લોકસભામાં રાજકીય ટુરિઝમ ટૂર, ગુજરાતનું આ સ્થળ લોકપ્રિય હશે

PC: khabarchhe.com

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનું એક એવું ડેસ્ટિનેશન છે કે જેનો દેશભરમાં પ્રવાસ કાર્યક્રમ ગોઠવવામાં આવનાર છે. ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાંથી ચૂંટણી પ્રચાર માટે આવનારા બિન ગુજરાતી નેતાઓને એક એવું સ્થળ બતાવવામાં આવશે કે જેઓ ચોંકી જશે.

ગુજરાતના પ્રવાસન નકશામાં આમ તો ઘણાં સ્થળો છે પરંતુ વડનગર એક એવું મથક છે કે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ છે. આ વડનગરની કાયાપલટ કરવામાં આવી છે. પહેલાં PM મોદીએ અને હવે CM રૂપાણીએ આ વડનગરને સમૃદ્ધ બનાવ્યું છે, કેમ કે વડાપ્રધાનનું ગામ સાફ સુધરૂં અને લોકો તેની મુલાકાત લે તેવું હોવું જોઈએ.

ગુજરાત જ નહીં કેન્દ્ર સરકાર આ નગરીને સુંદર બનાવવાના કામમાં લાગી ગઈ છે. વડનગરની સંસ્કૃતિને બદલ્યા વિના મનમોહક બનાવવાની તાલાવેલી આપણા ભારત સરકારના રેલવે અને પ્રવાસન મંત્રીને પણ છે. ગુજરાતમાં પાછલી ત્રણ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થઈ ત્યારે ગુજરાત સરકારે વિદેશી મહેમાનોને રાજ્યના પ્રવાસન સ્થળો બતાવવા ટુર એરેન્જ કરી હતી અને તેમાં વડનગરને સ્થાન આપ્યું હતું. વિદેશી મહેમાનોને પણ એવું બતાવવામાં આવતું હતું કે આ જગ્યાએ PM મોદી નાના હતા ત્યારે રેલવેના મુસાફરોને ચા પીરસતા હતા.

આ બાબત રોંગ નથી પરંતુ જરા હટકે છે. એક વડાપ્રધાન જ્યારે દેશ પર રાજ કરતા હોય ત્યારે તેમનો જ્યાં જન્મ થયો છે તે સ્થળ પણ સુંદર હોવું જોઈએ, કારણ કે કોઈપણ નવો આગંતુક આપણને પહેલાં એ પૂછે છે કે તમારું વતન ક્યાં છે, PM મોદી જવાબ આપી શકે કે વડનગર છે અને ત્યાં જઈને જુઓ મારૂં વતન કેવું છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં એવું નક્કી કર્યું છે કે વડાપ્રધાન મોદી જ્યાં ચા વેચતા હતા તે વડનગરનું રેલવે સ્ટેશન વિકસાવવામાં આવશે. યુનિયન કલ્ચર એન્ડ ટુરિઝમ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ રેલવે સ્ટેશને આવેલા ચાના સ્ટોલને નાનો જ, જેવો હતો તેવો રખાશે પરંતુ રેલવે સ્ટેશનને આધુનિક ટચ અપાશે. આ રેલવે સ્ટેશનના અપગ્રેડેશન પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. હાલ રેલવે ડિપાર્ટમેન્ટ આ કામમાં લાગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર રાજ્યમાં બુદ્ધિષ્ઠ સરકીટ બનાવવા જઈ રહી છે ત્યારે આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયાએ ગુજરાતની પુરાતન નગરી વડનગરમાંથી બૌદ્ધ આશ્રમના અવશેષો શોધી કાઢ્યા છે. તાજેતરના ઉત્થનન દરમ્યાન બૌદ્ધ મુર્તિઓ તેમજ આશ્રમ હોવાના પુરાવા મળ્યા છે. આર્કિયોલોજીસ્ટ મધુલિકા સામન્થાએ કહ્યું છે કે આ જગ્યાએ કેટલાક સ્ટ્રક્ચર પણ મળ્યા છે જે બૌદ્ધ આશ્રમ હોવાનું સાબિત કરે છે.

ASIએ વડનગરમાં બે તબક્કે ખોદકામ કર્યું છે. પહેલા તબક્કામાં જાન્યુઆરી 2015મા અને બીજા તબક્કામાં મે 2016મા ખોદકામ થયું છે. ચીનના પ્રવાસી હુત્સંગે ખાસ ઉલ્લેખ કરેલો છે કે મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર એ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. વડનગરમાં બૌદ્ધ ધર્મનો વિકાસ 3જી સેન્ચ્યુરી અને 9મી સેન્ચ્યુરી વચ્ચે થયો હતો. 2007મા જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બૌદ્ધ ધર્મની નિશાનીઓ વડનગરમાંથી મળી આવી હતી. આ પ્રાચીન નગરીમાં બૌદ્ધ નગરી પણ સમાયેલી છે તેવું નજીકના ભવિષ્યમાં પ્રસ્થાપિત થશે ત્યારે વિશ્વના દેશો, ખાસ કરીને ચાઇનાને આશ્ચર્ય થશે.

વડનગરમાંથી આશ્રમ હોવાના અવશેષો ઉપરાંત આશ્રમના ઓટલા મળી આવ્યા છે. અવશેષો જોતાં એવું લાગે છે કે આશ્રમના વિવિધ તબક્કાઓ ત્રણ વખત બાંધવામાં આવ્યા છે. ખોદકામના બીજા તબક્કામાં અમને કેટલીક ધાતુઓ સાથે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મળી આવી હોવાનું મધુલિકાએ કહ્યું છે. વડનગરના સંપૂર્ણ ઉત્થનન દરમ્યાન એએસઆઇને કુલ 4,000 અવશેષો મળી આવ્યા છે અને તે અલગ અલગ ચાર પોઇન્ટ પર મોજૂદ હતા. ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવાતા સ્તૂપનો પણ તેમાં સમાવેશ થાય છે. ટેકાકોટા અને આકૃતિવાળી બરણીઓ પણ અહીંથી મળી છે. વિવિધ ઉંમર સાથે જોડાયેલા ચાંદી અને તાંબાના 1200 સિક્કા પણ મળ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે હવે રાજકીય પ્રવાસન ટૂર પણ થશે. ખાસ કરીને દેશભરના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજીટલ મિડીયાના પ્રતિનિધિઓને વડનગર જવાનું આમંત્રણ અપાશે જેનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવી શકે છે. એ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં આવતા દેશભરના નેતાઓને પણ વડનગર બતાવવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp