અમદાવાદીઓ આનંદો! મેટ્રોના પહેલા તબક્કાને શરૂ કરવાનો સમય નક્કી થઇ ગયો

PC: twitter.com

ગુજરાતમાં અમદાવાદને પ્રથમ મેટ્રોટ્રેન આપવા માટે છેલ્લા 15 વર્ષથી પ્રયાસો શરૂ થયા હતા પરંતુ હવે લાંબા ઇન્તજાર પછી ઓગષ્ટ મહિનાથી અમદાવાદીઓ મેટ્રોરેલમાં સફર કરશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને આ પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર લઇ જવાયો છે અને પ્રથમ તબક્કો ઓગષ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ મેટ્રોનો 40 કિ.મી.નો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2022થી શરૂ થઈ જશે. આ રૂટની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણનો કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ રુટમાં 6.5 કિલોમીટરના રૂટમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ દોડશે. તેમા ટનલનું કામ પૂરુ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરિયા સુધી અંડરગ્રાઉન્ડ રેલવે દોડવાની છે.

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોરને ઓગસ્ટ 2022માં એટલે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે વસ્ત્રાલના એપેરલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપેરલ પાર્કથી 6.5 કિ.મી. લાંબા કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી થઈ શાહપુર સાબરમતી નદીના બ્રિજ પર ચલાવી ઇન્કમ ટેક્સ ખાતે જૂની હાઇકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.

મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. હજી પણ મેટ્રો ટ્રેનની ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. મેટ્રો સ્ટેશનના 40 કિલોમીટરના પ્રથમ તબક્કામાં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ઉત્તરથી દક્ષિણનો કોરિડોર 18.87 કિ.મી.નો હશે. તે વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીનો છે.

તેમા 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિ.મી.નો છે. તે થલતેજ ગામ થઈ વસ્ત્રાલના એપેરલ પાર્ક સુધીનો છે. આ 21 કિ.મી. લાંબા કોરિડોરની ખાસિયત એ છે કે તે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી અને શહેરની નીચેથી પસાર થાય છે. શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે.

મેટ્રોરેલનો બીજો તબક્કો ગાંધીનગર સુધી જાય છે. આ રૂટના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે અને ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે બીજા તબક્કાના કામો બે વર્ષમાં પૂર્ણ થશે. એટલે કે ગાંધીનગરના નાગરિકોને લોકસભા 2024ની ચૂંટણી પહેલાં મેટ્રોરેલમાં સફર કરવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp