાં ભારત 2020માં 36 રનમાં આઉટ થઇ ગયું હતું.
તે મેચને યાદ કરતાં ટ્રેવિસ હેડે કહ્યું, 'મને યાદ છે કે તે મેચ વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. અમે તે મેચનો ઘણો આનંદ માણ્યો હતો. ફરીથી એવું કરવાનું અમને સારું લાગશે, પરંતુ મને નથી લાગતું કે આગામી મેચમાં તે થશે.' હેડે એમ પણ કહ્યું કે, 'ઓસ્ટ્રેલિયાની સંઘર્ષશીલ બેટિંગ અને બોલિંગ એકમો વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ નથી.' પ્રથમ ટેસ્ટ દરમિયાન જોશ હેઝલવુડની એક ટિપ્પણી પછી ટીમમાં સંભવિત મતભેદોની આશંકા વ્યક્ત થવા લાગી હતી.
ટ્રેવિસ હેડે કહ્યું, 'અમને બંને વિભાગો (બેટિંગ અને બોલિંગ) પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તે ખૂબ જ વ્યક્તિગત રમત છે. અમે અમારી બેટિંગ સાઈડ પર મજબૂત પકડ બનાવવા માંગીએ છીએ અને અમને ખબર છે કે, અમારા બોલરોએ ભૂતકાળમાં કેટલું સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઘણી વખત અમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે.' હેડને પૂરો વિશ્વાસ છે કે, પ્રથમ ટેસ્ટમાં કારમી હાર છતાં તેની ટીમ પુનરાગમન કરવામાં સફળ રહેશે. ટ્રેવિસ હેડે કહ્યું, 'અમારી ટીમ પ્રતિકૂળ સંજોગોનો સારી રીતે સામનો કરી જાણે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં અમે દરેક પડકારનો સારી રીતે સામનો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણી ટીમોએ પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા પછી પાછા ફરવા માટે ખુબ સારું પ્રદર્શન કર્યું છે અને હકીકતમાં કહીએ તો તેઓએ ખરેખર સારું પ્રદર્શન કર્યું છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp