26th January selfie contest

શેરબજાર રમણ ભ્રમણ, આ 4 કારણોથી રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

PC: businesstoday.in

આજે પણ શેરબજારમાં કડાકા ભડાકા ચાલું રહ્યા હતા અને  માર્કેટ ધબાઇ નમાહ થઇ ગયું હતું.  બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઇન્ડેક્સમાં 1158 પોઇન્ટ અને NSEમાં 359 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. શેરબજાર રમણ ભ્રમણ થઇ જવાને કારણે રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે. જાણકોરા આ 4 કારણોને લીધે બજાર તુટી રહ્યું હોવાનું કહી રહ્યા છે. BSE સેન્સેક્સની 52 સપ્તાહની ઉંચી સપાટી 62245 ગણતરીમાં લઇએ તો અત્યાર સુધીમાં 10,000 પોઇન્ટોનું મસમોટું ગાબડુ પડી ગયું છે.

શેરબજારના રોકાણકારોના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા, ગયા વર્ષની જબરદસ્ત તેજી પછી છેલ્લાં કેટલાંક મહિનાથી દુનિયાભરના શેરબજારો ઘટાડાની ઝપેટમાં આવી ગયા છે. ખાસ કરીને વિક્રમી ફુગાવાના કારણે વ્યાજદરમાં વધારો કરવાનો સમયગાળો શરૂ થયો અને બજારમાં વેચવાલીનો મારો શરૂ થયો. આજે ગુરુવારના ટ્રેડિંગમાં, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને 2-2 ટકાથી વધુ તૂટ્યા છે. આના કારણે રોકાણકારોના માર્કેટમાં એક જ ઝાટકે 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ચારેબાજુથી વેચવાલીનું એવું ઘમાસાણ મચ્યું કે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 2 એટલે કે વિપ્રો અને HCL ટેક ગ્રીન ઝોનમાં રહી શકી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 1,400 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. ટ્રેડિંગ બંધ થયા બાદ સેન્સેક્સ 1,158.08 પોઈન્ટ ના ઘટાડા સાથે 52,930.31 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી 359.10 પોઈન્ટ ના ઘટાડા સાથે 15,808 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 5,500 પોઈન્ટ તૂટ્યો છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં પણ લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે.

શેરબજારના જાણકારોએ બજારમાં ધબડકો વળી જવા માટે જે 4 કારણો આપ્યા છે તેની પર નજર નાંખીએ.

અમેરિકામાં ફુગાવાના તાજેતરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો માર્ચમાં 8.5 ટકાથી ઘટીને 8.3 ટકા પર આવી ગયો છે. જો કે, આ અંદાજ 8.1 ટકા કરતા વધારે છે. ફુગાવો ઊંચો રહેવા સાથે, એવી આશંકા છે કે ફેડરલ રિઝર્વ દરમાં વધારો કરવા માટે આક્રમક અભિગમ અપનાવી શકે છે. તેથી ડરી ગયેલા રોકાણકારો ધૂમ માલ વેચી રહ્યા છે.
અમેરિકી ચલણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ છ મુખ્ય કરન્સીના બાસ્કેટમાં વધીને 103.92 પર પહોંચી ગયો છે. આ લગભગ બે દાયકામાં ડોલરનું સર્વોચ્ચ સ્તર છે. ડોલરમાં ભારે ઉછાળાને કારણે  ઇન્ટરનેશનલ કરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. આ અઠવાડિયે ભારતીય ચલણ ડોલર સામે તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. તેનાથી શેરબજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર પડી રહી છે.

અમેરિકાના સ્ટોક માર્કેટમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 326.63 પોઈન્ટ ડાઉન હતો. S&P 500 1.65 ટકા ઘટ્યો અને Nasdaq Composite Index 3.18 ટકા ઘટ્યો હતો.. આ પછી આજે એશિયન બજારોમાં પણ ધબળકો વળી ગયો હતો. જાપાનનો નિક્કી 1.01 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 1.05 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.36 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય બજારમાં વેચવાલ છે. વિદેશી ફંડોએ બુધવારે રૂ. 3,609.35 કરોડના શેરો વેચી દીધા હતા. આ રીતે મે મહિનામાં તેમણે ભારતીય બજારમાંથી અત્યાર સુધીમાં 17,403 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ વર્ષની વાત કરીએ તો 2022માં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 1,44,565 કરોડના શેરો વેચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp