આ શેરમાં રાધાકિશન દામાણીનો વિશ્વાસ અકબંધ, વર્ષમાં 63 ટકા વધ્યો

PC: business-standard.com

શેરબજારમાં દિગ્ગજ રોકાણકારોના ડિસેમ્બર 2021ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળાના હોલ્ડિંગ્સ જાહેર થવાના શરૂ થયા છે. રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ ગણાતા રાધાકિશન દામાણીએ ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડમાં પોતાનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ઓકટોબરથી ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં દામાણીએ ટ્રેન્ટમાં પોતાનું 1.5 ટકા શેર હોલ્ડીંગ જાળવી રાખ્યું છે. ટ્રેન્ટના શેરના ભાવનું પરફોર્મન્સ જોઇએ તો એક વર્ષમાં લગભગ 63 ટકા જેટલો વધ્યો છે.

BSEની વેબસાઇટ પર ઉપલબ્ધ ટ્રેન્ટ લિમિટેડના ડિસેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાધાકિશન દામાણીની આ કંપનીમાં 1.52 ટકા એટલે કે 54, 21, 131 શેરોનું હોલ્ડીંગ છે જે તેમણે જાળવી રાખ્યું છે. દામાણીએ આ શેરમાં રોકાણ પોતાની કંપની ડેરાઇવ ટ્રેડીંગ એન્ડ રિઝોર્ટસ પ્રા.લિ. દ્રારા કર્યું છે. 11 જાન્યુઆરીએ ટ્રેન્ટમાં દામાણીના હોલ્ડીંગની વેલ્યૂ 598.60 કરોડ રૂપિયા રહી છે.

ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ રિટેલ યૂનિટ ઓપરેટ કરે છે. કંપનીનું માર્કેટ કેપ 38 હજાર કરોડ રૂપિયા છે. આમ તો ટ્રેન્ટનો શેર 1 વર્ષમાં 63 ટકા વધ્યો છે, પરંતુ 5 વર્ષની વાત કરીએ તો આટલા સમયગાળામાં મલ્ટીબેગર સ્ટોક સાબિત થયો છે. ટ્રેન્ટના શેરે 5 વર્ષમાં 422 ટકા વળતર આપ્યું છે. કંપનીના શેરનો ભાવ 13 જાન્યુઆરી 2017ના દિવેસ 214 રૂપિયા હતો, જે 11 જાન્યુઆરી 2022ના દિવસે 1119 રૂપિયા સુધી પહોંચી ગયો છે. દામાણી તો આ સ્ટોકમાં કમાયા જ છે, પરંતુ જે રોકાણકારોએ 5 વર્ષ સુધી રોકાણ જાળવી રાખ્યું હશે તેમને પણ ભારે બખ્ખાં થઇ ગયા છે.

ટાટા ગ્રુપ ટ્રેન્ટના માધ્યમથી રિટેલ બિઝનેસ ઓપરેટ કરે છે. ટ્રેન્ટમાં 5 અલગ અલગ ફોર્મેટમાં સ્ટોર ઓપરેટ કરવામાં આવે છે. ફેશન રિટેલમાં Zudio (value fashion retail)  અને Zara JV (premium fashion retail) નામથી બિઝનેસ ચાલે છે. જયારે સ્ટાર બજાર JV દ્રારા ટ્રેન્ટ ફુડ, ગ્રોસરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં હાયપર માર્કેટ ઓપરેટ કરે છે. તો લેન્ડ માર્ક સ્ટોર કંપનીનું એન્ટરટેઇનમેન્ટ ફોર્મેટ છે.

ટ્રેન્ટના શેરનો ભાવ 12 જાન્યુઆરીને મંગળવારે 20 ટકા જેટલો વધીને 1140 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ શેરની 52 સપ્તાહની વધઘટ જોઇએ તો નીચામાં 587.95 અને ઉંચામાં 1208.30 રૂપિયા સુધી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp