'ખાલી સ્ટેડિયમમાં આપી ટ્રોફી...', જીત પછી પણ ઓસ્ટ્રેલિયન મીડિયા ગુસ્સામાં
ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડની 137 રનની સદીની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાનો 241 રનનો ટાર્ગેટ 4 વિકેટે હાંસલ કરી લીધો હતો. વર્લ્ડ કપ 2023માં ભારત હજુ પણ અજેય હતું.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અપરાજિત રહેલી ભારત સામેની જીત પછી ઓસ્ટ્રેલિયાની ટીમના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જ્યારે, ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય ખેલાડીઓ અને દર્શકોના વલણ પર ટિપ્પણી કરી છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ લખ્યું છે કે, પેટ કમિન્સ અને તેની ટીમને કદાચ આ મોટી જીતનો અહેસાસ ન થયો હોય. કારણ કે જ્યારે 1 લાખ 30 હજારથી વધુની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં કમિન્સને ટ્રોફી સોંપવામાં આવી હતી. તે સમયે આખું સ્ટેડિયમ ખાલી હતું.
ભારતે સતત 9 લીગ મેચો જીતીને અને નોક-આઉટ મેચ એટલે કે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.
'ધ ક્રોનિકલ'એ ભારત સામેની જીતને લઈને હેડલાઈન આપી છે, 'વર્લ્ડ કપ ફાઇનલમાં ખેલદિલી ન દર્શાવવા બદલ ભારતીયોની ટીકા.'
વેબસાઈટે આગળ લખ્યું કે, 'ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીયોએ ખેલદિલી ન દર્શાવી, જેના કારણે તેમની ટીકા થઈ રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ટ્રોફી આપવામાં આવી રહી હતી ત્યારે ભારતીય ખેલાડીઓના વર્તનને નકારી શકાય નહીં. આ રીતની હાર ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ વધારે દુઃખદાયક હતી. કારણ કે યજમાન ભારતીય ટીમ અત્યાર સુધી કોઈ મેચ હારી ન હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે જીત મેળવીને 1.4 અબજ ભારતીયોના દિલ તોડી નાખ્યા.'
ક્રોનિકલે આગળ લખ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપ ટ્રોફી સાથે જશ્ન મનાવી રહી હતી. તે સમયે ભારતીય ખેલાડીઓએ ખેલદિલી બતાવ્યા વિના તે ટ્રોફી સમારોહની અવગણના કરી હતી.
ઓસ્ટ્રેલિયન અખબારે આગળ લખ્યું, 'ટૂર્નામેન્ટની બે પ્રારંભિક હાર છતાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો મેળવવો એ કોઈપણ ઓસ્ટ્રેલિયન ટીમ માટે અસાધારણ સિદ્ધિઓમાંથી એક છે. જો કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને તેની ટીમને આ સિદ્ધિનો અહેસાસ ન થયો. કારણ કે 1 લાખ 30 હજારથી વધુની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં જ્યારે ટ્રોફી સોંપવામાં આવી ત્યારે આખું સ્ટેડિયમ ખાલી હતું. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે ટ્રોફી ઓસ્ટ્રેલિયાની ટીમને સોંપવામાં આવી ત્યારે ભારતીય ટીમમાંથી પણ કોઈ દેખાતું ન હતું.'
'હેરાલ્ડ સને' ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને ઉલ્લેખીને લખ્યું છે કે ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી પીચ ભારત પર જ બેકફાયર કરી ગઈ. પોન્ટિંગે અમદાવાદની પિચને લઈને ભારતની રણનીતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ આઈકોન રિકી પોન્ટિંગે કહ્યું કે, તૈયાર કરેલી પીચ ભારત પર બેકફાયર થઈ. ફાઈનલની પીચ એ જ હતી જેના પર ભારતે ગયા મહિને લીગ મેચમાં પાકિસ્તાન પર સાત વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ મેચના એક દિવસ પહેલા વિકેટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પોન્ટિંગે કહ્યું કે, આ પિચ ખૂબ જ ઉપખંડીય પરિસ્થિતિઓ ધરાવતી પીચ છે. ભારત દ્વારા આવી પીચની તૈયારી કદાચ ભારત પર બેકફાયર થઈ.
ઓસ્ટ્રેલિયાના અન્ય અખબાર ધ ટેલિગ્રાફે ભારત પર નોંધાયેલી જીતને લઈને હેડલાઈન આપી છે, ભારતનું સત્ય સામે આવ્યું છે, દાયકાઓથી ચાલી આવતી નિરાશા હજુ પણ ચાલુ છે.
અખબારે વધુમાં લખ્યું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલ મેચ જોવા આવેલા લાખો દર્શકોને જ માત્ર ખામોશ નથી કર્યા, પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 1.4 અબજ ભારતીયોને પણ ખામોશ કરીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
અખબારે લખ્યું છે કે, ટેકનિકલી રીતે જોઈએ તો અમદાવાદમાં રમાયેલ વર્લ્ડ કપની ફાઈનલ ભારતની જ થવાની હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયન વેબસાઈટ 'ધ એજ'એ ભારત સામેની જીતને લઈને હેડિંગ આપ્યું છે, 'સ્ટેડિયમમાં દર્શકોની ચુપકીદી કમિન્સની ટીમ માટે એક સુવર્ણ ક્ષણ છે.'
ધ એજ આગળ લખ્યું, '90 હજારથી વધુ ભારતીયોથી ભરેલા સ્ટેડિયમમાં, વિરાટ કોહલીના સ્ટમ્પ પડવાના અવાજ પછી, માત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો જ અવાજ સંભળાતો હતો. આખા સ્ટેડિયમમાં એક માત્ર અવાજ સંભળાતો હતો તો તે માત્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોની ઉજવણીનો જ અવાજ હતો.
વેબસાઈટે આગળ લખ્યું, 'કોહલીના આઉટ થવાનું, ટ્રેવિસ હેડની સદી હોય કે પછીની જીતની ક્ષણ હોય, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે મૌન છવાઈ ગયું, તે કમિન્સ અને તેની ટીમના સભ્યો માટે એક સુવર્ણ ક્ષણ હતી. ભારતના PM અને મુખ્ય અતિથિ નરેન્દ્ર મોદીએ પણ ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સને ટ્રોફી આપતી વખતે આ વાત સ્વીકારવી પડી હતી. સ્ટેડિયમમાં છવાયેલું મૌન એ વાતનું પ્રતિક હતું કે, કમિન્સની ટીમે ચતુરાઈ અને હિંમતભર્યા પ્રદર્શનને કારણે હોમ ટીમ પાસેથી વર્લ્ડ કપની ટ્રોફી છીનવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp