કોરોના ઇફેક્ટ સેન્સેકસમાં 1188 પોઇન્ટનો હેવી કડાકો જાણો કયા શેરમાં ગાબડા પડ્યા

PC: businesstoday.in

દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ વધવાને કારણે શેરબજાર પર પણ અસર થઇ છે. સોમવારે બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (BSE) સેન્સેકસમાં 1188 પોઇન્ટનો હેવી કડાકો બોલી ગયો છે. અત્યારે સેન્સેકસ 48841 પોઇન્ટ પર છે પણ નીચામાં દિવસ દરમ્યાન 48580ની નીચલી સપાટી ટચ કરી ગયો હતો.

BSE-30 સેન્સેકસમાં સામેલ 27 શેરોના ભાવ તુટયા છે. જેમાં બજાજ ફાયનાન્સ, SBI, ઇન્સઇન્ડ બેંકના શેરો સૌથી વધુ 6 ટકા જેટલા તુટયા. આ પહેલાં 26 માર્ચે સેન્સેકસ 49 હજાર પોઇન્ટની નીચે ગયો હતો.

નેશનલ સ્ટોક એકસ્ચેન્જના નિફટીની વાત કરીએ તો સોમવારે નિફટીમાં પણ 322 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. નિફટી 14544 પર કામકાજ કરી રહ્યો છે. રોકાણકારોની સૌથી વધારે વેચવાલી બેકીંગ શેરોમાં જોવા મળી. નિફટી બેંક ઇન્ડેકસ 1220 પોઇન્ટ તુટીને 32637 પોઇન્ટ પર આવી ગયો છે. એવી જ રીતે ઓટો ઇન્ડેકસ 2.8 ટકા અને આઇટી ઇન્ડેકસ 1 ટકા ઘટયો છે.

 શેરબજારમાં તોતિંગ કડાકાની વચ્ચે બજારના જાણકારો શું સલાહ આપી રહ્યા છે તે જાણો

મોતીલાલ ઓસવાલ ના ટેકનિકલ અને રિસર્ચ હેડ ચંદન તાપડીયાના કહેવા મુજબ કોરોના મહામારીના વધી રહેલા કેસો અને રાજયોમાં વધી રહેલા પ્રતિબંધોને કારણે બજાર નર્વસ છે. એટલે ઉતાર-ચઢાવ વચ્ચે ભારે વેચવાલી આવી રહી છે. ઘટેલાં બજારમાં રોકાણકારોએ મેટલ, આઇટી, અને ફાર્મા સેકટરના કવોલિટી શેરોમાં ખરીદી કરવી જોઇએ. આ સેકટરો અન્ય સેકટર કરતા ઘણાં સારા છે.

પ્રોફિટમાર્ટના રિસર્ચ હેડ અવિનાશ ગોરાક્ષકરના કહેવા મુજબ કોરાનાના સંક્રમણને કારણે આર્થિક ગતિવિધિઓ પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ વિદેશી રોકાણકારોનું રોકાણ પણ ઘટયું છે. અવિનાશના કહેવા મુજબ આઇટી, ફાર્મા, સ્પેશિયાલીટી કેમિકલ સહિતના એકસપોર્ટવાલા સેકટરમાં ગ્રોથની સંભાવના છે. જેમાં ઇન્ડિયામાર્ટ સહિતના અન્ય શેરો ખરીદી શકાય. આ એવા સેકટર છે જેમાં કોવિડની અસર જોવા મળી નથી. નિફટી જો 14400નું લેવલ તોડશે તો 14000 પર આવી શકે છે.

BSE પર સોમવારે 2930 શેરોમાં કામકાજ થઇ રહ્યા છે જેમાં 758 શેરો વધવા તરફી રહ્યા છે જયારે 1983 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. એમાં પણ 299 શેરો એવા છે જેમાં લોઅર સર્કીટ લાગી ગઇ છે. એકસ્ચેનજ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 203.69 લાખ કરોડ થઇ ગયું છે જે 1લી એપ્રિલે 207.25 લાખ કરોડ  હતું. મતલબ કે માર્કેટ કેપમાં 4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp