યાત્રાધામોમાં હેલિકોપ્ટર સર્વિસ શરૂ, શ્રદ્ધાળુ હવાઇ સફર કરશે

PC: India.com

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સ્થળોએ હવાઇ સફર કરવા માટે ગુજરાત સરકારના સહયોગથી ખાનગી કંપનીઓ હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવા જઇ રહી છે. પ્રથમ તબક્કે સોમનાથ અને દ્વારકાની સુવિધા શરૂ થઇ રહી છે.

રાજ્યના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાલીતાણા, ગીરનાર અને ડાકોર જેવા સ્થળોએ હવાઇ સુવિધા શરૂ કરવાનો પ્લાન સરકારે 12 વર્ષ પહેલાં બનાવ્યો હતો પરંતુ ખાનગી કંપનીઓને હવાઇ સર્વિસ મોંઘી પડી રહી હતી. જો કે હવે પ્રવાસન નિતી પ્રમાણે એરલાઇન્સ કંપનીઓને ઇન્સેન્ટીવ મળતાં હવે તેઓ તૈયાર થઇ છે. ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં આવી હવાઇ કંપનીઓ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આસ્થા નામની ઇન્ફ્રા લાઇવ પ્રાઇવેટ લિમિટેડ સાથે આવો જ એક એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર સાથે કરવામાં આવેલા એમઓયુની સાથોસાથ યાત્રાધામમાં યોગ, સ્વાસ્થ્ય, આયુર્વેદિક ટ્રીટમેન્ટ, ભારતીય ભાતીગળ સાંસ્કૃતિક મૂલ્ય સમજાવતા થીમપાર્ક ઉભા કરાશે જેમાં મનોરંજન માટે એ.સી. થિયેટર અને એમ્યુઝમેન્ટ પાર્ક કે જેમાં અત્યાધૂનિક રાઈડ્સ હશે. સાથોસાથ રહેવા-જમવાની સગવડતા સાથેના વિશાળ ગેસ્ટ હાઉસ હશે.

હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 100 એકરની જમીનમાં રોકાણકાર ઉદ્યોગ સાહસિક દ્વારા થીમપાર્ક ઉભો કરાશે અને એક નવું યાત્રાધામ વિકસિત કરાશે. આ થીમપાર્કમાં વર્ચયુલ રિયાલિટીના માધ્યમથી વિવિધ ઐતિહાસિક મંદિરોના દર્શન થ્રી-ડી ફિલ્મ દ્વારા કરાવવામાં આવશે જેના માટે આધુનિક થિયેટર્સનું નિર્માણ કરાશે.

હેલિકોપ્ટર સેવા માટે માટે આસ્થા ઈન્ફ્રા લાઈવ કંપની સાથે યાત્રાધામ વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 550 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. હાલ આ કંપની દ્વારા 2009થી કેદારનાથ પવિત્ર યાત્રાધામમાં ફેરી સર્વિસ ચાલુ છે અને દહેરાદૂનથી ચારધામની યાત્રા ફેરી સર્વિસ દ્વારા કરાવવામાં આવે છે.

બીજી સર્વિસ રાજકોટથી સોમનાથ દ્વારકા જવા માટે શરૂ થઇ રહી છે. ટેલિકોમ ક્ષેત્રે નામના મેળવ્યા બાદ પુજારા ટેલિકોમ (હરિઓમ કોમ્યુનિકેશન) દ્વારા પ્રથમ તબક્કામાં 6 સીટર હેલિકોપ્ટર મુકાશે. ત્યારબાદ ચાર્ટર પ્લેન પણ શરૂ કરવામાં આવશે.

કંપનીએ હેલિકોપ્ટરની ખરીદી કરી દીધી છે અને તેમાં અનુભવી સ્ટાફની ભરતી પણ કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં આ સેવા શરૂ કરવા મુખ્યમંત્રીના હસ્તે આ અનોખી સેવાનું ઉદઘાટન કરવા માટે હાલ તેમનો સમય મળવાની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp