રોહિત શર્મા પાંચમી ટેસ્ટ નહીં રમે, પોતે ના પાડી હોવાની ચર્ચા, આ ખેલાડી કેપ્ટન

PC: BCCI

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં યોજાવાની છે. સિડનીમાં યોજાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 4:30 વાગ્યે યોજાશે. પરંતુ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં બહાર બેસી શકે છે. જ્યારે તેની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. રોહિત શર્માએ પોતે જ પોતાના પ્રદર્શનને ધ્યાનમાં લેતા પાંચમી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શુભમન ગિલ પ્લેઈંગ 11માં વાપસી કરવા માટે તૈયાર છે. KL રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ટોસ માટે બહાર આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોહિતે કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. જેના માટે બંનેએ પોતાની સંમતિ આપી દીધી છે.

આનો અર્થ એ પણ થઈ શકે છે કે, મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ ભારત માટે 37 વર્ષીય રોહિતની છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે, કારણ કે તેને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર માટે ટીમમાં ભાગ્યે જ સ્થાન મળી શકે છે. આ ટેસ્ટ પ્રવાસ ઉનાળામાં ઈંગ્લેન્ડના પ્રવાસ (જૂન 2025)થી શરૂ થશે. જ્યારે, વર્તમાન ચક્રમાં ભારત WTC ફાઈનલ (લોર્ડ્સમાં 11 જૂન) માટે ક્વોલિફાય થવામાં સક્ષમ બને તેવી શક્યતા ઓછી છે.

રોહિત ફોર્મ માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. છેલ્લી 9 ટેસ્ટ મેચોમાં તેની બેટિંગ એવરેજ 10.93 રહી છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં તેણે માત્ર 6.2ની એવરેજથી બેટિંગ કરી છે.

મેચની પૂર્વ સંધ્યાએ પ્રેક્ટિસ દરમિયાન ગંભીર બુમરાહ સાથે લાંબી વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રોહિતે નેટ્સમાં થોડો સમય જ હાજરી આપી હતી અને સાઇડ-આર્મ બોલરો સાથે બેટિંગ કરી. પરંતુ પ્રેક્ટિસ માટે આવનારા છેલ્લા લોકોમાં તે એક હતો. આ દરમિયાન તે નિયમિત સ્લિપ પ્રેક્ટિસ દરમિયાન પણ ગેરહાજર રહ્યો હતો.

આ પહેલા આજે (2 જાન્યુઆરી, 2025) જ્યારે ગંભીરને રોહિતના પ્લેઈંગ 11માં સ્થાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. ગંભીરે કહ્યું હતું કે, રોહિત સાથે બધુ બરાબર છે. અમે આવતીકાલે (3 જાન્યુઆરી) વિકેટ જોઈને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરીશું.

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી: 67 ટેસ્ટ, 116 ઇનિંગ્સ, 4301 રન, 212 સૌથી વધુ, 40.57 એવરેજ, 12 સદી અને 18 અડધી સદી.

રોહિત શર્માની ODI કારકિર્દી: 265 મેચ, 257 ઇનિંગ્સ, 10866 રન, 264 સૌથી વધુ, 49.16 એવરેજ, 31 સદી અને 57 અડધી સદી.

રોહિત શર્માની T20 (T20I) કારકિર્દી: 159 મેચ, 151 ઇનિંગ્સ, 4231 રન, 121* સૌથી વધુ, 32.05 એવરેજ, 5 સદી અને 32 અડધી સદી.

મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર થયેલા શુભમન ગિલ રોહિતની જગ્યાએ પ્લેઈંગ 11માં પરત ફરશે. તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે, જ્યારે KL રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરશે. જો કે, રીષભ પંત સંભવતઃ ટીમમાં બની રહેશે, જેનું બેટથી પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ ઈજાગ્રસ્ત આકાશ દીપનું સ્થાન લઈ શકે છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, રીષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, R. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિકલ.

સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ ઈલેવન: સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: 22-25 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-પર્થ (ભારત 295 રનથી જીત્યું), 6-8 ડિસેમ્બર-બીજી ટેસ્ટ-એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટથી જીત્યું), 14-18 ડિસેમ્બર-ત્રીજી ટેસ્ટ-બ્રિસબેન (ડ્રો), 26-30 ડિસેમ્બર-ચોથી ટેસ્ટ-મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા 184 રનથી જીત્યું), 03-07 જાન્યુઆરી-પાંચમી ટેસ્ટ-સિડની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp