WTC ફાઇનલ પર મંડરાયા સંકટના વાદળો, ભારતીય ટીમ માટે આવ્યા માઠા સમાચાર

PC: mensxp.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18થી 22 જૂન વચ્ચે સાઉથહેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ રમાવાની છે. જોકે આ મેચ પહેલા એક માઠા સમાચાર આવ્યા છે જે બધા ફેન્સને નિરાશ કરી દેશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ દરમિયાન સાઉથહેમ્પટનનું હવામાન ખૂબ જ ખરાબ રહેવાનું છે. હવામાન રિપોર્ટ મુજબ 18થી 22 જૂન સુધી સાઉથહેમ્પટનમાં વરસાદ થાય તેવી સંભાવના છે. બે દિવસ તો ભારે વરસાદ થવાની આશંકા છે, જેની અસર ફાઇનલ પર થવી નક્કી છે.

હવામાન વેબસાઇટ એક્યૂવેધરના રિપોર્ટ મુજબ, સાઉથહેમ્પટનમાં 19 અને 20 જૂનના રોજ વરસાદ થશે અને તેની અસર રમત પર પડશે તે નક્કી છે. રિપોર્ટ મુજબ 19 જૂનના રોજ સાઉથહેમ્પટનમાં આખો દિવસ વાદળો છવાયેલા રહેશે. અનુમાન મુજબ સાઉથહેમ્પટનમાં લગભગ દોઢ કલાક સુધી વરસાદ થશે. 20 જૂનની વાત કરીએ તો સાઉથહેમ્પટનમાં લગભગ 4 કલાક વરસાદ પાડવાનું અનુમાન છે. બપોરે વરસાદ પડે તેવી સંભાવના છે. એવામાં રમતમાં નિશ્ચિત રૂપે ખલેલ પડશે.

આમ તો ઇંગ્લેન્ડની ડ્રેનેજ સિસ્ટમ શાનદાર છે અને ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે એક દિવસનો રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 18થી 22 જૂન વચ્ચે વરસાદ પડશે તો આ રિઝર્વ ડેનો ઉપયોગ થશે. જોકે ફેન્સ નહીં ઈચ્છે કે આ મેચ રિઝર્વ ડે સુધી જાય અને ફાઈનલમાં વરસાદનું વિઘ્ન આવે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ દરમિયાન જો વરસાદ ઓછો થાય છે તો પણ ભારતીય ટીમ માટે માઠા સમાચાર એ છે કે આ દરમિયાન વાદળ જરૂર છવાઈ રહેશે. ઇંગ્લેન્ડમાં વાદળ છવાઈ રહેવાનો અર્થ છે કે સ્વિંગ બોલરોને મદદ મળવી.

ન્યૂઝીલેન્ડના બોલરો બોલને સ્વિંગ કરાવવામાં માહિર છે. ખાસ કરીને ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદી ભારતીય ટીમને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં જ કાઉન્ટી ક્રિકેટ રમવા ગયેલા હનુમા વિહારીએ કહ્યું હતું કે જો ઈંગ્લેંડમાં વાદળ છવાયેલા રહ્યા તો બોલ આખો દિવસ સ્વિંગ થાય છે, જે ભારતીય બેટ્સમેનો માટે ચિંતાનો વિષય હશે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા જેવા બેટ્સમેન પણ સ્વિંગ સામે મુશ્કેલીમાં નજરે પડે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો એવા વાતાવરણમાં રમવા ટેવાયેલા છે કેમ કે તેમના દેશમાં પણ ઈંગ્લેન્ડ જેવો માહોલ રહે છે. સ્પષ્ટ છે કે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતવી હોય તો પોતાની શ્રેષ્ઠ રમત દેખાડવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp